નવા બિન-સાંસદીય શબ્દો !

લો, હવે ધારાસભા અને સંસદમાં ના બોલી શકાય એવા શબ્દોમાં થોડા નવા ઉમેરા થયા છે ! આમાં અમુક લોકોને તો મજા જ મજા છે કેમ કે…

***

હવે કોઈ ગમે એટલી ફેંકતો હોય, તમે એને ‘ફેંકુ’ નહીં કહી શકો.

***

કોઈ ગમે એટલી બચકાના હરકતો કરતો હોય, તમે એને ‘પપ્પુ’ નહીં કહી શકો.

***

અચ્છા, એક નેતાનું તો નામ જ પપ્પુ યાદવ છે. એને શું કહીને બોલાવવાના ? (યોગીજી મદદ કરે, પ્લીઝ.)

***

જેમ દુનિયામાં સાચું સુખ ક્યાંય નથી એ જ રીતે દુનિયાભરમાં સાચો નેતા પણ ક્યાંય નથી. છતાં…

નેતાઓ ભલે બેફામ જુઠ્ઠાણાં બોલતા રહે, હવે એમને ‘જુઠ્ઠા’ નહીં કહી શકાય ! (આમાં ડીક્શનેરીવાળા મદદ કરે, પ્લીઝ)

***

જો ગૃહમાં મામા અને ભાણેજ બન્ને ચૂંટાઈને આવે તો તો મુસીબત થશે ! ભાણો મામાને ‘મામુ’ નહીં કહી શકે !

(પબ્લિકને મામુ બનાવવાની છૂટ હજી ચાલુ છે, ધ્યાનમાં રહે.)

***

2012માં ભારતીય સંસદ દ્વારા પ્રકાશિત એક પુસ્તિકામાં બિન-સાંસદીય શબ્દોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જરા વિચારો, એ પુસ્તક તમે સંસદમાં લઈ જઈ શકો, મનમાં વાંચી પણ શકો, પરંતુ એમાંનો એક શબ્દ ત્યાં ‘બોલી’ ના શકો !

(સેન્સર બોર્ડ ધ્યાન આપે, પ્લીઝ. તમે પણ એકાદ પુસ્તિકા, જાહેર હિતમાં…)

***

લાગે છે કે જતે દહાડે નેતાઓ કૌભાંડો તો કરી જ શકશે પણ એમને કદી ‘કૌભાંડી’ નહીં કહી શકાય.

***

‘કાણાને કાણો કહો, કડવાં લાગે વેણ,
હળવે રહીને પૂછીએ, શાથી ખોયાં નેણ.’

- દલપતરામની આ પંક્તિઓ તમામ નેતાઓને અર્પણ. ધન્યવાદ.

***

- મન્નુ શેખચલ્લી

Comments