ગાંધીજી ની વરસો પહેલાંની દાંડીયાત્રાની યાદમાં નવી દાંડીયાત્રા નીકળી.
બહુ સારી વાત છે પણ એ દાંડી અને આજની દાંડીમાં બહુ ફરક પડી ગયો છે !
***
કોલેજિયનો માટે તો દાંડી-માર્ચ એટલે ક્લાસમાંથી ‘દાંડી’ મારીને બહાર રખડવા માટે ‘માર્ચ’ કરી જવું તે !
***
ગાંધીજીએ એક ચપટી મીઠું શા માટે ઉપાડ્યું હતું એ તો કોલેજીયનો ભૂલી જ ગયા હશે.
પણ ‘એક ચૂટકી સિંદુર કી કિંમત તુમ ક્યા જાનો રમેશબાબુ !’ એ બરોબર યાદ છે !
***
નેતાઓ માટે પણ અર્થ બદલાઈ ગયા છે. તે વખતે ગાંધીજીએ ૨૨ દિવસ રસ્તા ઉપર ચાલીને આંદોલનનો 'માર્ગ બતાડ્યો' હતો…
આજે બંગલામાં રહેતા નેતાઓ ચૂંટણી આવે ત્યારે જે રસ્તાઓ ઉપર કાર-રેલી કાઢીને દર્શન આપે તેને ‘રોડ-શો’ કહેવામાં આવે છે !
***
2005માં સોનિયાજી દાંડીયાત્રામાં છેલ્લે છેલ્લે જોડાઈને દાંડી ગામે પહોંચ્યા હતાં ત્યારે ત્યાં મીઠું જ નહોતું ! એટલે ખટારાઓ ભરીને (દેખાડો કરવા માટે) મીઠું લાવીને ઠાલવવું પડ્યું હતું…
તે જ વખતે કોંગ્રેસીઓને સમજાઈ જવું જોઈતું હતું કે જતે દહાડે કોંગ્રેસને ‘મીઠાની તાણ’ પડવાની છે !
***
અચ્છા, અહીં ગુજરાતમાં અલગ અલગ પૂનમે માતાજીના મંદિરે જવા માટે કંઈ કેટલાય સંઘ પદયાત્રા કરે છે. એનો કોઈ મહિમા જ નહીં ?
- જોવાની વાત એ છે કે ‘સંઘ’વાળા તો હવે કારમાં ફરતા થઈ ગયા છે !
***
ગાંધીજી આટલું બધું ચાલી ગયા.
બાકી આજના નેતાઓ માટે એમ જ કહેવું પડે કે ઠીક મારા ભઈ, ‘ચલાવી લો’… બીજું શું ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment