...હતા ત્યાં ને ત્યાં !

ફરી નાઇટ કરફ્યુ આવી ગયો, ફરી કેસ વધી ગયા, ફરી ડર ફેલાવા લાગ્યો, ફરી ડંડા ફરી વળ્યા…

યાર, માંડ માંડ કોરોનાને બર્થ-ડે ગિફ્ટ આપીને સમજાવી પટાવીને પાછો મોકલતા હતા ત્યાં તો ફરી આપણી પથારી ફરી ગઈ !

***

દંડ ભર્યા, ડંડા ખાધા

માસ્ક પહેરીને

માંડ બચ્યા, ત્યાં

ફરી હતા ત્યાં ને ત્યાં !

***

ઘરની તાજી રોટલી છોડી

રેસ્ટોરન્ટની વાસી પોચી

સેન્ડવીચ માંડ ખાધી ત્યાં

ફરી હતા ત્યાં ને ત્યાં … !

***

બર્મૂડા છોડી, પેન્ટ પહેર્યાં

વાઇફથી છૂટી, બોસના શરણે

માંડ હજી ગયા’તા, ત્યાં

ફરી હતા ત્યાં ને ત્યાં… !

***

ફાંદ વધેલી હરી ભરી

વિના ડાયેટિંગ, વિના કસરતે

માંડ થોડી ઘટાડી, ત્યાં

ફરી હતા ત્યાં ને ત્યાં…!

***

અડધી ચા, ફૂટપાથની કિટલી

પાણીપુરી ને તીખી દાબેલી

મોજ સડકની માંડ માણી, ત્યાં

ફરી હતા ત્યાં ને ત્યાં…!

***

ઓનલાઇન ભણતર

ઑફ કરીને

કોલેજનો વિરહ

ડ્રોપ કરીને

માંડ કેન્ટિનમાં મહેફિલ માંડી

પણ હતા ત્યાં ને ત્યાં !

***

મોલમાં જઈને લટાર મારતા

ગાર્ડનમાં બે ગપાટા,

હાઈવે ઉપર લોંગ-ડ્રાઈવ

સોસાયટીમાં બે આંટા

બાંધેલા પગ માંડ છૂટ્યા, ત્યાં

ફરી હતા ત્યાં ને ત્યાં…!

***

વોટ આપીને હરખાયા

કે લોકશાહીને ટકાવી

લારી ગલ્લા પાથરણાંએ

આઝાદી માંડ ચાખી, ત્યાં

ફરી હતા ત્યાં ને ત્યાં…!

***

વાંક કોનો ને દંડ કોને

એવા સવાલ નકામા

રાજા કરે એ રંગરેલી

ને પ્રજા કરે એ ભવાઈ !

ફરી હતા ત્યાં ને ત્યાં…

***

- મન્નુ શેખચલ્લી

Comments