નહોતી ખબર કે...

કોરોનાની બીજી લહેરે ગાભા કાઢી નાંખ્યા છે ! પ્રજા તો શું, સરકાર પણ શું, ખુદ વૈજ્ઞાનિકોને ખબર નહોતી કે આવો હાહાકાર મચી જશે !

વળી, આમાં RTI (રાઇટ ટુ ઇન્ફરમેશન)ની ફરિયાદ પણ કોને કરવી ? કારણ કે…

***

નહોતી ખબર કે

પહેલી પછી, બીજી લહેર હશે

અને બીજી લહેરનો આવો

ગજબ કહેર હશે…

***

લાઇનો લગાવી ઊભા

છેક નોટબંધીથી…

નહોતી ખબર કે એ પણ

સ્મશાનો સુધી હશે...

***

(અરે ? Why so serious? જરા હળવા થાઓ ! કેમકે…)

એમ્બ્યુલન્સની લાઈન..

ઇન્જેક્શનની લાઈન..

નહોતી ખબર કે લાઈનો

ફરી દારૂની પણ હશે !

***

(બંગાળની ચૂંટણી રેલીઓમાં હવે 500 જણાની લિમિટ છે ! બોલો.)

50-50ની લિમિટમાં

અહીં લગ્નો પતાવ્યાં

નહોતી ખબર ત્યાં રેલીમાં

500ની લિમિટ હશે !

***

કોર્ટ ઠપકારે સરકારને

સરકાર કહે પ્રજાનો દોષ

નહોતી ખબર કે આખી

રમત ‘ખો-ખો’ની હશે !

***

(માસ્ક વિના ફરીને પ્રજાએ કુલ 110 કરોડનો દંડ ભર્યો છે પણ સિરિયસલી, આજે એ રૂપિયામાંથી પ્રજાને શું સગવડ મળે છે ?)

હજાર હજાર ભરીને

કરોડોના દંડ ભર્યા

નહોતી ખબર કે કિંમત

અમારી કોડીની હશે !

***

(વેક્સિન લીધા પછી પણ કોઈ કોઇને કોરોના થાય છે. આમાં શું સમજવું ?)

હોંશે હોંશે કોવિડની

વેક્સિન પણ લીધી

નહોતી ખબર કે કોવિડનો

નવો ‘વેરિયન્ટ’ હશે !

***

ચીની હશે, બ્રિટીશ હશે,

બ્રાઝિલિયન હશે…

નહોતી ખબર કે વેરિયન્ટ

સાલો ‘ઇન્ડિયન’ જ હશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments