નિતિનભાઈએ ગુજરાતનું 2.27 લાખ કરોડનું બજેટ રજુ કરીને ગણાવ્યું કે આટલા કરોડ આમાં ખર્ચાશે અને તેટલા કરોડ તેમાં ખર્ચાશે, વગેરે વગેરે.
જોકે અમને એ જાણવામાં રસ છે કે માસ્ક નહીં પહેરવા બદલ અમારા અમદાવાદીઓ પાસેથી જે 26.96 કરોડ રૂપિયા કઢાવી લીધા છે, તેનું શું કરવાનું છે ?
અમારી પાસે કેટલાંક સજેશનો છે…
***
એ 27 કરોડ રૂપિયામાંથી ગુજરાતની 7 કરોડની જનતાને માસ્ક જ અપાવી દો ને !
બાળકોને બબ્બે માસ્ક, મોટાઓને ચાર ચાર અને મહિલાઓને કલર મેચિંગને હિસાબે સાત સાત માસ્ક આપી દો ને ! પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય…
***
અથવા… સ્કુલના બાળકોને યુનિફોર્મ મુજબ કોલેજના યુવક-યુવતીઓને ફેશન મુજબ (જીન્સ ફાટેલું હોય તો માસ્કમાં પણ ફાટ હોય) તથા ધાર્મિકોને ધર્મ મુજબ (ભગવાં અથવા લીલાં) માસ્ક અપાવો.
***
જો એમ ના કરવું હોય તો ગુજરાતની 7 કરોડની જનતાને એક એક ભાજપનો ખેસ આપી દો !
જેથી અમે ખેસ પહેરીને નીકળીએ તો અમને ભાજપના કાર્યકરો સમજીને પોલીસ અમને કંઈ કરે જ નહીં !
(આમેય, ખેસ પહેરવાથી તો કોરોના ફેલાતો જ નથી ને ?)
***
અથવા… એક કામ કરો. દરેક વાહન ઉપર ભાજપની ઝંડી લગાડી આપો ! જેથી આખો ટ્રાફિક જતો હોય ત્યારે દરેકે દરેક ઠેકાણે એમ જ લાગે કે ભાજપનાં વિજય સરઘસો નીકળ્યાં છે !
(વિજય સરઘસોથી પણ કોરોના ક્યાં ફેલાય છે?)
***
ચાલો નિતિનભાઈ, આવું બધું ના કરો તોય કશો વાંધો નહીં, અમારી બસ છેલ્લી એક જ રિકવેસ્ટ છે કે એ 27 કરોડ રૂપિયામાંથી અમને માસ્કનો દંડ ભરવા માટે ‘સબસીડી’ આપો !
- કેમ, સબસીડી ખાલી ખેડૂતોને જ મળે ?
***
- મન્નુ શેખચલ્લી
ભઈ, આજકાલના સમાચાર છે કે નાના સાહેબ રુપાણીજી માટે ચાર કરોડને ખર્ચે વાહનોનો કાફલો મંજૂર થયો છે. એ પણ આ સાત કરોડમાંથી આવશે. મોટા સાહેબ જો સેંકડો કરોડોના ખર્ચે સેમી-અંગત વિમાનોની જોડી ખરીદી બેઠા છે, તો આ નાના સાહેબે પણ એમની પછેડી બરાબર ફેલાવીને, કરોડોને ખર્ચે બબ્બે સેમી-અંગત વિમાનોની ખરીદવામાં છે. ઉચ્ચ શિક્ષિત વર્ગને તદ્દન નીચી શાયરીના પગારના ટુકડા આપવાની શરુઆત, મોટા સાહેબનાં ગુજરાતનાં શાસનથી ચાલી આવે છે. સરકારના કરોડોના કરોડો રુપિયા બચાવ્યા છે આ મહાનુભાવોએ...સાત કરોડની શું વિસાત !
ReplyDeleteસાત નહીં, સત્તાવીસ કરોડ... પણ તમારી વાત સાચી છે.
ReplyDelete