સમાચાર અને વઘાર !

આજકાલ અમુક સમાચારો ઓલરેડી એવા મસાલેદાર આવી રહ્યા છે કે વાત ના પૂછો ! છતાં એની ઉપર વઘાર કરવાનું મન થઈ જાય છે…

***

સમાચાર

હરદ્વાર કુંભમેળામાં અમુક અખાડાઓ વચ્ચે ઝગડા થઈ રહ્યા છે.

વઘાર

શં એટલે જ મોદીજીએ કુંભમેળો સમાપ્ત કરવા માટે વિનંતી કરી છે ?

***

સમાચાર

વિશ્વમાં કોરોના ફેલાવનારા ચીનનો GDP 18 ટકા વધી ગયો છે.

વઘાર

કોરોના તો આપણે પણ ફેલાવી નાંખ્યો છે પણ ભારતમાં ને ભારતમાં જ ! હવે એક્સ્પોર્ટનું વિચારો...

***

સમાચાર

આંધ્રમાં વેક્સિન ખૂટી પડી. મુખ્યમંત્રી જગન રેડ્ડીએ કેન્દ્ર પાસે માગી.

વઘાર

એકચ્યુઅલી તો જગન રેડ્ડીએ સી આર પાટિલની મદદ માગવા જેવી છે.

***

સમાચાર

શાળાઓની ફી 50 ટકા માફ કરવા વાલીઓની માગણી.

વઘાર

આવતા વરસે પણ બધાને પરીક્ષા વિના પાસ કરી દેવાની વિદ્યાર્થીઓની માગણી !

***

સમાચાર

108ની વાન હવે સાયરન નહીં વગાડે કેમ કે તેનાથી લોકોમાં દહેશત ફેલાય છે.

વઘાર

સાચી વાત. હવે માત્ર VIP નેતાઓનાં વાહનો જ સાયરન વગાડશે. લોકોએ તો એમનાથી જ ડરવાની જરૂર છે !

***

સમાચાર

બંગાળમાં ચૂંટણીની રેલીઓ હવે રાત્રે 10 ને બદલે સાંજે 7 પછી નહીં યોજી શકાય.

વઘાર

ઓહો ! કોરોનાની તાકાત એટલી બધી વધી ગઈ ? ચૂંટણી સભાઓને પણ પીછેહઠ કરવી પડે છે !? બચો... અને બચાવો...

***

- મન્નુ શેખચલ્લી

Comments