આ વધી રહેલી ગરમીમાં લોકોના મગજ પણ ગરમ થઈ રહ્યાં છે. વાત કાઢી હોય પેટ્રોલના ભાવ-વધારાની, પણ ક્યાંકથી તે દેશભક્તિ સુધી પહોંચી જાય છે !
અમારું ઊંધું થાય છે, મગજમાં બરફ રાખવા છતાં વાત આડે પાટે ચડી જ જાય છે ! જુઓ…
***
પેટ્રોલ-ડિઝલના ભાવ વધી ગયા છે
હા, પણ…
ભાવ તો સીંગતેલના ય વધી ગયા છે
પણ…
તેલમાં ચરબી હોય છે.
હા, પણ…
ચરબી તો નેતાઓમાં પણ હોય છે.
નેતાઓ જુઠ્ઠું બોલે છે.
હા, પણ…
જુઠ્ઠુ તો પતિઓ પણ બોલે છે.
જોકે પતિઓ ડફોળ હોય છે.
હા, પણ…
ડફોળ તો ગધેડા પણ હોય છે.
ગધેડા સફેદ હોય છે.
સફેદ તો બગલા પણ હોય છે.
બગલા ઇંડા મુકે છે.
હા પણ…
ઇંડા તો શાકાહારી પણ હોય છે.
એમ ?
શાકાહારી તો બકરી પણ હોય છે
બકરીને પૂંછડી હોય છે.
પૂંછડી તો ભેંસને પણ હોય છે.
ભેંસ કાળી હોય છે.
કાળી તો રાઈ પણ હોય છે.
રાઈના દાણા ઝીણા હોય છે.
ઝીણા તો પાકિસ્તાનમાં હતા.
પાકિસ્તાન તો દુશ્મન છે
હા, પણ…
દુશ્મનો તો ઇન્ડિયામાં પણ છે
એ ખરું, પણ…
ઇન્ડિયામાં તાજમહાલ છે.
તાજમહાલ એક અજાયબી છે.
અરે, પણ…
અજાયબી તો રાહુલજી પણ છે
રાહુલજી ક્યારેક ટ્રેનમાં જાય છે
ટ્રેન પાટા ઉપર ચાલે છે.
પાટા ડોક્ટરો પણ બાંધે છે.
હા, પણ પાટામાં મલમ હોય છે
મલમથી દર્દ મટે છે.
દર્દ દિલમાં હોય છે.
દિલ ધકધક કરે છે.
પણ ધકધક તો બાઈક પણ કરે છે.
બાઈક પેટ્રોલથી ચાલે છે
પેટ્રોલ માટે પૈસા જોઈએ
પણ…
પૈસા છે જ ક્યાં ?
બોલો. આવું ને આવું ચાલ્યા કરે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment