લો, ગજબના ખુશખબર છે ! કહે છે કે પેટ્રોલમાં 17 પૈસા અને ડિઝલમાં 18 પૈસા ભાવ ઘટી ગયા !
અમને તો હરખનાં આંસુ આવી ગયાં છે ! સમજાતું જ નથી કે આટલા બધા પૈસાનું આપણે કરીશું શું ? આપણા તો ઠાઠ વધી જશે…
***
પેટ્રોલ પુરાવતી વખતે પેલું છેલ્લું ટીપું પણ આંગળી વડે લૂછીને ટાંકીમાં નાંખતા હતા તેવી કંજૂસી હવે નહીં કરીએ… ભઈ અમીરી આવી છે !
***
પેટ્રોલ પુરાવી લીધા પછી તે હવામાં ઊડી ના જાય એ માટે ફટાફટ ટાંકીનું ઢાંકણું ઝડપથી બંધ કરી દેતા હતા એના બદલે હવે વટ કે સાથ અડધી મિનિટ લગી પેટ્રોલની મસ્ત સુગંધ ખેંચીશું, નાક વડે... ભઈ અમીરી આવી છે !
***
રેડ સિગ્નલ આવતાંની સાથે જ વાહનને બંધ કરી દેતા હતા તેમાં હવે પુરી પંદર સેકન્ડની રાહ જોઈશું અને વટ કે સાથ એન્જિનનું ફાયરિંગ સાંભળીશું... ભઈ અમીરી આવી છે !
***
ઢાળ ઉતરતી વખતે જે એન્જિન બંધ કરીને ‘માઇલેજ’ બચાવતા હતા તે કંજુસી છોડીને હવે ઠાઠથી એન્જિન ચાલુ રાખીને હોર્ન પણ વગાડીશું... ભઈ અમીરી આવી છે !
***
લિટરે 17 પૈસા બચ્યા તો એ હિસાબે મહિનાના અંતે કેટલી તોતિંગ બચત થઈ ? તેનો હિસાબ ગણીને પછી બે પાણીપુરીની ‘પાર્ટી’ કરીશું... ભઈ અમીરી આવી છે !
***
અરે, 17 પૈસાના ઘટાડા માટે સરકારના સમર્થનમાં જાણે રેલી કાઢી હોય એ રીતે સૌને સંભળાવવા માટે એક્સિલરેટર ફૂલ કરીને વાહનની ધબધબાટી મચાવીશું... ભઈ અમીરી આવી છે !
***
અને છેવટે એટલું તો જરૂર કરીશું કે પેટ્રોલપંપ પાસે ઊભા રહીને તમામ દેશભક્તો પાસેથી 17-17 પૈસાનો ફાળો ઉઘરાવીને દિલ્હી મોકલી આપીશું જેથી રાષ્ટ્રના વિકાસનો રથ ધીમો ના પડી જાય... ભઈ અમીરી આવી છે ને !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment