વાંક સઘળો નામનો છે ?

જ્યારથી સ્ટેડિયમનું નામ સાહેબના નામ પરથી રાખ્યું છે ત્યારથી બસ, વિવાદ જ ચાલ્યો છે ! હવે તમે જ કહો, જેમાં ને તેમાં વાંક સઘળો નામનો જ હોય ?

***

બે દિવસમાં સૂપડાં સાફ

ત્રણ દિ’ની ડિપોઝિટ ડૂલ

એમાં ય શું,

વાંક સઘળો નામનો છે ?

***

‘રાહુલ’ સાવ ઝિરોમાં જાય

પિચ ઉપર પણ ના ટકે

એમાં ય શું,

વાંક સઘળો નામનો છે ?

***

વિદેશીઓનાં દાંડીયા ડૂલ

ભારતનો જયજયકાર…

એમાં ય શું

વાંક સઘળો નામનો છે ?

***

ટ્રમ્પ જેવો ટ્રમ્પ પણ

અહીં આવ્યા પછી હારી જાય

એમાં ય શું,

વાંક સઘળો નામનો છે ?

***

પાણીના ય પેટ્રોલની જેમ

ડબલ ભાવ હોંશે અપાય

એમાંય વળી,

વાંક સઘળો નામનો છે ?

***

એક છેડો અદાણીનો

બીજો છેડો રિલાયન્સનો

બન્નેના ‘છેડા અડે છે’…

એમાંય યાર,

વાંક સઘળો નામનો છે ?

***

જ્યાં એમનું નામ પડે

ત્યાં ભીડ ભેગી થાય જ છે !

એમાંય ભઈ,

વાંક સઘળો નામનો છે ?

***

યાર, ભીડ થઈ ગઈ મેચમાં

ને કોરોના આખા રાજ્યમાં,

છતાં ય સાહેબો,

વાંક સઘળો નામનો છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments