અહીં કોઈ જાદૂઈ દવાના ઘુંટડા પીને અમર થઈ જવાની વાત નથી. વાચકો સારી રીતે જાણે છે કે અમુક યાદગાર ગીતો એવાં છે કે તે તેના ગીતકાર, ગાયક, સંગીતકારને અમર બનાવી જાય છે. આવા એક નહીં પાંચ પાંચ ગીતો એ આર રહેમાનને અમર બનાવી શકે તેમ હતાં પણ એ તક એમણે વેડફી નાંખી.
વાતની શરૂઆત કરીએ એક ખરેખર અમર ગીતની કહાણીથી. ગીત છે: ‘એ મેરે વતન કે લોગો…’
1962માં ભારત જ્યારે ચીન સામેનું યુદ્ધ ખરાબ રીતે હારી ગયું હતું ત્યારે એ પછીની પંદરમી ઓગસ્ટે દેશની પ્રજામાં ફરી સ્વદેશાભિમાન જગાડે તેવું એક ગીત રજુ થવું જોઈએ એવો વિચાર જવાહરલાલ નહેરુને આવ્યો હોવાનું કહેવાય છે. આ કામ મદનમોહન માલવિયા નામના એક ઠરેલ નેતાને સોંપાયું. કહેવાય છે કે એમણે શરૂમાં કે. આસિફનો તથા મહેબૂબ ખાનનો સંપર્ક કર્યો હતો જેમાં એમને કહેવામાં આવ્યું કે તમે કવિ પ્રદીપજીને મળો. આવું ગીત તો એ જ લખી શકશે.
કવિ પ્રદીપે પ્રસ્તાવ સાંભળીને હા તો પાડી (રૂપિયાની તો વાત જ ક્યાં હતી, એ જમાનામાં?) પરંતુ સામે શરત મુકી કે હું જે કંઈ લખું એમાં કોઈ રાજકીય નેતાની દખલબાજી ના જોઈએ. ભલે તે વડાપ્રધાન કેમ ના હોય ! માલવિયાજીએ આ શરત મંજુર રાખી.
પછી તો સૌ જાણે છે તેમ સી. રામચંદ્રએ એની અત્યંત સાદી સરળ છતાં બેજોડ ધૂન બનાવી અને આશા ભોંસલે તે ગીત ગાવાના હતાં. પરંતુ લતા મંગેશકરને આ વાત ખબર પડતાં જ એમણે આખા પ્રોજેક્ટમાં ‘ઘૂસ’ મારી !
કહેવાય છે કે તે વખતે સી. રામચંદ્ર અને લતાજીના સંબંધો ઓલરેડી એટલા વણસેલા હતા કે લતાજીએ એકવાર સી. રામચંદ્રને ‘કહેવાતો’ લાફો મારી દીધો હતો. (આ ‘કહેવાતો’ લાફો કોને કહેવાય તેની આપણને ખબર નથી, ભૈશાબ.) છતાં લતાજી જાણી ગયાં હતાં કે આ એક ‘અમર’ ગીત બની રહ્યું છે. લતાજી એ ગીતમાં ગોઠવાઈ ગયાં.
દિલ્હીમાં જ્યારે આ ગીત પહેલી વાર ગવાયું ત્યારે કહેવાય છે કે જવાહરલાલ નહેરુ રડી પડેલા. (તે સમયે આ અમર ગીતના ગીતકાર પ્રદીપજીને આમંત્રણ સુધ્ધાં નહોતું, એવું પણ કહેવાય છે.)
ખેર, આ 'કહેવાય છે'.. 'કહેવાય છે'.. જરા લાંબુ ચાલ્યું ! હવે મેઇન વાત ઉપર આવીએ તો 2010માં જ્યારે ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ આયોજિત થઈ હતી ત્યારે તેના ભવ્ય રંગારંગ ઉદ્ઘાટન સમારંભમાં પાંચ ગીતો ‘કુરિયોગ્રાફી’ સાથે (એટલે નાચગાના સાથે) રજુ થવાના હતાં. આ યાદગાર પ્રસંગને અત્યંત યાદગાર બનાવવા માટે તે સમયના ઇન્ટરનેશનલ ખ્યાતિપ્રાપ્ત સંગીતકાર એ આર રહેમાનને, કહેવાય છે કે, પુરા પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
આ વાત (પાંચ કરોડવાળી નહીં, પણ પાંચ ગીતોવાળી) તે સમયે ઉદ્ઘાટન પહેલાનાં પ્રચારમાં પણ કહેવાઈ હતી એટલે અમે ટીવી સામે ટાંપીને બેઠા હતા કે ક્યારે પેલાં ‘મેરે વતન કે લોગો’ને આંબી જાય એવાં મહાન ગીતો કાને પડશે !
પરંતુ એ પાંચે પાંચ ગીતો રજુ થાય એની દસમી સેકન્ડે ભૂલાઈ ગયાં ! એ તો ઠીક, જ્યારે રજુ થઈ રહ્યાં હતાં ત્યારે પણ એક સેકન્ડ માટે એવું ન લાગ્યું કે આહા, કંઈ ગજબ ગીત છે ! ઉલ્ટું, જીભનો સ્વાદ બગડી ગયો કે યાર, આવા ગીતો ? આટલાં બધાં રેઢિયાળ ? આવાં ગીતો માટે થઈને ‘કહેવાતા’ પાંચ કરોડ અપાઈ ગયા ? પ્રજાના ‘કહેવાતા’ ખિસ્સામાંથી ? (આ પ્રજાનું કહેવાતું ખિસ્સુ પણ અમે હજી સુધી જોયું નથી.)
ચાલો, પાંચ કરોડ નહીં હોય તો પચાસ પચાસ લાખ લાખ હશે. પણ યાર, દેશ માટે ગીતો બનાવવાની આટલી સોનેરી તક મળી હોય ત્યારે કોઈ આવી વેઠ શા માટે ઉતારે ?
ખેર, એ પછી તો જાતજાતનું બહાર આવ્યું કે ભઈ, કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં બહુ મોટી ગોબાચારીની ગેમ રમાઇ ગઈ હતી. 35 પૈસાના પેપર-કપ માટે 15 રૂપિયા ચૂકવાયા હતા... વગેરે વગેરે. આવું બધું વાંચીને અમને પણ થતું હતું કે હશે યાર, પાંચ પાંચ રૂપિયાના ગીતો માટે પાંચ કરોડ અપાઈ ગયા હશે, ભૂલથી ! (ભૂલથી એટલા માટે કે એ આખા આયોજનના સૂત્રધાર સુરેશ કલમાડીને કદી કોઈ સજા થઈ નથી.)
અફસોસ એટલો જ રહી ગયો કે બિચારા એ આર રહેમાન ‘અમર’ થતાં થતાં બચી ગયા ! જય હો !
***
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
👍mast...
ReplyDeleteThanks again 😊🙏
Delete