બધે 'ડબલ સ્ટાન્ડર્ડ' છે !

મોટેરા સ્ટેડિયમમાં મેચ બે જ દિવસમાં પતી ગઈ તો વિદેશી ખેલાડીઓ કહેવા લાગ્યા કે આ તો ‘અન-પ્લેએબલ’ પિચ છે !

વાહ ભઈ વાહ ! અને તમે જે ફાસ્ટ-બોલરોના સ્વર્ગ જેવી પિચો બનાવતા આવ્યા છો તે શું છે ? તો કહે ‘ગ્રીન-ટોપ’ ! બોલો…

પણ ભઈ, આવાં ડબલ સ્ટાન્ડર્ડ બધે જ છે…

***

કોર્પોરેટ કંપનીના કરોડપતિ સીઈઓ બપોરે ઊંઘી જાય તો કહે છે કે ‘પાવર નેપ’ લે છે !

અને રાજકોટની દુકાનવાળા શટર પાડીને ઊંઘે તો કહે છે… ‘બપોરિયું ’!

***

અમેરિકન ફિલ્મોમાં લોહિયાળ હિંસા બતાડતી ફિલ્મોને કહેશે ‘હાઈ એક્શન થ્રિલર’…

અને હિન્દી ફિલ્મોમાં ફાઈટ ચાલતી હોય તો ? ‘ઢીશૂમ્‌ ઢીશૂમ !’

***

સરકાર પેટ્રોલના ભાવ વધારે તો તે ‘આર્થિક પગલું’ કહેવાય…

અને રાતોરાત તેલના ડબ્બાના ભાવ આસમાને ચડી જાય તો સરકાર ‘ખુલાસો’ કરે છે કે કાચા માલની અછત, કોરોનાનો પ્રભાવ, પરિવહનમાં મુ્શ્કલી વગેરે વગેરે… બોલો !

***

ઓફિસમાં કોઈ પુરુષ કર્મચારી મહિલા કર્મચારીના દેખાવ, કપડાં કે સુંદરતા વિશે જરીક જેવી કોમેન્ટ કરે તો એ ‘સેક્સ્યુઅલ હેરેસમેન્ટ’ કહેવાય…

અને જો મહિલા કર્મચારી પુરુષ કર્મચારીનો ખભો થાબડે, તાળી આપે, કે નોન-વેજ જોક કહી દે તો તે બહેન ‘બોલ્ડ’ કહેવાય !

***

તમે શેરબજારમાં પૈસા રમાડો તો તેને ‘સ્પેક્યુલેશન’ કહેવાય…

અને જો તમે ક્રિકેટ મેચ ઉપર પૈસા લગાડો તો ‘સટ્ટો’ છે !

***

તમે ફાટેલું ટી-શર્ટ પહેરો તો ‘સાલો ભિખારી’ છે કે શું ?

અને જો તમે ફાટેલું જિન્સ પહેરો તો… ‘હાઈ-ફાઈ’ બકા !

***

મોબાઇલમાં જોક્સ આવે તો ? ‘જબરી લાવે છે હોં?’

અને  મન્નુ શેખચલ્લીની જોક હોય તો ‘ક્યાંકથી ઉઠાવતો લાગે છે ! ‘’

***

- મન્નુ શેખચલ્લી

Comments