ફિલ્મોના એચિવમેન્ટ એવોર્ડ્ઝ !

ફિલ્મોના નેશનલ એવોર્ડ પણ જાહેર થઈ ગયા અને ફિલ્મફેર એવોર્ડ પણ આવી ગયા. છતાં હજી કેટલાક એવોર્ડ્ઝ બાકી છે….

***

‘આફ્ટર-લાઇફ-ટાઇમ’ એચિવમેન્ટ એવોર્ડ

કહે છે કે મોત પછી પણ એક લાઇફ હોય છે. સુશાંત સિંહના કેસમાં બિલકુલ એવું જ થયું. એના મોત પછી ન્યુઝ ચેનલોએ પોતાના TRPના ટાર્ગેટ એચિવ કરવા માટે જે ધમાધમી મચાવી તે આફ્ટર-લાઈફ એવોર્ડને લાયક છે !

***

ઝિરો એચિવમેન્ટ એવોર્ડ

આમિર ખાન છેલ્લા બે વરસથી કરે છે શું ? ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં તો પ્રેક્ષકો ઠગાયા હતા. એ પછી આ કહેવાતા મિસ્ટર પરફેક્ટ એકટરે કોઇ લાલસિંહ ચઢ્ઢાના નામની દાઢી ચોંટાડીને માત્ર ફોટા જ પડાવ્યે રાખ્યા છે !

***

100 કરોડ એચિવમેન્ટ એવોર્ડ

‘ઝિરો’ પછી જે હીરોને કોઈ ફિલ્મમાં કામ કરવાનું સુઝતું જ નહોતું તે શાહરૂખ ખાને અચાનક 100 કરોડનો બિઝનેસ કરી લીધો છે ! હજી તો ફિલ્મ માંડ શરૂ થઈ છે ત્યાં તો જાહેર કરી દીધું કે મેં આમાં 100 કરોડની ફી લીધી છે ! બોલો. કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના.

***

બેસ્ટ ‘ઓફ-સ્ક્રીન’ પરફોર્મન્સ એવોર્ડ

ઓન-સ્ક્રીનનો સવાલ જ ના રહ્યો કેમકે 2020માં મોટેભાગે થિયેટરોના સ્ક્રીનો જ બંધ હતા. આવા સમયે રિયા ચક્રવર્તી નામની હિરોઇને ટીવીના ટચૂકડા પરદે જે ‘અભિનય’ કરી બતાડ્યો તે લાજવાબ હતો.

***

એક્શન ક્વીન એવોર્ડ

ભલભલા ફાઇટ માસ્ટરોને ગુલાંટ ખવડાવી દે એવું ઢીશૂમ ઢીશૂમ કરી બતાડ્યું એક્શન ક્વીન કંગના રાણાવતે ! સાથે સાથે ટ્વિટર ઉપર તેજ-તર્રાર ડાયલોગ્સ પણ ખરા ! હા, સપોર્ટિંગ એક્શન રોલમાં બિન-ફિલ્મી સંજય રાઉતને પણ એવોર્ડ આપવો જોઈએ.

***

ન્યુ કમર ઓફ ધ યર

એક બાજુ સૈફ-કરિનાનો બાબો આવ્યો છે અને બીજી બાજુ વિરાટ-અનુષ્કાની બેબી આવી છે. હવે જોઈએ, સૌ સ્ટાર-સંતાનો માટે ‘ચાઇલ્ડ-ફિલ્મો’ બનાવતો કરણ જોહર કોને પહેલાં બ્રેક આપે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments