આ વધેલી ફાંદનું શું કરવું ?

કોરોનાના આશીર્વાદ ગણો કે શ્રાપ, બિચારા ભલભલા ભારાડી ગુજુભાઈઓની ફાંદ વધી ગઈ છે ! એમાંય સૌથી કઢંગાએ લોકો થઈ ગયા છે જે ઓલરેડી એકવડીયા બાંધાના હતા. અત્યારે એમને જુઓ તો જાણે રસ્તા ઉપર તાડનું નાનકડું થડ પોતાની કમર ઉપર તડબૂચ બાંધીને જઈ રહ્યું હોય એવું લાગે.

જે લોકો ઓલરેડી ગોળમટોળ ગબડતાં પીપ જેવા હતાં એમને જુઓ તો લાગે કે વાહ મસ્તમૌલા છે ને ! પણ જેની તાડી ઉપર તુંબડાં બંધાઈ ગયા છે એ તો કંઈ વિચિત્ર જ લાગે છે. સૌથી મોટો પ્રોબ્લેમ અહીં રેડીમેઈડ શર્ટ અને ટી-શર્ટનો છે.

તમે પેટના હિસાબે શર્ટ લેવા જાઓ તો ખભા ઉપરનું ફીટીંગ એવું દેખાય છે કે ભઈ પેટ ઊંચકી ઊંચકીને ઢીલાઢફ થઈ ગયા છે ! અને જો ખભાનું ફિટીંગ સરખું લો તો પેટ ઉપર શર્ટના જે બે કાણાં છે તેની વચ્ચેથી એક ત્રીજું કાણું ડોકિયું કરતું બહાર આવે છે કે ‘ભઈ, અમને ય જોવા દો ને કે દુનિયામાં શું ચાલી રહ્યું છે ?’

યાર, આ રેડી-મેઈડવાળા માર્કેટની ડિમાન્ડને સમજતા કેમ નથી ? હમારી માંગે પુરી કરો…

જુના જમાનામાં સારું હતું કે દરજી આપણું માપ લઈને આપણા પેટના વિવિધ આકારો મુજબ (તડબૂચ, તગારું, મોટું માટલું, કોઠી, વીંટાળેલો બિસ્તરો અથવા ઘઉંની ગુણ વગેરે મુજબ) ‘ટેલર-મેઈડ’ ફિટીંગ કરી આપતા હતા. હવે તો પેટ ઘટાડવા માટે જે સર્જરી થાય છે એમાં ડાયરેક્ટ હોજરીમાં જ ‘સિલાઈ’ કરી નાંખે છે ! ડોક્ટરો જ દરજી બની ગયા !

જોકે એ ‘મેડિકલ ટેલરિંગ શોપ’ બધાને પોષાય તેવી નથી હોતી એટલે આપણે પેટે બંધાયેલી ત્રણ કિલો મમરાની પેલી કોથળીને ઘટાડવા માટે ‘ડાયેટિંગ’નો સહારો લઈએ છીએ. આમાં તમારા સગાસંબંધીઓ (જે પોતે ફાંદાળા હોય છતાં) અચાનક ડાયેટિશીયનો બની જાય છે:

‘તેલવાળું ખાવાનું બંધ કરો.’ ‘સલાડ ખાવ સલાડ.’ ‘સાંજે ફક્ત ફ્રુટ જ ખાવાનું’ ‘રોટલી ઉપર ઘી નહીં લગાડવાનું’… જોવાની વાત એ છે કે બધી સલાહો ‘ખાવા’ વિશે જ હોય છે કદી ‘ભૂખ્યા’ રહેવાની સલાહ હોતી જ નથી. (ગુજરાતી કદી ભૂખ્યો રહે?)

એમાંય વળી જો તમે કોઈ એક્સ્પર્ટ ડાયેટિશીયન પાસે ગયા તો તો આવી જ બન્યું ! ઘઉંમાં આટલું પ્રોટિન હોય, દૂધમાં આટલો કાર્બોહાઈડ્રેટ હોય, ફલાણું ખાવાથી વિટામીન B12 મળે, ઢીકણું ખાઓ તો એમાં આટલી ફેટ હોય… એમ કરતાં કરતાં એક તબક્કે તમને લાગે કે યાર, આ તો પાંચમા ધોરણની સામાન્ય વિજ્ઞાનની ટેકસ્ટ-બુકોનું રિવિઝન ચાલી રહ્યું છે કે શું ? કેટલું જમ્યા એના કરતાં ‘કેટલા માર્કસ’ મળવાના છે એનું ટેન્શન વધવા લાગે.

વળી, વજન ના ઘટે તો વાંક આપણો જ ! આ પણ બિલકુલ સ્કુલ-કોલેજો જેવું જ થયું ને ? ફી પણ આપણે ભરવાની, હોમવર્ક પણ આપણે જ કરવાનું અને નાપાસ થઈએ તોય વાંક આપણો જ !

અમુક સાહસિકોને ઝનૂનો ચડે છે ત્યારે તેઓ ‘જિમ જોઈન’ કરી નાંખે છે. જિમની ફી હોય 3000ની અને જોઈન કરતાં પહેલાં ભાઈ ટ્રેક-સૂટ, કેન્વાસ શૂઝ, કોટન સોક્સ, રિસ્ટ બેન્ડ, હેડ-બેન્ડ, ડિયોડ્રન્ટ (પરસેવો ગંધાય નહીં તેના માટે) અને સ્પોર્ટ્સ નેપકીન (પરસેવો શોષવા માટે) એનર્જી ડ્રીંક (થાકી ના જવાય એના માટે) ન્યુટ્રિશન પાવડર (જાણે દાળ-ભાત રોટલી-શાકમાં તો ન્યુટ્રિશન જ ના હોય) વગેરે ખરીદવામાં જ પાંચ-સાત હજાર ખર્ચી નાંખે છે.

ચાલો, એ ખર્ચો પણ કરો પરંતુ તમે માર્ક કરજો, આ બધાં હાઈ-ફાઈ જિમ મોટેભાગે મસ્ત કોમર્શિયલ બિલ્ડીંગના પહેલા માળે જ હોય છે, જેમાં ઉપર જવા માટે લિફ્ટ હોય છે. અલ્યા ભઈ, તમારું જિમ સાતમા માળે રાખો ને ? અને એવા બિલ્ડીંગમાં રાખો કે જ્યાં લિફ્ટ હંમેશાં બગડેલી જ હોય ! આવી જાવ… મહિનામાં ૨૦ કિલો ઘટવાની ગેરંટી !

પણ છોડો, એક વાત નક્કી છે કે રૂપિયા ખર્ચવાથી કદી ફીટનેસ આવતી નથી. નહિતર બિલ ગેટ્સ આટલો ખેંપટ ના હોત અને મુકેશ અંબાણી સલમાન ખાન જેવા દેખાતા હોત. અરે, વચમાં અમે મુકેશભાઈની ઘટી ગયેલી ફાંદવાળો ફોટો જોઈને સાવ ડરી ગયેલા ! અમને તો નીતાભાભીને મેસેજ કરવાનું મન થયેલું કે, ‘ભાભી, અમારા ભાઈ ઉપર જુલમ ના કરો પ્લીઝ ! જો એક્સપેરિમેન્ટ કરવો જ હોય તો તમારા ‘અમજદખાન રિટર્ન્સ’ જેવા સુપુ્ત્ર અનંત ઉપર કરો ને ! એને કોઈ પાતળી સુડોળ ફિટનેસ-ક્રેઝી કન્યા સાથે પરણાવી દો, પછી જુઓ મઝા !’

***

-મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments