આનંદ બક્ષીનાં અનોખાં 'ચેઇન- સોંગ' !

2021માં આપણે કોરોનાની ચેઈન તોડી નથી શકતાં અને ઓક્સિજનના બાટલા તથા 108ની ચેઈનો તો લાંબી જ થતી જાય છે. આવા સમયે અમને આનંદ બક્ષીનાં ગીતોમાં ‘ચેઇન’ દેખાય એ જરા વિચિત્ર તો છે જ, પણ ભાઈ, વરસો પહેલાં લખાયેલાં આ ગીતોમાં રહેલી સાંકળ છેક હમણાં અમને દેખાવા લાગી છે ! શું કરીએ ?

જુઓ પ્રતિજ્ઞા ફિલ્મનું આ ગીત :
પરદેશી આયા દેસ મેં,
દેસ સે મેરે ગાંવ મેં,
ગાંવ સે મેરી ગલી મેં,
ગલી સે મેરે ઘર મેં,
ઘર સે મેરે દિલ મેં,
અબ દિલ સે જાને કા નામ ના લે...
ઉઇ માં મૈં ક્યાં કરું !’

આ તો સારું છે કે બક્ષી સાહેબે દેશ પછી રાજ્ય, રાજ્ય પછી જિલ્લો, જિલ્લા પછી તાલુકો અને તાલુકા પછી ગામનાં વિવિધ ફળિયાંની ચેઈન ના બનાવી ! આમ જોવા જાવ તો લોકગીતોની પેટર્ન ધરાવતું આ ગાયન પાંચમાં ધોરણની ભૂગોળનો પાઠ બનતાં બનતાં રહી ગયું છે, છતાં એની જ મઝા છે ને !

ફિલ્મ ‘સુરજ ઔર ચંદા’માં આનંદ બક્ષીએ ફરી એજ પેટર્ન પકડી છે.

ગાંવ મેં પીપલ,
પીપલ કી છૈયાં,
છૈંયા મેં પનઘટ,
પનઘટ મેં પાની…
પાની મેં આગ લગાયે,
રાની તેરી જવાની !’

અહીં પાણીમાં આગ લગાડવા માટે પેલી ગોરી આટલું બધું પેટ્રોલ ક્યાંથી લાવી એવા અઘરા સવાલો નથી પૂછવાના ! આપણે સૌ જાણીએ જ છીએ કે ગોરી હિરોઇન પાણીમાં નહાતી હોય ત્યારે પાણીનું તાપમાન 103 ડિગ્રી થઈ જાય છે ! છતાં પેલી ગોરીની ચામડીએ ફોલ્લા પડતા નથી.

અઘરા સવાલોને છોડો, આનંદ બક્ષીએ સહેલા સવાલો વડે પણ ગાયન બનાવી કાઢ્યાં છે. જેમ કે ‘અનુરાગ’ ફિલ્મની હિરોઈન આંધળી છે એટલે પૂછ્યા કરે છે ‘વો ક્યા હૈ, યે ક્યા હૈ…’ વગેરે. ચાલુ ટાઇપનો હીરો એનો લાભ લઇને મારો બેટો ચાન્સ મારવાનું ચાલુ કરી દે છે ! આ ગીત તો બીજા ધોરણની ગુજરાતીમાં આવતી સ્વાધ્યાયપોથીના સવાલ જવાબ જેવું જ છે :

વો ક્યા હૈ,
એક મંદિર હૈ,
ઉસ મંદિર મેં,
એક મૂરત હૈ,
યે મૂરત કૈસી હોતી હૈ,
તેરી સૂરત જૈસી હોતી હૈ…’

આમ કરતાં કરતાં પેલો ચાલુ હીરો 'પરબત'થી 'બાદલ' અને 'બાદલ'થી મારો બેટો 'આંચલ' સુધી પહોંચી જાય છે ! (જોકે આવું બધું બીજા ધોરણની સ્વાધ્યાયપોથીમાં ના ચાલે, હોં ?)

એકચ્યુઅલી, બીજા ધોરણની કવિતા ટાઈપનું ‘ચેઇન-સોંગ’ આનંદ બક્ષીએ ‘શોર’ માટે લખ્યું હતું. આમાં બાળકોની કલ્પનામાં આવે એવી સુંદર સ્વપ્નસૃષ્ટિ પણ છે. જુઓ :

ગગન પે દો તારે ટકરાયે,
ટકરા કર દોનોં મુસ્કાયે,
ચાંદ ને સુન લી ઉન કી બાત,
જા બૈઠા બાદલ કે પાસ,
સુન બાદલને લી અંગડાઈ,
બુંદ બુંદ મેં બાત ફૈલાઈ,
ગગન કી બાત ધરતી પર આઈ,
કલી ને સુન લી સુની સુનાઈ,
કલી ને ફુલ કો ભેદ બતાયા,
ફુલ ને બુલબુલ કો સમઝાયા,
બુલબુલને ભંવરા બુલવાયા,
ભંવરા ગુનગુન કરતા આયા…
મૈં ને રોક કે ઉસે
સુનાયા… સુનાયા… સુનાયા… (શું?)
બન કે દુલ્હનિયા આજ ચલી હું,
મૈં સાજન કે દ્વારે,
શહનાઈ બજે ના બજે !’

બોલો. ક્યાંથી ક્યાં પહોંચાડી છે વાત ને ? તારા, ચંદ્ર, વાદળ, ટીપાં, ધરતી, કળી, ફૂલ, બુલબુલ અને ભમરા સુધી લંબાતી આ ચેઇન અમારા હિસાબે આનંદ બક્ષીએ લખેલી લાંબામાં લાંબી ‘સોંગ-સાંકળ’ છે !

આ સિવાય આનંદ બક્ષીએ અમુક ગાયનોમાં આખેઆખી સાંકળ વાપરવાને બદલે શબ્દોની ચાવીઓને કી-ચેઇનમાં ભેરવી હોય એ રીતે વાપર્યા છે. જેમ કે ‘અનજાના’ ફિલ્મનું આ ગીત :

જાન ચલી જાયે,
જિયા નહીં જાય,
જિયા જાય તો ફિર
જિયા નહીં જાય.’

આગળ જતાં દરેક અંતરામાં જે ક્રોસ લાઇન (એટલે કે અંતરાને ફરી મુખડા સાથે જોડતી પંક્તિ)માં પણ શબ્દ-રમત કરી છે.

બહાર ચલી જાયે,
પિયા નહીં જાય,
પિયા જાયે તો ફિર
જિયા નહીં જાય…’

ક્યારેક લાગે છે કે આનંદ બક્ષી સતત ડાબે હાથે શબ્દોને લખોટીઓની જેમ રમાડતા હશે ! અને જમણે હાથે એમાંથી એમની ડાયરીમાં ઉતારી લેતા હશે ! શૈલેન્દ્ર કે ગુલઝાર જેવું ઊંડાણ બક્ષીનાં ગીતોમાં બહુ છૂટું-છવાયું દેખાય છે પણ એમની રમત સતત ચાલતી જ રહી છે. ફિલ્મ ‘મેરા ગાંવ મેરા દેશ’ના એક ગીતમાં હળવું ઉખાણું જેવું ચલાવ્યું છે.

‘કુછ કહતા હૈ યે સાવન,
ક્યા કહતા હૈ ?
શામ સવેરે દિલ મેં મેરે
તૂ રહેતા હૈં…’

આગળ જતાં ‘ફિર આઈ પૂરવાઈ, ક્યું આઇ હૈ?'  ‘ખિલતી હૈ સબ કલિયાં, કબ ખિલતી હૈ?' ‘ઝર ઝર બહેતા હૈ ઝરના, ક્યું બહતા હૈ?’ એવા ઉખાણાંની ગાઈડમાં બધા જવાબો રોમેન્ટિક જ છે !

છેલ્લે ‘બનફૂલ’ના ગાયન ‘તારા તેરા મેરા નહીં ગુજારા’નો એક અંતરો જાણતા જાવ.
ધોકા,
મેરે સાથ હુઆ યે ધોકા,
મેરા ઘુંઘટ ખોલ ગયા
બેઇમાન પવન કા ઝોંકા…
ઝોંકા,
મૈં હોતા કાશ વો ઝોંકા,
મેરે હાથ સે નિકલ ગયા હૈ
એક સુનહરી મૌકા..’

લાગે છે ને સાવ સહેલું ? પણ અફસોસ, આજકાલના ગીતકારોને આટલું સહેલું લખવું યે અઘરું પડી રહ્યું છે. શું કરીએ ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. એક રિસર્ચ પેપર લખવા જેટલું મહાકાર્ય કર્યું તમે તો ! એક સરળ સર્જકની સરળતાની ખૂબીઓને તદ્દન સરળતાના પ્રવાહમાં લાવીને અમને રોમાંચક મજાઓ કરાવી દીધી, લલિતભાઈ ! અનેકાનેકાનેક સલામ !

    ReplyDelete
  2. ખુબ ખુબ આભાર રસેશભાઈ !
    યુવાનીમાં આનંદ બક્ષી બહુ ગમતા હતા પણ હવે મોડે મોડે સમજાઈ રહ્યું છે કે શા માટે ગમતા હતા ! રિસર્ચ બિસર્ચ કંઈ નથી પણ જે મનમાં સમજાય છે તે લખાઈ જાય છે ! 🙏🙏🙏

    ReplyDelete
  3. Lalitbhaii એક question paper kadhyu tame bakshi babu par
    Wah

    ReplyDelete

Post a Comment