લો, ફરી પાછું લોકોનું ઘરની બહાર નીકળવું બંધ થઈ ગયું ! આ હિસાબે હવે લેખકો, કવિઓ, ચિંતનકારો અને અન્ય મહાનુભાવો માટે ફરી ‘વેબિનાર’ની સિઝન આવી ગઈ કહેવાય !
જોકે આ વખતે વેબિનારના સબ્જેક્ટો સાવ અલગ રાખવા પડશે ! વળી વેબિનારનાં નામો પણ આધુનિક ‘ઇ-સ્ટાઇલ’નાં હોવાં જોઈએ, જેમકે…
***
કવિ, કોરોના, કષ્ટ અને કઢાપો : કવિ જે કહેવા માગે છે તે કોવિડ ક્યારે સમજશે ?
(જાણીતા કવિઓ ‘કષ્ટ-કવિતાઓ’ રજુ કરશે. જાણીતા શ્રોતાઓને ઓનલાઇન આમંત્રણ…)
***
ગલીઓ સુની, બારણાં બંધ : બાલ્કનીની બારીએ ટહૂકતી કોયલ શું કહેવા માંગે છે ?
(જિંદગીના ફાફડા-ચટણીથી માંડીને માસ્ક-સેનિટાઇઝરમાંથી ફિલસોફી શોધી કાઢનારા ચિંતનકારોનો ‘ચિંતાત્મક’ વેબિનાર… કપાળે પડતી કરચલીઓ સામે ઝઝૂમી શકે તેવા ગંભીર શ્રોતાઓને ખાસ નિમંત્રણ…)
***
ફેસબુકમાં ‘ડિસ-લાઇક’ હોય તો વિવેચનમાં ‘લાઇક’ કેમ નથી ?: ‘મિનિ-કોમેન્ટ વિવેચન’ને સાહિત્યનો દરજ્જો ક્યારે મળશે ?
(ફેસબુકના કોમેન્ટકારો, ટ્વીટરના ટિપ્પણીબાજો અને અન્ય સોશિયલ મિડીયાના શાણપટ્ટી-શાહો હવે માગે છે યોગ્ય સન્માન… અહીં જેટલા વક્તા હશે એટલા જ શ્રોતા હશે… દોડો દોડો દોડો !)
***
હું જ લખું ને હું જ વાંચું, એ જ અજ્ઞાનતા…. શું ગુજ્જુ રાઇટિંગ ‘સેલ્ફી’ થતું જાય છે ?
(ડિજિટલ સ્ક્રીનના આધુનિક સાહિત્યમાં લખનારા વધારે છે કે વાંચનારા ? આઇનાઘર માંગે મોર… ‘સાહિત્ય-ફ્રોમ-હોમ’ વિશે સઘન ચર્ચા…)
***
અઢી બાય સવા ત્રણ ઇંચના ટચ-સ્ક્રીન ઉપર ‘ચેટ’ એટલે ચર્ચા ? ગ્રુપ એડમિનને ‘સભા-પ્રમુખ’ કેમ ના કહેવાય ?
(મોબાઇલ ઉપર મચ્યા રહેતા ‘ચેટ-ચતુરો’ ભેગા થશે અઢી બાય સવા ત્રણ ઇંચના વિશાળ મંચ ઉપર…. ધક્કામુક્કીથી બચવા સમયસર એન્ટ્રી લઈ લેવી.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment