ડોક્ટરો 'ક્રિએટિવ' હોત તો ?!

તમે જોજો, આજના એકટરો, સંગીતકારો, ક્રિકેટરો કે ઇવન બિઝનેસ જાયન્ટો પોતાની લાઇફ સ્ટોરી શેર કરતી વખતે કહેતા હશે:

'બચપન સે મુઝે મ્યુઝિક કા બડા શૌક થા. બાર બાર ભાગ કર મૈં ફિલ્મેં દેખને બૈઠ જાતા થા… પઢાઈ મેં મન હી નહીં લગતા થા. હંમેશા ખેલતા રહતા થા… નાનપણથી જ મને બિઝનેસમાં રસ હતો…' વગેરે.


આજના મોટિવેશનલ સ્પીકરો એને ‘પેશન’ કહે છે ! પણ શું તમે કદી કોઈ ડોક્ટરને એવું કહેતાં સાંભળ્યો છે કે...

‘બાળપણથી જ મારે ડોક્ટર બનવું હતું… મને મારી પાંચમી બર્થ-ડે વખતે જે રમકડાંનો ‘ડોક્ટર-સેટ’ ગિફ્ટમાં મળ્યો હતો ત્યારથી જ મને બધાની છાતી ઉપર રમકડાનું સ્ટેથોસ્કોપ મુકવાનું બહુ જ ગમતું હતું. આમાં ને આમાં મારા પડોશની એક છોકરીના પપ્પાએ મને બે લાફા પણ માર્યા હતા... છતાં મારી જે ડોકટરીની ધૂન સવાર થઈ હતી તેની મેં કદી સાંજ પડવા દીધી નથી.

હું તો અમારી ગલીના છેડે જે બિહારી ડોક્ટરનું દવાખાનું હતું ત્યાં કલાકોના કલાકો પેશન્ટ બનવાનો ઢોંગ કરીને બેસી રહેતો હતો. આમાં ને આમાં મને કબજિયાત ના હોવા છતાં ગોળી ખાઇને મને ઝાડા છૂટી જતા હતા !

બીજા એક ડોક્ટરને ત્યાં તો મેં મફતના પગારમાં કમ્પાઉન્ડરી પણ કરી નાંખી હતી. પીળી ગોળી અને ગુલાબી ગોળીનો તફાવત મને ત્યાંથી જ સમજાઈ ગયો હતો. બાળપણથી જ મને સ્પીરીટ અને દવાઓની ગંધ બહુ ગમતી હતી. રોજ રાત્રે હું મારા ઓશિકામાં ફિનાઈલ છાંટીને સૂઈ જતો હતો.

બારમામાં મારા ઓછા પરસેન્ટ આવ્યા હોવા છતાં મેં મારું સપનું વિખેરાવા દીધું નહીં. છેવટે હું એક પ્રાયવેટ હોસ્પિટલમાં કચરા-પોતાં કરવાની નોકરીએ લાગી ગયો…

હું બારીકાઈથી જોતો હતો કે ડોક્ટરો ઓપરેશન કેવી રીતે કરે છે, પાટાપિંડી શી રીતે કરે છે. આખરે એક દિવસ જાત અનુભવ (સેલ્ફ લર્નિંગ) માટે મેં એક રસ્તે જતા મજુરને મારા સ્કુટર વડે ઠોકી દીધો !

એના પગમાં અને માથામાંથી લોહી વહેવા લાગ્યું ! મેં તરત જ મારી ડેકીમાંથી ફર્સ્ટ એઇડ કીટ કાઢીને ત્યાં ને ત્યાં જ એનું ડ્રેસિંગ કર્યું ! અને તમે માનશો ? ચોથા જ દિવસે એના ઘા રુઝાઈ ગયા હતા !

બસ, ઉસ દિન સે મુઝે યકીન હો ગયા થા કિ મૈં ઇસ દુનિયા મેં ડોક્ટર બનને કે લિયે હી પૈદા હુઆ હું… મેરી ડેસ્ટીની મેરે સામને થી… આજ મેરે પાસ ડિગ્રી નહીં હૈ, તો ક્યા હુઆ…’ વગેરે વગેરે.

શું કોઈપણ ડોકટરની આવી કહાણી હોય છે ખરી ? ના ! એકચ્યુલી ડોક્ટરો ડોક્ટર શી રીતે બને છે ?

એ લોકો દસમા ધોરણ સુધી ભણ ભણ કરે છે ! છાપેલું વાંચે છે, વાંચેલું લખે છે, લખેલું ગોખે છે અને ઢગલાબંધ માર્કસ લઈ આવે છે ! બારમામાં બાયોલોજી ગ્રુપ લે છે અને લખી, વાંચી, ગોખીને 99 પરસેન્ટાઇલ માર્કસ લાવે છે ! ...સો સિમ્પલ !

એ પહેલાં કોઈ ડોક્ટર પાંચમામાં ભણતો હોય ત્યારે ગટરમાંથી દેડકા શોધીને તેનું કીચનની છરી વડે ડિસેક્શન નથી કરતો હોતો ! અરે એ છોડો, આ ડોક્ટરો જ્યારે મેડિકલ કોલેજમાં ભણતા હોય ત્યારે એમના કોઈ મહાન વર્લ્ડ ફેમસ ‘આઇડોલ’ (આદર્શ) પણ નથી હોતા કે...

‘યાઆઆર… 1967માં પેલા જર્મન ડોક્ટરે જે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું એનો આખી મેડિકલ હિસ્ટ્રીમાં જોટો નથી ! અને બૉસ ! 1999માં ચેન્નાઈના ડોક્ટર રામાસ્વામી મુથ્થુપ્પા ટી.વી. કે. રંગાચારી અયૈંગરે જે પેલી મલયામલ ફિલ્મોની કેબ્રે ડાન્સરના ઉપલા હોઠની જે પ્લાસ્ટિક સર્જરી કરેલી… આહાહા ! હજી સુધી હું એ હોઠનો દિવાનો છું !’

બોલો, આવું કદી સાંભળ્યું છે, ડોક્ટરોના મોઢે ? ના !

એટલે જ એ લોકો આ બધી ‘ક્રિએટિવ’ થવાની જફામાં પડતા નથી. હા, અમુક ડોક્ટરો બહુ સારા લેખકો છે, કવિઓ છે, એક્ટર અને સંગીતકાર પણ છે. પરંતુ જરા વિચારો, એ લોકો પોતાના ધંધામાં ‘આઉટ ઓફ ધ બોક્સ’ થિન્કીંગ કરીને ‘બહુ ક્રિએટિવ’ થવા જાય તો શું થાય ?

‘યુ સી… આ વખતે મારે કંઈક હટકે કરવું હતું એટલે બાય-પાસ સર્જરી કરતી વખતે થાપાની નસો લેવાને બદલે મેં પેશન્ટના મગજની નસો (જે રીતે હું તમારી મગજની નસો ખેંચી રહ્યો છું એ જ રીતે) ખેંચી નાંખી ! અને જુઓ, રિઝલ્ટ તમારી સામે છે. આઈ ડોન્ટ કેર કે વિવેચકો શું કહેશે… હું એવોર્ડો માટે ઓપરેશન નથી કરતો. બસ મને તો બે (જીવતા કે મુએલા) પેશન્ટનો પ્યાર મળી જાય તે કાફી છે !’

જોયું ? બિચારા ડોકટરો ગોખી ગોખીને ડોક્ટરો બને છે, તે કેટલું સારું છે ! નહીં ?

***

-મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. અદ્ભૂત ! હવે શબ્દોની વસ્તી ખૂટી પડે છે. રોજેરોજના ભાતીગળ લેખો વાંચી વાંચીને હસવું રોકવું મુશ્કેલ પડી જાય છે અને એ સૈલાબમાં શબ્દો વહી જાય છે, લલિતભાઈ !

    ReplyDelete
  2. આપ જેવા વાચકો મળે એ જ સદભાગ્ય છે !
    🙏🙏🙏

    ReplyDelete
  3. बडो मझो आयो बाबा, बडो मजो आयो!
    (सिंधी हर्षोदगार)

    ReplyDelete
  4. ADBHUT CREATIVE

    VERY VERY KAMAL
    મરક મરક સ્મિત થી ખડખડાટ

    ReplyDelete
  5. ખૂબ સરસ મનુભાઈ

    ReplyDelete
  6. આવું પણ કલ્પનાતીત વિચારો હોય છે? 🤔

    ReplyDelete

Post a Comment