ઐતિહાસિક તસવીરોમાં ફોટો-શોપ ?

દાંડીયાત્રા નિમિત્તે ગાંધીજીની જુની ઐતિહાસિક તસવીરો મોબાઈલમાં ફરતી હતી. એમાંય વળી એક ક્લીપમાં તો ગાંધીજી આજની દારૂબંધી વિશે બોલતા હતા !

આ હિસાબે અમને લાગે છે કે અમુક ઐતિહાસિક તસવીરોમાં એ જમાનામાં પણ ‘ફોટો-શોપ’ થયેલું છે ! જુઓ…

***

પેલો ફેમસ ફોટો યાદ છે ?

જેમાં વચ્ચે ગાંધીજી બેઠા છે અને આજુબાજુ જવાહરલાલ અને સરદાર વલ્લભભાઈ બેઠા છે.  રાઈટ ?

એમાં ખરેખર તો ગાંધીજીની પાછળથી ડોકીયું કરીને ડોળા કાઢી રહેલા મહંમદ અલી ઝીણા પણ હતા !

પરંતુ ‘કોમી શાંતિ’ જોખમાઈ ન જાય એટલા ખાતર ઝીણાનો ચહેરો દૂર કરવામાં આવ્યો છે…

***

બીજો એક ફેમસ ફોટો છે.

એમાં જવાહરલાલ આસમાનમાં કબૂતર ઉડાવી રહ્યા છે. રાઈટ ?

હવે એ ફોટો તમે કોમ્પ્યુટર ઉપર 50 ગણો એન્લાર્જ કરીને જોશો તો એમાં જવાહરલાલના કોટ ઉપર એક ઝાંખો ડાઘો દેખાશે !

ખબર છે, એ ડાઘો શેનો છે ?

અરે બોસ, ત્યાં જ ફોટો-શોપની કરામત છે. હકીકતમાં એ કોટ ઉપર પેલું કબૂતર ચરકી ગયું હતું !

***

ત્રીજો પણ એક ફેમસ ફોટો છે.

એમાં જવાહરલાલ, લોર્ડ માઉન્ટબેટન અને એમની પત્ની એડવીના છે. જવાહરલાલ કંઈક જોક મારીને એડવીના તરફ જોઈને ખડખડાટ હસી રહ્યા છે. લેડી એડવીના પણ હસી રહ્યાં છે…

પરંતુ તમે એ ફોટો ધ્યાનથી જોજો. એમાં લોર્ડ માઉન્ટ બેટન ક્યાંક બીજી દિશામાં જોઈ રહ્યા છે અને એમના ચહેરા ઉપર સ્માઈલ પણ નથી.

ખરેખર તો અમને લાગે છે કે, માઉન્ટ બેટન દાંત કચકચાવીને જવાહલાલ તરફ ત્રાંસી નજરે જોઈ રહ્યા હશે, પણ, યુ સી… ફોટામાં કરામત કરીને…

***

અચ્છા, 1971ના યુધ્ધ પછી બાંગ્લાદેશમાં પાકિસ્તાની સૈન્યને 60,000 સૈનિકો સાથે ભારત આગળ શરણાગતિ સ્વીકારવી પડી હતી. રાઈટ ?

એ ફોટામાં જે સહી-સિક્કા થઈ રહ્યા છે, એમાં પેલા પાકિસ્તાન મેજર જનરલનું પેન્ટ, ખરેખર તો, ‘ભીનું’ હતું !!

***

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment