2024માં શું શું થશે ?!

મોદીજીના ચાહકોને તો ખાતરી જ છે કે 2024 સુધીમાં આખું ભારત કોંગ્રેસ-મુક્ત થઈ જશે ! સ્વયં મોદીજી પણ કહી ચૂક્યા છે કે 2024 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે…

આ હિસાબે અમને પણ ભવિષ્ય દેખાવા લાગ્યું છે ! જુઓ…

***

2024 સુધીમાં સોનિયાજીની બિમારીનું સાચું નામ સૌને જાણવા મળી જશે…

***

2024 સુધીમાં રાહુલજી પણ પુરેપુરા ‘મેચ્યોર’ બની ગયા હશે...

***

એટલું જ નહીં, 2024 સુધીમાં મનમોહનસિંહ એકાદ ખોંખારો પણ ખાઈ બતાવશે...

***

2024 સુધીમાં જનાબ ઇમરાનખાન પણ ‘સુધરી’ જશે ! વિશ્વાસ રાખો યાર...

***

2024 સુધીમાં એક સાસ-બહુવાળી સિરિયલનો ઓફિશીયલી ‘ધી એન્ડ’ જાહેર કરવામાં આવશે...

***

2024 સુધીમાં જોન અબ્રાહમ એક્ટિંગ કરતાં શીખી ગયો હશે ! એટલું જ નહીં, જાહનવી કપૂર તો જાહેરમાં કબૂલ કરશે કે હા, મારે એક્ટિંગ તો શીખવી જ છે. પણ હજી દસ બાર ફિલ્મો કર્યા પછી...

***

પુરેપુરી શક્યતા છે કે કરણ જોહર 2024 સુધીમાં કોઈ ‘યુવતી’ને પરણી જશે !

***

અને 2024 પહેલાં જ ભપ્પી લાહિરી કોઈ ટીવી શોમાં ગળે માત્ર એક માદળિયું પહેરીને આવશે...

***

સરપ્રાઇઝ માટે તૈયાર રહેજો, 2024માં રાખી સાવંત કોઈ ધાર્મિક ચેનલમાં આત્મા અને પરમાત્માના ઉપદેશો આપતી હશે.

***

2024માં અમિતાભ બચ્ચન નિવૃત્ત... (શાંતિ રાખો, શાંતિ રાખો)... નિવૃત્ત અભિનેતાનો ‘રોલ’ ભજવતા હશે...

***

2024માં ગુજરાતી લોકો ગુજરાતી ફિલ્મો પણ જોતા થઈ જશે... ભલું પૂછવું !

***

અને હા, એ તો સૌ જાણે જ છે કે 2024માં ભારત ‘વિશ્ર્વગુરુ’ બની જશે. બસ, ‘ચેલા’ ક્યાંથી આવશે એ ના પૂછશો...

***

- મન્નુ શેખચલ્લી

Comments