અમદાવાદમાં ‘ડ્રાઈવ-થ્રુ કોરોના ટેસ્ટ’ થાય છે ! તમારે કારમાં બેસી રહેવાનું (લાઈન લગાડીને) અને વારો આવે ત્યારે ફક્ત મોં ખોલવાનું !
યાર, આપણે લોકો પણ ઊંધા ક્રમમાં આવા રિવાજોની શોધ કરીએ છીએ. ‘ડ્રાઈવ-થ્રુ બેસણાં’ની શરૂઆત પહેલાં કરી અને ‘ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગ’ની રીત હવે કાઢી !
આ હિસાબે હવે મોડું થાય એ પહેલાં અન્ય ડ્રાઈવ-થ્રુ ચાલુ કરી દેવાની જરૂર છે.
***
ડ્રાઈવ-થ્રુ વેક્સિનેશન
આમે ય આપણે હાઈવે ઉપર ‘ડ્રાઈવ-થ્રુ ટોલ ટેક્સ’ તો ભરીએ જ છીએ ને ? તો એ જ લાઇનમાં આગળ જઈને બારીમાંથી હાથ બાર કાઢીને વેક્સિન લઈ લેવાની ! ગડકરી સાહેબને આ આઇડિયા જરૂર ગમશે.
***
ડ્રાઇવ-થ્રુ પાનના ગલ્લા
‘એક્ક જ મિનિટમાં આવું છું, બોસ’ એમ કહીને બરોબર પાનના ગલ્લા સામે આખા ટ્રાફિકને નડે એ રીતે કાર ઊભી રાખીને પાન-શૂરાઓ પોતાની ‘કાચી-સોપારી લવલી-કિમામ એકસો-પાંત્રીસ’ના દસ મસાલાની પોટલીઓ બંધાવવામાં પંદર મિનિટ બગાડે છે એના કરતાં એમને માટે પણ આવા ડ્રાઈવ-થ્રુ ગલ્લા રાખો ને !
એમણે પણ વારો આવે ત્યારે મોં જ ખોલવાનું છે !
***
ડ્રાઇવ-થ્રુ દર્શન
નેતાઓનાં દર્શનની વાત નથી ! એમનો ડ્રાઇવ-થ્રુ તો ચૂંટણી વખતે પતી ગયો. હવે એમનાં દર્શન દુર્લભ છે.
આ તો સરકાર મોટાં મંદિરોને પણ બંધ કરાવે એ પહેલાં મંદિરોએ જ ધનવાન ભક્તો માટે ડ્રાઇવ-થ્રુ દર્શનની સિસ્ટમ ચાલુ કરી દેવા જેવી છે.
***
ડ્રાઇવ-થ્રુ સ્મશાન
આ સિસ્ટમ તો લગભગ રેડી જ છે ! સ્મશાનોની બહાર ઓલરેડી શબવાહિનીઓની લાઇનો તો લાગી જ રહી છે. ભેગાભેગી બીજી લાઇન સગાવ્હાલાંઓની કરી આપો....
- સાલું, કેવા કેવા વિચારો આવી રહ્યા છે ?
***
ડ્રાઇવ-થ્રુ એરપોર્ટ
આ સિસ્ટમ અમદાવાદ એરપોર્ટ પર ચાલુ જ છે ! અદાણીની મહેરબાની હશે તો આમાં પણ કારમાંથી ઉતર્યા વિના, રોકાયા વિના, 1000 રૂપિયા ભરવાના આવશે ! જય વિકાસ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment