‘ખામોઓઓશ !’ જ્યારે કોઈ મિમિક્રી આર્ટિસ્ટને આપણા ફિલ્મી કલાકારોની નકલ ઉતારતા જોઈએ ત્યારે સાલો, મનમાં એક વિચાર ફરકી જાય છે કે યાર, આપણી ફિલ્મોમાં કલાકારોને બદલે નર્યાં કાર્ટુનો જ ભર્યાં છે ? હકીકતમાં ફિલ્મી કલાકારોએ પોતાના અભિનયને એટલી હદે સ્ટાઇલાઈઝ કરી નાંખ્યો હોય છે કે ક્યારેક એ પોતે જ પોતાની મિમિક્રી જેવા બની જાય છે.
છેક ’50ના દાયકાનો જમાનો યાદ કરો તો રાજકપૂર, દેવઆનંદ અને દિલીપકુમાર આ ત્રણેની પોતાની ‘અદા’ હતી. (જેમાં ‘અભિનય’ તો માત્ર દિલીપકુમારનો હતો.) રાજકપૂરની કલ્પના કરો એટલે ચાવી આપેલા રમકડાની જેમ ચાલવું, ચીપી ચીપીને બોલવું, એક હાથ ઊંચો કરીને સ્હેજ ગરદન ત્રાંસી કરીને સતત ચહેરા ઉપર બાઘા જેવું સ્માઇલ રાખો એટલે રાજકપૂર !
એનાથી સાવ બીજા છેડે દેવઆનંદ જોઈ લો ! ભાઈ સાહેબના એકે એક સ્પેરપાર્ટમાં સ્પ્રીંગો નંખાવી હોય એમ કદી હખણા ઊભા જ ના રહે ! એમાંયે ગરદન તો ઘડિયાળમાં છ વાગવામાં દસ મિનિટ બાકી હોય એ પોઝિશનમાં જ હોય ! દેવ સાહેબ માટે બિચારા સંવાદ લેખકે ડાયલોગ્સ પણ લાંબા લાંબા લખવા પડે ! તમે માર્ક કરજો, જ્યારે માત્ર ‘ક્યું ?’ એટલું બોલવાનું હોય ત્યાં ભાઈસાહેબ ત્રણ વાર આખું શરીર હલાવીને ‘ક્યું…ઉં…ઉં…’ કરી નાંખતા હતા ! છેલ્લે છેલ્લે કરુણતા તો એ થઈ હતી કે ધડાધડ ફ્લોપ જતી હોવા છતાં દેવઆનંદ એ જ ‘અદા’માં ફિલ્મો બનાવ્યે રાખતા હતા.
આખરે ‘સોને પે સુહાગા’ નહીં પણ ‘લોહે પે જંગ (કાટ)’ની માફક દેવઆનંદની હયાતીમાં જ એક એક્ટર ફિલ્મોમાં એમની મિમિક્રી કરવા લાગ્યો હતો. (એનું નામ કીશોર ભાનુશાળી, 70થી વધુ ફિલ્મોમાં દેવઆનંદની મિમિક્રી ભજવી ચૂક્યા પછી હાલ ‘ભાભીજી ઘર પે હૈ’ ટીવી સિરિયલમાં પણ ટકી રહ્યા છે ! બોલો, દેવ સાહેબની નકલ વડે આખી કેરિયર રચી લીધી ને !)
આની સામે દિલીપકુમાર ‘નેચરલ’ એકટર ગણાતા હતા. પરંતુ ‘મશાલ’ ફિલ્મમાં ‘ટેક્સી રોકો… એ ભાઈ.. ટેક્સી રોકો’વાળા સીનની એકવાર મિમિક્રી ફેમસ થઈ ગઈ પછી એમના ‘અભિનય’માં પણ લોકોને ટિપિકલ લક્ષણો દેખાવા લાગ્યાં. ડાચું સિરિયસ કરી નાંખવું, અડધો સંવાદ ગળાની અંદર જ બોલવાનો, આંખમાં કંઈ કચરો પડ્યો હોય તેમ પાંપણો પટપટાવ્યે રાખવી અને પછી અચાનક વિધાઉટ વોર્નિંગ અવાજ ઊંચો કરીને દેકારો મચાવી દેવો !
એકટર પોતે જ કાર્ટુન બની ગયો હોય તેનું સૌથી વરવું ઉદાહરણ બિચારા રાજકુમાર છે. એક સમયે જે કર્કશ અવાજ, છૂટા છૂટા શબ્દો રાખીને બોલવું, સામેવાળા સામે જોવું પણ નહીં (કેમેરામાં જ ટણી બતાડવી) અને ઘમંડથી ભરપુર અદાકારી બતાડવી… આ બધું ‘અદા’ ગણાતું હતું. એ જ સ્ટાઈલોનું વધારે પડતું પુનરાવર્તન કરીને તે પોતે જ કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર) બનતા ગયા. સાચું કહું તો રાજકુમારની પાછલી ફિલ્મો અમે એની ‘મિમિક્રી’ જોઈને હસવા માટે જ જોવા જતા હતા !
વચ્ચે એક સમય એવો હતો કે ફિલ્મોમાં આવાં ‘ટાઈપ કાસ્ટ’ થઈ ગયેલાં પાત્રો જ જોવાં મળતાં હતાં. ઓમપ્રકાશ હંમેશાં ‘અમ… અં… બા. આહાહા !’ કરીને જ બોલે, આસિત સેન સાવ રોતલ છતાં સંગીતમય અવાજે ધીમે ધીમ જ બોલે, (ધીમી ગતિના સમાચારો !) પ્રાણનો અવાજ નાકમાંથી જ નીકળે અને ગરદન હંમેશાં ઝાટકા જ મારતી હોય, જીવનને સતત શરદી જ થઈ હોય, શક્તિકપૂર ‘આઉ ! લોલિતા !’ જ કરતો હોય, અસરાનીના ગળામાં હંમેશાં દેડકો જ ફસાયેલો હોય, કેશ્ટો મુખર્જીના ડોળા નશામાં ગરબા જ રમતા હોય અને જગદીપનું બિચારાનું ડાચું કોઈએ એનું ગળું દબાવી રાખ્યું હોય એવું ડોળા ફાટી ગયેલું જ હોય !
આ બધામાં વિલન અજીત સાવ અલગ નીકળ્યો. (થેન્ક્સ ટુ સલીમ-જાવેદ) અગાઉના વિલનો હીરોઈનનો બળાત્કાર કરવાનો હોય કે હીરોને ફાંસીએ લટકાવવાનો હોય ત્યારે બારખડીના બારેબાર ઉચ્ચારોનો ઉપયોગ કરીને હોહો, હાહા. હીહી, હુહુ, હેહે, હૈહૈ, હૌહૌ…. કરતાં ક્રૂર રીતે ખડખડાટ હસતા હતા. પરંતુ અજીત બરફની પાટ જેવો ઠંડો વિલન નીકળ્યો. ‘ઇસ કો કાટ ડાલો’ એવું પણ એ ‘ઇસ કો જ્યુસ દો’ જેવી ઠંડકથી બોલતો હતો. અજીતની અદા સુપરહિટ થઈ ફિલ્મ ‘જંજીર’થી પરંતુ એ ‘ડાઈ’ (ફરમો) તૈયાર થયો હતો ‘યાદોં કી બારાત’થી. જોવાની વાત એ છે કે અજીતના દીકરા શેહઝાદ ખાને ‘અંદાજ અપના અપના’માં બાપાની જ નકલ કોમેડી તરીકે કરી નાંખી !
જોકે શત્રુઘ્ન સિંહા આમાં સૌથી અલગ એ રીતે પડે છે કે એણે શરૂઆતથી જ ‘અદા’ પકડી રાખી ! ‘એક્ટિંગ’ જાય તેલ લેવા ! પરંતુ ભારતના મિમિક્રી આર્ટિસ્ટો એટલી હદે બારીકીઓ પકડી લે છે કે સંજીવકુમાર જેવા નખશીખ ‘અભિનેતા’ની પણ બખુબી નકલ ઉતારીને આપણને હસાવી કાઢ્યા છે !
મજેદાર વાત એ પણ છે કે અભિનેતા સચિને ટીવી પર એક આખી સિરિઝ બનાવી હતી જેમાં તમામ મિમિક્રી આર્ટિસ્ટોને ભેગા કરીને તે અચ્છી અચ્છી સુપરહિટ ફિલ્મોની પેરોડી બનાવતો હતો. આને કહેવાય અભિનયનું અથાણું !
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Great observations
ReplyDeleteThank you Kardam bhai !
ReplyDeleteSuperb Article... Very minute things get noticed.....waah
ReplyDeleteThank you manoj bhai !
ReplyDeleteZakkash, बस,मान गये गुरु,अक्कल बिनाकी नक्कलको दुम पकडके खुब घुमाया!!
ReplyDeleteનેતાઓની સફ્ફઇને પણ લવિંગની લાકડી એ થોડા ઝઆટકોને ।।
ReplyDeleteThanks sumant bhai ! Also thanks for the new idea 😀
ReplyDelete😀😀લાડ સાહેબ, સરસ રીતે લખાયો આ અભિનેતાઓ ના ટીપ્પીકલ
ReplyDeleteસ્ટાઈલ ની મીમીક્રી નો લેખ....મૌજે દરિયા....લવ યુ
Very nice information. Would like to know more about Sachin's Serial name and availability.
ReplyDeleteસચિનની એ સિરિયલ હકીકતમાં "એક દો તીન" નામનો ગાયનોનો શો હતો જેમાં ગાયનોની વચ્ચે કોઈ એક ફિલ્મ પેરોડીનાં દ્રશ્યો આવતા રહેતા હતા. યુ ટ્યુબ પર ek do teen parody, sholay parody Sachin, એવા નામોથી સર્ચ કરતાં મળી જશે.
ReplyDelete