નખ્ખોદ જજો આ વિડીયો કોલની શોધ કરનારાનું ! પહેલાં તો કેવી મઝા હતી કે મોડી રાત સુધી દોસ્તોની જોડે દારૂ પીતા બેઠા હોઈએ અને પત્નીનો ફોન આવે તો બિન્દાસ કહી શકતા હતા કે ‘ઓફિસમાં બહુ કામ છે… તું તારે સૂઈ જા… મને મોડું થશે…’
હવે એવું કહીએ કે તરત બૈરી વિડીયો કોલ લગાડીને કહે છે ‘પહેલાં ઓફિસ બતાડો, પછી વાત કરો !’
સવાલ માત્ર પરણેલાઓનો નથી. યંગ જનરેશનને પણ ત્રાસ છે. જાસૂસ બની ગયેલી મમ્મી બિચારી દિકરીને વારંવાર વિડીયો કોલ કરીને પૂછતી રહે છે ‘ક્યાં છે તારી બહેનપણીઓ? આ ઘર કોનું છે ? પાછળ દોરી ઉપર પેન્ટ કોનું લટકે છે ?’
ચાલો, યંગ જનરેશનમાં જે છોકરા-છોકરીઓ લવમાં હોય એમને તો સસ્તામાં પતે છે (કારણ કે વોટ્સએપમાં વિડીયો કોલિંગ ફ્રી હોય છે. એટલું જ નહીં, મોબાઈલમાં કશું બોલ્યા વિના એકબીજાનાં ડાચાં જોઈને અમુક લવરિયાં બબ્બે કલાક કાઢે છે ! ટુંકમાં, શબ્દોની પણ બચત.) પરંતુ અહીં પરણેલાઓની બચત બે જ મિનિટમાં સાફ થઈ જાય છે.
આપણે ઓફિસમાં કોઈ ક્લાયન્ટની બેલેન્સ-શીટ તૈયાર કરતાં હોઈએ ત્યાં પત્નીનો વિડીયો કોલ આવે ‘જુઓ ને, આ ડ્રેસ મને કેવો લાગે છે ?’ (મિસિસ પાછાં પેલા શો-રૂમના ચેન્જિંગ રૂમમાંથી કોલ કરતાં હોય !) જો તમે ના પાડો તો મેડમનો મૂડ બગડી જાય અને 'સારો છે' એમ કહો કે તરત તમારા ક્રેડિટ કાર્ડમાંથી બે-ચાર હજારની બચત સાફ થઈ જાય.
યાર, માણસ વિડીયો કોલ શા માટે કરે છે ? કે ભઈ, સામી વ્યક્તિ સાથે ‘મોઢામોઢ’ વાત થાય ! રાઈટ ? અહીં આપણા દેશમાં એવા એવા નમૂના છે જે વિડીયો કોલ વખતે કેમેરામાં જોતા જ નથી ! જાણે પોતે શું યે મોટા મિનિસ્ટર હોય અને ચમચાઓને સૂચનાઓ આપવાની હોય તેમ કંઇક બીજી જ દિશામાં મોં રાખીને વાતો કરતા હોય છે.
તમે બીજું પણ માર્ક કરજો, મોટા ભાગના નમૂનાઓ મોબાઈલને સામે ધરી રાખવાને બદલે સાતમા ધોરણના પાઠ્યપુસ્તકની જેમ ખોળામાં રાખે છે. આના કારણે એ ભાઈએ દાઢી કરતી વખતે ગરદનની નીચેની બાજુ જે છૂટાછવાયા કાબર ચીતરા વાળ રહેવા દીધા હોય તેનાં આપણે દર્શન પડે છે !
એટલું જ નહીં, ભાઈ સાહેબના ડાચાં કરતાં એમની સિલિંગમાં બાઝેલાં કરોળિયાનાં જાળાં, સિલિંગ ફેન ઉપર બાઝેલો ધૂળનો થર અથવા એમની ફોલ્સ સિલિંગમાં પ્લાસ્ટર ઓફ પેરિસ વડે જે કમળ, ફૂલપત્તીઓ અને શક્કરપારાઓ બનાવ્યા હોય છે તેમાં પડી રહેલાં ગાબડાં આપણે જોવા પડે છે.
સૌથી વધારે તકલીફ આપણાં NRI સગાંઓને મફતિયા વિડીયો કોલ્સ વખતે થાય છે.
એક તો એમને અણીથી પણી સુધીની વાતો કરવી હોય… આજે શું રાંધ્યું ? શું ખાધું ? સાંજે ક્યાં જવાના ? પેલી મેઘનાને માટે છોકરો મળ્યો કે નહીં ? …. ત્યાંથી માંડીને તમારે ત્યાં કોરોનાવાળું કેવું છે અને મોદી સાહેબ હવે શું કરવાના છે ત્યાં સુધીના એમને ‘આંખે દેખ્યા અહેવાલ’ જોઈતા હોય છે.
મોટાભાગે આવા ફોનો રવિવારે સવારે આવતા હોય (જ્યારે એમને ત્યાં શનિવારની રાત હોય અને એ લોકો નવરા હોય) આપણે અહીં મોડા ઊઠીને બ્રશ કરતા હોઈએ, નાહીને ટુવાલ વીંટીને કબાટમાંથી કપડાં શોધતા હોઈએ અથવા ચામાં ખાખરા બોળીને ખાવા સિવાય બીજું કશું કેમ નથી એની પંચાતમાં હોઈએ ત્યારે જ એમને આપણાં સાક્ષાત દર્શનો કરવાં હોય !
NRI વિડીયો-કોલમાં ‘રિલે સિસ્ટમ’ રાખવી પડે છે. બાબો બ્રશ કરી લે ત્યાં સુધી મમ્મીએ શાક વઘારતાં-વઘારતાં કુકરના ઢાંકણા કે રોટલી વણવાની આડણી આગળ મોબાઈલ ટેકવીને ‘ઓકે… ઓકે…’ કર્યા કરવું પડે છે. પછી પોતે કંટાળે ત્યારે (કંટાળાના હાવભાવ ફોનમાં ઝડપાઈ ન જાય એ રીતે ઈશારો કરીને) દાઢી કર્યા વિના ઊંઘરેલા પપ્પાને ફોન પધરાવવો પડે છે. બાબો ‘હાય અંકલ, હાય આન્ટી’ કરીને છૂટી પડે છે અને બેબી ‘હું તો નહાવા જઉં છું પાણી ઠંડુ પડી જશે’ કહેતી મેદાન છોડી જાય ત્યારે પિચ ઉપર ટકી રહેવું (એ પણ પોણો કલાક સુધી) ખરેખર અઘરું હોય છે કેમકે સાલો, ફેસ... ‘દેખાય’ છે !
બાકી હા, અહીં લગ્નમાં આપણે નાચતા હોઈએ અને લાઈવ વિડીયો કોલિંગમાં ત્યાંનાં NRI સગાં પણ ઘરમાં એટલી જ ખુશીથી આપણી ‘સાથે’ નાચતાં હોય એવી મસ્ત-મજ્જાની આનંદથી છલકતી ક્ષણો પણ આ જ વિડીયો કોલ આપે છે !
થેન્કયુ ડિયર ટેકનોલોજી !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
આ તાજગી મને તો જબરદસ્ત સ્પર્શી ગઈ, લલિતભાઈ !
ReplyDeleteતાજેતાજું વાંચીને તાજી તાજી કોમેન્ટ આપનાર પણ તમે છો જ ને ! 🙏😊
ReplyDeleteબરોબર પકડયા
ReplyDeleteતોય કોઈ ઝાલ્યા ઝલાય છે ખરા ?
DeleteVery nice Kaka.
ReplyDeleteThanks 😊
Deleteમજા આવી ગઈ મામા👍
ReplyDeleteજીવતા રહો, ભાણા !
ReplyDelete😆😆😆
ReplyDeleteThanks 😊
ReplyDelete