એક તરફ મોદી સાહેબ સ્ટુડન્ટોને સલાહ આપે છે કે એક્ઝામ હોલમાં જતાં પહેલાં ટેન્શન ફ્રી થઈ જાવ, અને બીજી તરફ બરોબર એક્ઝામોની સિઝનમાં IPL ચાલુ થઈ ગઈ છે !
બિચારા સ્ટુડન્ટો શું કરે ? ભણે કે મેચો જુએ ? હાલમાં તો સ્ટુડન્ટોની ડિમાન્ડ છે કે એક્ઝામો પણ IPL સ્ટાઈલમાં જ લેવામાં આવે…
***
ત્રણ કલાકના લાંબા 100 માર્કના પેપરને બદલે માત્ર 20 મિનિટનું 20 માર્કસનું પેપર હોવું જોઈએ.
***
એમાંય સવાલો માત્ર 20 જ હોવા જોઈએ. જેમાં પહેલા 6 સવાલો વખતે ‘પાવર-પ્લે’ હોય…
- જેમાં સુપરવાઈઝરો રૂમની બહાર ઊભા રહેશે !
***
છેલ્લા 6 સવાલો વખતે સુપરવાઈઝરોને પણ પાવર-પ્લે મળશે...
પરંતુ એમને માત્ર બેન્ચો વચ્ચે આંટા મારવાની છૂટ હશે. સ્ટુડન્ટોનાં ખિસ્સાં તપાસવા ઉપર ‘ફીલ્ડ-રિસ્ટ્રીક્શન’ હશે !
***
પહેલા 6 સવાલ પછી અને ત્યાર બાદ 13મા સવાલ પછી ‘સ્ટ્રેટેજિક બ્રેક’ આપવો પડશે...
આમાં સ્ટુડન્ટો ક્લાસમાં રહીને એકબીજા જોડે કાપલીઓની અને સપ્લીમેન્ટ્રીઓની આપ-લે કરી શકશે !
***
જો સુપરવાઈઝર ઊંચા અવાજે ઘાંટો પાડે તો તે નો-બોલ ગણાશે જેના લીધે ‘ફ્રી-હિટ’ મળશે !
આ વખતે સ્ટુડન્ટોને સુપરવાઇઝરને એક મુક્કો અથવા બે થપ્પડ મારવા મળશે ! છતાં તેમને પરીક્ષા-હોલથી ‘આઉટ’ નહીં કરી શકાય !
***
સ્ટુડન્ટ નકલ કરતાં પકડાય તો સુપરવાઇઝર માત્ર DRSની અપીલ કરી શકશે. જેનો આખરી નિર્ણય સર્વેલન્સ કેમેરામાં ફૂટેજ જોઈને આપવામાં આવશે.
કેમેરાના ફૂટેજમાં ‘સફીશીયન્ટ એવિડન્સ’ નહીં દેખાય તો ‘બેનિફીટ ઓફ ડાઉટ’ સ્ટુન્ડન્ટને મળશે અને સુપરવાઇઝરનો એકમાત્ર DRS કેન્સલ થઈ જશે !
***
અને હા, રિઝલ્ટમાં સ્ટુડન્ટ પાસ થશે તો ચિયર ગર્લ્સ એના ઘરે આવીને ડાન્સ કરી જશે ! જય આઈપીએલ…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment