12 માર્ચ, 1971એ રિલિઝ થયેલી ‘આનંદ’ ફિલ્મને 50 વરસ થયાં. બેશક, જીવનના પડકારોને હસતાં ખેલતાં ઝીલવા જોઈએ એવી પ્રેરણા આપનારી બીજી કોઈ ફિલ્મ આનંદ જેવી અદ્ભૂત બની નથી. પરંતુ જોવાની વાત એ છે કે આ ફિલ્મ પછી હિન્દી ફિલ્મોનાં પાત્રોને ‘કોમેડીયન કેન્સર પેશન્ટ’ નામનો ચેપ લાગવાનો શરૂ થયો !
આ પહેલાં ‘દિલ એક મંદિર’માં રાજકુમારને અને ‘સફર’માં ખુદ રાજેશ ખન્નાને કેન્સરના દરદી બતાડ્યા છે પણ એ તો બિચારા સિરિયસ ટાઈપના દરદી હતા. (રિયલ લાઇફમાં હોય તેવા) ‘આનંદ’ પછી શું થયું, કે બોસ, કેન્સર થયું છે એટલે હવે તો બધાને હસાવવા જ પડે એવો એક ફિલ્મી નિયમ બની ગયો !
સંજય દત્તની મમ્મી નરગિસને પણ કેન્સર હતું. એમણે પણ ‘આનંદ’ તો જોઈ જ હશે ને ? છતાં શું કદી આપણે એવું સાંભળ્યું કે દિકરાની પહેલી ફિલ્મ ‘રોકી’ના પ્રિમિયરમાં ડોક્ટરોએ જવાની મનાઈ કરી હોવા છતાં નરગિસજી ગયાં અને સ્ટેજ ઉપર જઇને ડાન્સ પણ કર્યો ?
ના, નથી સાંભળ્યું. કેમકે એવું શક્ય નથી. છતાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચારા’માં તો ભાઈ સાહેબ કોલેજના હોલમાં (લંગડો હોવા છતાં) ઠેકડા મારી મારીને ગાયનો ગાય છે ! કેમ ભઈ ? શું એણે ‘આનંદ’ સો વાર જોઈ હતી એટલે ?
‘આનંદ’ પછી ખુદ હૃષિકેશ મુખરજીએ ‘મિલી’ બનાવી હતી જેમાં જયા ભાદુરી (હવે બચ્ચન)ને કેન્સર હોય છે. ‘આનંદ’ના ફિલ્મી નિયમ મુજબ એ પણ આખા એપાર્ટમેન્ટમાં ધાંધલ ધમાલ મચાવતી ફરે છે. એમાં વળી બચ્ચન ધાબા પરના પેન્ટ હાઉસમાં રહેવા આવે છે અને ‘ધાબું મારું છે અહીં ગાયનોની પ્રેક્ટિસ નહીં કરવાની’ એમ કહીને બબાલો કરવા માંડે છે. છેવટે એ પોતે જ પોતાનો ‘ધાબા-હક્ક’ જતો કરીને જયાની ટ્રિટમેન્ટ કરવા માટે અમેરિકા મોકલવાના પૈસા ઢીલા કરી આપે છે.
ચાલો, ત્યાં સુધી તો હજી ઠીક હતું પણ પછી તો ફિલ્મોમાં જબરદસ્તી ‘કેન્સર-કોમેડી’ ઘૂસાડવાનું ચાલુ થઈ ગયું !
‘એ દિલ હૈ મુશ્કિલ’ની ઓરિજીનલ સ્ટોરી જાણે ઓછી સ્ટુપિડ/ફની હોય તેમ અચાનક અનુષ્કાને કેન્સર થઈ જાય છે ! વળી, કેન્સરનો રિપોર્ટ પરદા ઉપર બતાડવાને બદલે અનુષ્કા સરસ મઝાનું ગોળ માટલું માથા ઉપર ચોંટાડ્યુ હોય એવી ‘ચિકની ટકલી’ બનીને ફરવા માંડે છે ! (બહેન, ખુશ જ રહેવું હોય તો એકાદ વિગ કેમ નથી પહેરતી ?) એમાં વળી રણવીર કપૂર પોતાની મહોબ્બતનો ઢંઢેરો પીટવા માટે પોતે પણ ટકલું થઈ જાય છે ! પત્યું ?
ભાઈ જોન અબ્રાહમ, જેને ખરેખર તો ચહેરાના સ્નાયુઓનો કોઈ રોગ છે, જેના કારણે ભાઈના ડાચાં ઉપર કોઇ એક્સપ્રેશનો જ નથી આવતાં, એમણે પણ ‘આશાયેં’ ફિલ્મમાં ‘એક્ટીંગ’ બતાડવા મળશે એમ ધારીને કેન્સર પેશન્ટનો રોલ લઈ લીધો હતો. જોકે એના રોલમાં કોમેડી નહોતી. બસ, ટ્રેજેડી એટલી જ હતી કે જોનભાઈએ ‘રિયાલીટી’ લાવવા માટે ખરેખર 10 કિલો જેટલું વજન ઉતારી નાંખ્યું હતું ! (આશાયેં અમર રહો !)
મહાન લેખક ચેતન ભગતને પણ એકવાર કેન્સર વળગી ચૂક્યું છે ! જી હા, ‘હાફ ગર્લફ્રેન્ડ’માં આગળ વારતા શી રીતે ચલાવવી તેની સૂઝ ના પડી એમાં અચાનક શ્રધ્ધા કપૂરને કેન્સર ભટકાડી દીધું ! પેલો અર્જુન કપૂર, જેને બિલ ગેટ્સ ફાઉન્ડેશનની લાખો ડોલરની સ્કોલરશીપ ‘ભણવા’ માટે મળી છે તે લલ્લુ આખા અમેરિકામાં શ્રધ્ધા કપૂરને શોધતો ફરીને ડોલર બગાડે છે.
પાછો એને શોધે છે ક્યાં ? કોઈ હોસ્પિટલોમાં નહીં, પરંતુ રેસ્ટોરન્ટો કે બારમાં ! જ્યાં પેલી હાથમાં ગિટાર ઝાલીને ગાયનો ગાતી હશે ! અલ્યા ટોપા, એ છોકરી મરવાની થઈ હોય તો ગાયનો શા માટે ગાય ? રિઝન સિમ્પલ છે, એને ‘આનંદ’નો ચેપ લાગ્યો હોવો જોઈએ !
‘આનંદ’ ફિલ્મનો છેલ્લો ડાયલોગ હતો, ‘આનંદ મરા નહીં, આનંદ મરતે નહીં…’ આપણી હિન્દી ફિલ્મોએ આ સંવાદને સ્ટુપિડ કાર્ટુન જેવાં કેન્સર-પેશન્ટોનાં પાત્રો વડે જીવતા રાખવાની ભગીરથ કોશિશ કરી છે !
‘ચીની કમ’માં અમિતાભની પડોશમાં એક દસેક વરસની છોકરીને કેન્સર છે એટલે જ તે સડેલા જોક્સ મારીને 56 વરસના ઢાંઢા બચ્ચનને પરણી જવાની વાતો કરે છે ! જોવા જાવ તો મારી ઠોકીને કેન્સર ઘૂસાડી દેનારી ફિલ્મોની યાદી લાંબી છે : ‘કાશ’ ‘પ્રેમ તપસ્યા’ ‘કટ્ટી બટ્ટી’ ‘વક્ત : રેસ અગેન્સ્ટ ટાઇમ’ ‘ગીતાંજલી’ (સાઉથ), ‘યાદ રખેગી દુનિયા’ ‘અંજલિ’ (સાઉથ ડબીંગ), ‘એક વિલન’… વગેરે.
હા, એક ‘દસવિદાનિયા’ હતી જેમાંથી કંઈ પ્રેરણા મળી શકે, બાકી જરા વિચારો, મનીષા કોઈરાલા, ઇરફાન ખાન, યુવરાજ સિંહ, સોનાલી બેન્દ્રે આ બધાને રિયલ લાઇફમાં કેન્સર થયું હતું. શું બધાએ કોમેડી જ કરી ખાધી ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Right mannubhai
ReplyDeleteThanks Manoj bhai !
ReplyDelete