ગઇકાલે ‘વર્લ્ડ થિયેટર ડે’ હતો. કોરોના વાયરસને કારણે નાટકો બંધ છે એટલે બિચારા નાટકના કલાકારો અને રંગકર્મીઓએ ઓનલાઇન અફસોસ જાહેર કરીને બેસી રહેવું પડ્યું.
પરંતુ જે લોકોને કોરોના નડતો જ નથી એવા મહાન ડ્રામેબાજ નેતાઓને તો આપણે ભૂલી જ ગયા ! ચાલો, એમને યાદ કરીએ (નામ લીધા વિના)…
***
બંગાળમાં વરસોથી વાઘણનો રોલ કરતાં આવેલાં આ મહિલા કલાકારના પગમાં ફ્રેકચર થયું હતું કે એ પણ ડ્રામા હતો ? એ વાતે તો ત્યાં ગઇકાલે મતદાન પણ થઈ ગયું ! બોલો, કોણ…
***
બીજાં એક મહિલા કલાકાર આમ તો કલાકાર જ છે પણ ઓલરેડી ‘ડ્રામા ક્વીન’ તરીકે જાણીતાં છે ! એમનાં ડ્રામા ટ્વીટરથી ચાલુ થઈને આખેઆખા મકાનની તોડફોડ સુધી ધબધબાટી બોલાવી ચૂક્યાં છે ! બોલો કોણ….
***
ત્રીજા એક મહિલા કશું બોલતાં જ નથી ! છતાં કંઈ લાખો રાજકીય કાર્યકર્તાઓ એમને ‘ક્વીન’ માને છે ! તેઓ પોતાના હેન્ડસમ સુપુત્રને વારંવાર હીરોનો રોલ ભજવવા માટે મંચ ઉપર ઉતારે છે પરંતુ તે કોમેડી કરીને પાછો આવે છે ! બોલો કોણ કોણ…
***
વધુ એક કલાકારને યાદ કરવા જોઈએ જે મુંગા રહીને દસ દસ વરસ લગી શ્રેષ્ઠ ‘મૂક અભિનય’ (માઇમ) ભજવી ગયા ! બોલો કોણ…
***
યાદ કરવા જઇએ તો એક એવા કલાકાર છે જે અગાઉ ક્રિકેટર હતા, પછી ટીવીમાં માત્ર હોહોહો કરીને હસવાનો અભિનય કરતા થયા, ત્યાર બાદ નેતા બન્યા અને બબ્બે નાટકમંડળીમાં એક જ ટાઈપના ડાયલોગો બોલીને તાળીઓ પડાવતા રહ્યા ! બોલો કોણ…
***
આવા જ એક હરફનમૌલા કલાકાર છે જેમણે ખાંસી ખાધી, લાફા ખાધા, સડકો ઉપર સૂઈ જવાના ખેલ ભજવ્યા અને એમ કરતાં કરતાં પોતે જ રીંગ માસ્ટર બની ગયા ! બોલો કોણ…
***
અને આ સૌને ટપી જાય એવા મહાન કલાકાર જે ક્યારેક રડી પડે છે, ક્યારેક પગે પડી જાય છે ક્યારેક કોઈના પગ ધોવા માંડે છે… અને જેના સંવાદો ઉપર હંમેશાં તાળીઓના ગડગડાટ થતા રહે છે ! બોલો કોણ…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment