રાતના સમયે ખાણીપીણીનાં બજારો અને લારીઓ બંધ કરાવવાથી શું થશે ?
જો ખરેખર શહેરોને કોરોનાથી બચાવવાં હોય તો અમારી પાસે જોરદાર એક્શન-પ્લાન છે !
***
ખાઉગલી પ્રમુખો
જે રીતે ચૂંટણી વખતે પેજ-પ્રમુખો રાખ્યા હતા એ રીતે ખાણીપીણી ચાલતી હોય તે વિસ્તારોમાં ખાઉગલી-પ્રમુખો રાખો ! રાજકીય પાર્ટીના ખેસ જોતાં જ કોરોના આઘો રહે છે.
***
જનસંપર્ક સેન્ટરો
શાક મારકેટો, શોપિંગ સેન્ટરો વગેરે ઠેકાણે જ્યાં ભીડ ભેગી થાય છે તેને જનસંપર્ક સેન્ટરો જાહેર કરી દો ! અહીં અમુક અમુક લારીવાળા તથા દુકાનદારોને જનસંપર્ક કાર્યકરો બનાવી દો ! સૌ જાણે છે કે ‘જનસંપર્ક’માં કદી કોરોના ફેલાતો નથી.
***
મેળા પ્રચારકો
મંદિરો, ધર્મસ્થાનો તથા તહેવારોના મેળાઓનો સદુપયોગ કરો ! અહીં હજારોની જે મેદની ભેગી થાય છે તેમાં અમુક મહત્વના સંદેશાઓનો પ્રચાર કરવાની તક ઝડપી લો… જેમ કે, પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો દેશની પ્રગતિ માટે કેટલો જરૂરી છે !
***
સુરક્ષા કવચ વિતરણ
માત્ર માસ્ક સુરક્ષા કવચ નથી ! આપણે હવે અનુભવથી જાણીએ છીએ કે રાજકીય પાર્ટીના ખેસ, ટોપીઓ અને ઝંડીઓ જોઈને કોરોના છેક ચીન સુધી ઊભી પૂંછડીએ ભાગે છે !
આથી દરેક મોલમાં જઈને કાર્યકરો મોલના માલિકોને સમજાવશે કે તમે ફલાણી વસ્તુઓની ખરીદી ઉપર એક ખેસ, અને ઢીંકણી ચીજોના શોપિંગ ઉપર બબ્બે ટોપીઓ ફ્રી આપવાની સ્કીમો ચાલુ કરો.
***
મોટેરા મેનેજરો
માઈક્રો-મેનેજમેન્ટથી મેક્રો-મેનેજમેન્ટ તરફ જવાનો સમય પાકી ગયો છે. ચૂંટણી વખતે સરખું વોટિંગ થાય તે માટે આપણે બૂથ મેનેજમેન્ટ કરતાં હતા ને ! હવે મોટેરા સ્ટેડિયમને આખેઆખું ભરવાનું છે માટે શહેરે શહેરે મોટેરા મેનેજરો નીમવા પડશે !
ગો કોરોના ગો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment