વર્લ્ડ 'ડાહ્યા દિવસ' ક્યારે આવશે ?

આજે પહેલી એપ્રિલે ‘એપ્રિલ ફૂલ’ ડે છે. આ દિવસે મુરખ લોકોને રક્ષણ આપવાને બદલે, મુરખાઓને તેમનો હક્ક અપાવવાને બદલે, મુરખ લોકો પ્રત્યે દુનિયાની સહાનુભૂતિ ઉઘરાવવાને બદલે લોકો બીજા લોકોને મુરખ ‘બનાવે’ છે !

આ હિસાબે અમને લાગે છે કે એક વર્લ્ડ ‘વાઇઝ-ડે’ યાને કે ડાહ્યાઓનો પણ એક દિવસ હોવો જોઈએ. જગતના ડાહ્યા લોકોને આ વિચાર હજી સુધી કેમ નથી આવ્યો એનું આશ્ચર્ય અમારા જેવા ચસકેલ લોકોને જ કેમ થાય છે?

સૌથી પહેલાં તો એ વિચારો કે દુનિયામાં ડાહ્યા લોકો છે જ ક્યાં ? શું ક્રિકેટરો ડાહ્યા છે ? ફિલ્મસ્ટારો ડાહ્યા છે ? નેતાઓ ડાહ્યા છે ? (અરે ભાઈ, કોઈ ડાહ્યો માણસ કદી પોલિટીક્સમાં આવે ખરો?) આ હિસાબે તો ડાહ્યા લોકો ‘લુપ્ત થઈ રહેલી પ્રજાતિ’ બનતી જાય છે, રાઈટ ? છતાં તમે જો દેશમાં ડાહ્યા લોકોની વસ્તી ગણત્રીનું અભિયાન ચલાવો તો દરેક દરેક માણસ સામે ચાલીને પોતાનું નામ નોંધાવશે !

બસ, આ જ ડાહ્યા લોકોની વિટંબણા છે. અસલી ડાહ્યાઓમાં નકલી ડાહ્યાઓ ઘૂસ મારી રહ્યા છે ! અમે ધીમે ધીમે એમની વિટંબણાઓનું અને માંગણીઓનું એક લિસ્ટ બનાવી રહ્યા છીએ…

ડાહ્યા હોવું ? કે ડાહ્યા થવું ?

આ બે અલગ સ્થિતિઓ છે. જે લોકો ડાહ્યા 'હોય' છે તે મોટેભાગે ચૂપચાપ રહેતા હોય છે (જેમકે મનમોહનસિંહ દસ વરસ સુધી ડાહ્યા બનીને ખુરશીમાં બેસી રહ્યા.) પરંતુ જે ડાહ્યા 'થવા જાય' છે તે મોટી મુસીબત ઊભી કરી નાંખે છે. (જેમ કે મુંબઈના પોલીસ કમિશનર પરમબીરસિંહ અચાનક ડાહ્યા ‘થવા’ ગયા !)

આ બન્ને સ્થિતિમાં બિચારો ડાહ્યો માણસ ડાહ્યો હોવા છતાં ડોબો જ સાબિત થાય છે. અમારી માગણી છે કે જગતના ડાહ્યા માણસો આ બાબતે ડાહી-ડાહી ચર્ચા કરીને જગતના અન્ય ડાહ્યા માણસોને સાચી સલાહ આપે કે, ભાઈ, શું આપણે ક્યારેક ક્યારેક ડાહ્યા 'થવું' ? કે હંમેશા ડાહ્યા 'રહેવું' ?

ડાહ્યાઓ ‘ડમરા’ શા માટે ?

નિશાળમાં જે છોકરો પહેલી બેન્ચે બેસીને તોફાન કર્યા વિના બરોબર ભણ-ભણ કરતો હોય...

ઓફિસમાં જે માણસ ઊંધુ ઘાલીને મજુરી કરવા છતાં બે રૂપિયાનો ય પગારવધારો ના માગતો હોય...

પોલીસખાતામાં જે કર્મચારી દસ રૂપિયાની લાંચ પણ ના લઈ શકતો હોય...

અને ઘરસંસારમાં જે માણસ પત્નીનું કહ્યું માનીને વિશ્વશાંતિની ઝુંબેશમાં પોતાનો નમ્ર ફાળો આપી રહ્યો હોય...

તેને હંમેશા ડાહ્યો ‘ડમરો’ જ કેમ કહેવામાં આવે છે?

અમારી માગણી છે કે ‘ડાહ્યો-ડમરો’ને બદલે ડાહ્યાઓને ‘ડાહ્યો-ગલગોટો’ અથવા ‘ડાહ્યો-ચંપો’ જેવું કોઈ સન્માનનીય નામ આપવું જોઇએ. (એમ થશે તો ડાહ્યાઓ પણ દુનિયાના તમામ એપ્રિલ ‘ફૂલ’ને ટક્કર આપી શકશે.)

ડહાપણ ‘ડહોળું’ જ કેમ ?

બિચારા ડાહ્યાઓને વારંવાર સાંભળવું પડે છે કે ‘તારું ડહાપણ ડહોળવાનું રહેવા દે.’ અહીં પાયાનો પ્રશ્ન એ છે કે આ ડહાપણ જે છે, તે ‘ડહોળું’ જ કેમ કહેવાય છે ?

દાખલા તરીકે ગટરમાં તમારી સોનાની વીંટી પડી ગઈ હોય તો ડાહ્યો માણસ શું કહેશે ? એ કહેશે કે લાવો એક લાકડી, હું અંદર નાંખીને આમ આમ હલાવીશ એટલે વીંટી એમાં ભરાઈ જશે. રાઈટ ? આ સમગ્ર ડહાપણભરી પ્રક્રિયામાં પાણી ડહોળું થઈ જાય અને વીંટી દેખાતી જ બંધ થઈ જાય એ તો તેની માત્ર સહજ આડઅસર છે ને !

કોઈ મુરખો જ એમ કહેશે કે ‘અલ્યા, ગટરમાં બે ચાર કિલો ફટકડી નાંખો એટલે ગંદકી આઘી ખસી જશે ! પછી વીંટી આરામથી હાથ નાંખીને કાઢી લઈશું !’

તમે જ કહો, ગટરમાં કંઈ મોંઘા ભાવની ફટકડી નાંખી દેવાતી હશે ? અને ગટરમાં હાથ તો નંખાય જ શી રીતે ? (અહીં પણ તમે જુઓ, પરમબીરસિંહ કેટલા સાચા હતા !)

ડાહ્યાઓનાં ગામ વસાવો

લોકો કહે છે કે ગાંડાઓનાં તે કંઈ ગામ હોતાં હશે ? એ તો જ્યાં જુઓ ત્યાંથી મળી આવે ! આ હિસાબે બિચારા ડાહ્યાઓની પણ આવી જ દયનીય દશા થઈ રહી છે. દુનિયામાં ક્યાંય ડાહ્યાઓનાં ગામ જ નથી.

અમારી માગણી છે કે ડાહ્યાઓનાં ગામ અલગ વસાવવામાં આવે. જેથી અમારા જેવા ગાંડાઓને વારંવાર કોઈ ડિસ્ટર્બ ના કરે. થેન્ક યુ.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment