પેટ્રોલને બદલે પાણી ?!

ત્રણેક દિવસ પહેલાં ન્યુઝ હતા કે અવકાશમાં એક ઉપગ્રહ પાણીમાંથી બળતણ પેદા કરે છે ! જો આ પ્રયોગ આગળ ચાલ્યો તો ધરતી ઉપર પણ પેટ્રોલને બદલે પાણી વડે વાહનો ચાલવા માંડશે !

પછી વિચારો, શું શું થશે !...

***

સૌથી પહેલાં તો લોકો ઘરમાં કાર કરતાં ડબલ સાઇઝની પાણીની ટાંકીઓ જ બનાવવા માંડશે !

***

પાણીના ભાવ પણ વધવા માંડશે ! સરવાળે લોકોના ‘પૈસાનું પાણી’ થવા માંડશે…

***

જ્યાં જુઓ ત્યાં એવા સમાચારો સાંભળવા મળશે કે ભરઉનાળે પાણીનાં ટેન્કરો લૂંટાયા !

***

લોકો ઘેર ઘેર બોર-વેલ ખોદાવવા માંડશે. એ તો ઠીક, નર્મદા કેનાલમાં કૂદીને કોઈ આપઘાત કરી જ નહીં શકે કેમકે ત્યાં આસપાસ ચોરો ફરતા હશે ! અને ચોરોને પકડવા પોલીસો ફરતા હશે…

***

અરે, નર્મદા ડેમ (સરદાર સરોવર)ની આજુબાજુ તો જબરદસ્ત સિક્યોરીટી ગોઠવાયેલી હશે ! વલ્લભભાઈના સ્ટેચ્યુની આંખોમાં જ સર્વેલન્સ કેમેરા ગોઠવાયેલા હશે…

***

અને હા, વરસાદ પડશે ત્યારે શહેરોમાં પાણી ઉભરાશે જ નહીં કેમકે લોકો જ ‘પાણી પહેલાં પાળ’ બાંધી બાંધીને મોટર વડે પાણી ઘરમાં ખેંચી લેતા હશે !

***

જે રીતે ઇન્કમટેક્સના દરોડા પડે છે એ રીતે ધનવાન લોકોના ફાર્મ હાઉસોમાં પાણીના દરોડા પડતા હશે !

***

પાણીના ભાવ પચીસ ગણા વધી જશે ! પાણીની બોટલ ૨૦ રૂપિયાને બદલે ૨૦૦ રૂપિયામાં મળતી હશે !

… ના ના, સોરી, તો તો પેટ્રોલ જ સસ્તું લાગશે ને ?

***

જોકે ખેડૂતો પોતાના ખેતરોમાં પાણી ઓછું પાશે ! જેના લીધે પાક ઓછો પાકશે, જેના કારણે ખેડૂતોની આવક ઘટી જશે… છેવટે ખેડૂતો ફરીથી આંદોલન કરશે !

જોયું ? હતા ત્યાં ને ત્યાં…

***

- મન્નુ શેખચલ્લી

Comments