કોઈ સંગીતકાર ચોરી ક્યારે કરે છે ?

આખી લેખમાળાની શરૂઆત પાકિસ્તાની ગાયનોની તફડંચીથી કરી હતી તો છેલ્લે પાછા ત્યાં જ આવીએ.

અહીં એક વાત તો કબૂલ કરવી જ પડે કે આપણા સંગીતકારોએ જ્યારે પણ ઉઠાંતરી કરી છે ત્યારે તેને ઓરીજીનલ કરતાં એટલી સુંદર સજાવટ કરીને પેશ કરી છે કે અસલ તો સાવ ફીક્કું લાગે. (હા ભઈ હા, નદીમ-શ્રવણને પણ એ ક્રેડીટ આપવી રહી !)

ખાસ કરીને તમે જો પાકિસ્તાની ગાયનો સાંભળો તો તો એમ જ લાગે કે યાર, કેરોસીનના ખાલી ડબ્બામાં કોઈ બગડી ગયેલો રેડિયો વાગી રહ્યો છે ! ત્યાંનું રેકોર્ડિંગ એટલી હદે કંગાળ લાગે કે બિચારી નૂરજહાંનો અવાજ પણ કોઈ જાયન્ટ સાઇઝના કેરોસીનના ડબ્બામાંથી પડઘાઈ રહ્યો હોય તેમ લાગે છે. (યુ-ટ્યુબમાં નૂરજહાંનાં જુના ‘ઇન્ડિયન’ ગાયનો સાંભળજો તો સમજાશે.)

અહીં ઇન્ડિયામાં આપણે આવી નકલ સાંભળીને ‘ચોર.. ચોર…’ની બૂમો ભલે પાડતા હોઈએ પણ પાકિસ્તાની પબ્લિક તો રાજી થતી હશે કે ‘જોયું ?’ ‘આપણા ગાયનોની નકલ હિન્દુસ્તાનીઓ કરે છે !’ આમાં આખો ઇન્ફિરીયારીટી કોમ્પલેક્ષનો ખેલ છે. (લઘુતાગ્રંથિ) આપણું મેઘાણી સાહેબનું ગુજરાતી ગીત ‘મન મોર બની થનગાટ કરે’ હિન્દી ફિલ્મમાં આવ્યું ત્યારે આપણે કેવા મોરલા બનીને હરખાતા હતા ! બસ, આવી જ સાયકોલોજીનો ખાસ કરીને મહેશ ભટ્ટે બહુ ફાયદો ઉઠાવ્યો. પાકિસ્તાની ગાયનો, ગાયકો અને એક્ટરોને હિન્દીમાં ‘ચમકાવીને’ !

મૂળ સવાલ એ છે કે કોઇ સંગીતકાર ક્યારે ઉઠાંતરી કરવા માટે તૈયાર થાય છે ? મારા હિસાબે આનાં છ કારણો છે.

(1) જ્યારે પ્રોડ્યુસરનો બહુ જ આગ્રહ હોય. આનું સુંદર દ્રષ્ટાંત રાજકપૂરનું ‘આવારા હું’ છે અને ખરાબ દ્રષ્ટાંતોની તો ખોટ જ નથી.

(2) જ્યારે સંગીતકાર પોતે કોઈ ધૂન ઉપર પહેલેથી ફિદા હોય. જેમ કે સલીલ ચૌધરીનું ‘ઇતના ના મુજ સે તૂ પ્યાર બઢા’ આમાં આર ડી બર્મન, અનુ મલિક કે પ્રીતમ જેવા સંગીતકારો જે બાળપણથી વિદેશી સંગીત સાંભળીને મોટા થયા તેમના માટે આમ થવું સહજ છે.

(3) પોતે જે ભાષા કે પ્રદેશના છે ત્યાંનું સંગીત નેશનલ લેવલે પહોંચાડવાની ભાવના હોય. આનાં તો અનેક ઉદાહરણો છે જ્યાં પોતાના પ્રદેશનાં લોકગીતો ઝાઝા ફેરફાર વિના જ લઈ લેવાયાં છે.

(4) જ્યારે કામનો બોજો વધી ગયો હોય અને કંઈ સારી ધૂન સુઝતી ના હોય ત્યારે ‘ટેકા’ તરીકે અથવા ‘સંકટ સમયની સાંકળ’ તરીકે બીજાની ધૂન વાપરી લેવાય.

(5) હકીકતમાં પોતાનામાં એટલી ટેલેન્ટ હોય જ નહીં એટલે ઝખ મારીને અહીં તહીં ફાંફાં મારતાં જ રહેવું પડે.

અને (6) જે સ્થિતિ આજે છે, કે ફિલ્મમાં એકાદ ‘હિટ’ સોંગ તો આપવું જ પડે તેમ છે પણ પોતાની ઓરીજીનલ ટ્યૂન હિટ જવાની કોઈ ગેરંટી જ નથી !

અહીં ફરી એકવાર એલ્વિસ પ્રિસ્લીના ‘સેનિયોરીતા…’ ગાયનની શંકર જયકીશને કરેલી કોપી ‘કૌન હૈ જો સપનો મેં આયા’ની વાત કરવી છે. ‘SJ તો ચોર જ છે’ એવું માનતા એક મિત્રએ અમને SJનાં ચોરેલાં ગાયનોની યાદી ગણાવતી એક લિન્ક મોકલી હતી જેમાં જે તે જાસૂસે કુલ બત્રીસ, જી હાં, લગભગ 1500 ગાયનોમાંથી પુરાં 32 ગાયનોમાં ‘ચોરી’ પકડી પાડી હતી ! વાહ ભઈ વાહ !

સવાલ એ છે કે કોઈ સંગીતકારનાં ઓરિજિનલ વર્સિસ ઉઠાંતરીની ટકાવારી કેટલી હોવી જોઈએ ? અહીં SJની ટકાવારી તો 0.05 ટકા પણ નથી આવતી ! બીજી બાજુ પ્રીતમ તો જાણે વિદેશી સ્મગલિંગ માલનો મોટો એજન્ટ હોય તેવી જ છાપ ઊભી થઈ ગઈ છે !

આજકાલ ડઝન બે ડઝન જેટલા જુવાનિયાઓ પોતાની યુ-ટ્યુબ ચેનલો ઉપર આવી ઉઠાંતરીઓની દસ-દસ સેકન્ડની ‘ઝલક’ બતાડીને પોતાની જાતને 'મ્યુઝિક-ડિટેક્ટીવો' ગણાવી રહ્યા છે. અમે એમાં પણ ખોદકામ કરી જોયું. જે તે ઇટાલિયન, સ્પેનિશ, મેક્સિકન, અરેબિક, હંગેરિયન ગાયનોને એ લોકો ઓરીજીનલની પવિત્ર ‘ગંગોત્રી’ ગણાવે છે તેની સાથે સરખાવતાં અડધો અડધ ગાયનોમાં કાં તો શરૂઆતની દસેક સેકન્ડ મળતી આવે છે કાં તો માત્ર રિધમ અને કોર્ડ્ઝમાં જ સરખાપણું લાગે છે.

જાણવા જેવી વાત એ પણ છે કે ઇન્ટરનેટ ઉપર અમુક એવાં ‘એપ’ મળે છે જે કોઈપણ ગાયનને ‘શોધી’ આપે છે. મતલબ કે કોઈ ગાયન વાગતું હોય તેની સામે આ એપ ખોલીને મોબાઈલ ધરો કે તરત ચાર પાંચ ગાયનોનાં ‘ઓપ્શન’ આવી જાય છે !

ટુંકમાં, આવાં એપ ‘અટ્ટે-ગટ્ટે’ જે સજેશનો આપે તેને પેલા મ્યુઝિક-ડિટેક્ટીવો ‘ચોરી’ માની બેસે, એવું પણ બને !

અમને પ્રીતમ માટે કોઈ ખાસ વ્હાલ નથી અને નદીમ શ્રવણ માટે કોઈ ખાસ અણગમો પણ નથી પરંતુ જ્યારે તમારા ટોપ-20 ગાયનોમાંથી જો નવ કે દસ ગાયનો ચોરેલાં નીકળે તો શું સમજવાનું ?

જુઓ કારણ નંબર (4) (5) અને (6).

***

- મન્નુ શેખચલ્લી

Comments