નવી દેશી ગુજરાતી ફિલ્મો !

કોણે કહ્યું કે જુની દેશી ગુજરાતી ફિલ્મોનો જમાનો જતો રહ્યો છે ? આજે આખા ગુજરાતમાં ઠેર ઠેર દેશી ગુજરાતી ફિલ્મો નવા સ્વરૂપે ચાલી રહી છે….

***

વીર રેમડેસિવીરવાળો

આ એક એવા બહારવટિયાની સ્ટોરી છે. જેણે બુકાની બાંધ્યા વિના (માસ્ક પહેર્યા વિના) આખું ગુજરાત ઘમરોળી નાંખ્યું અને પછી હજારો ઇંજેક્શનો ધાડ પાડ્યા વિના ક્યાંકથી લાવીને દરદીઓને વહેંચે છે !

***

જાહેરમાં રખડ્યાં છે જાણી જાણી

આ એવા નરબંકા અને નારીબંકીણીઓની વારતા છે જેઓ પોતાની બહાદૂરી બતાડવા માસ્ક વિના ઠેરઠેર ફર્યા છે અને પોતાના જન્મસિધ્ધ અધિકાર માટે પોલીસો સામે ધીંગાણા પણ કર્યા છે ! હજી સેકન્ડ વેવ પતવા દો. એ લોકો ફરી હાકલ કરશે… ‘હાલો ધીંગાણે !’

***

વ્હાલી એકસો આઠ, જોઉં છું તારી વાટ

આ એક કરુણ વિરહકથા છે. એકસો આઠ નામની ગોરી, ઉજળી અને કોયલના ટહુકાઓ જેવો અવાજ ધરાવતી પ્રેમિકાના વિરહમાં તડપી તડપીને જીવ ઉપર આવી ગયેલા જીવ-પ્રેમી માનવીઓની હૃદયદ્રાવી દાસ્તાન છે…

***

કાળજું કોરાયું કોવિડના વોર્ડમાં

આ એક કોમેડી ફિલ્મ છે. અહીં કોવિડ વોર્ડમાં પેશન્ટોના મનોરંજન માટે જે નર્સ ગાયનો વગાડીને ગરબા ગવડાવે છે તેના પ્રેમમાં પાંચ પેશન્ટો પાગલ થઈ ગયા છે ! (એમાંથી ચાર તો પરણેલા છે) આ પેશન્ટો સાજા થઈ ગયા હોવા છતાં અડધી રાત્રે ક્યાંકથી ડઝનબંધ બરફગોળા મંગાવીને જાતે જ શરદી ખાંસી પેદા કરે છે !

***

કોણ હલાવે ટીવી, ને કોણ ઝુલાવે મિડિયા

આ એક સસ્પેન્સ મુવી છે. બીજી રીતે જુઓ તો આ હોરર મુવી પણ છે. ટીવીના ન્યુઝ જોઈને પ્રજા ડરથી થરથર ધ્રુજે છે છતાં સસ્પેન્સ એ છે કે સચ્ચાઈ શું છે ? ફિલ્મનું સુપરહિટ ગાયન છે : ‘આંકડા છુપાવી મને... શીદને છેતરી ?’

***

અમે રે ‘પાણી’ ને તમે ‘ટેલ’

આમાં બે હિરો છે પણ સ્ટોરી કોમેડી છે કે ટ્રેજેડી છે તે હજી ક્લિયર નથી. પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત…

***

- મન્નુ શેખચલ્લી

Comments

  1. આ તાયફાઓનો અંત ત્યારે જ આવશે જ્યારે સત્તા માટે, જગપ્રસિધ્ધિ માટેનો સૌથી મોટો ભૂખાળવો નેતો થાકવા માંડશે....

    ReplyDelete

Post a Comment