મોદી સાહેબે કીધું છે કે આપણે આંદોલનકારી અને આંદોલનજીવી વચ્ચેનો ફરક સમજી લેવાની જરૂર છે. જોકે અમને તો એટલું જ સમજાય છે કે…
***
આંદોલનકારી પોતાનું ટ્રેક્ટર લઈને નીકળી પડે ત્યારે આંદોલનજીવી એમાં મફતમાં મુસાફરી કરવા માટે બેસી જાય છે.
***
આંદોલનકારીઓ જોશમાં આવીને સુત્રો પોકારે છે ત્યારે આંદોલનજીવીઓ એમાં નવાં નવાં સૂત્રોનાં ગતકડાં બનાવીને જુસ્સો ટકાવી રાખે છે.
***
આંદોલનકારીઓ થાકી થાકીને બેસી જાય ત્યારે આંદોલનજીવીઓ ત્યાં ભાંગડા અને ગરબા કરવા માટે પહોંચી જાય છે.
***
આંદોલનકારીઓ પોતાના આગેવાનો માટે મંચ બનાવે છે ત્યાં આંદોલનજીવીઓ ભાષણો કરવા માટે સમયસર પહોચી જાય છે.
***
આંદોલનકારીઓ માટે ચા-નાસ્તા ભોજનની વ્યવસ્થા ગોઠવી હોય ત્યાં ‘હવે બે મહિના લગી ભીખ નહીં માગવી પડે’ એવું વિચારીને આંદોલનજીવીઓ (ભિખારીઓ) પંગતમાં ગોઠવાઈ જાય છે.
***
આંદોલનકારીઓ પોતાનું આંદોલન ચલાવવા માટે જે ખર્ચ થતો હોય તેના માટે ફાળો ઉઘરાવે છે જ્યારે આંદોલનજીવીઓ એ ફાળાના પૈસાનો ‘વહીવટ’ કરવા માટે ઉત્સાહી ‘મેનેજરો’ બની જાય છે.
***
આંદોલનકારીઓને ભીડ ભેગી કરવા માટે માથાદીઠ 200-500 રૂપિયા આપવા પડતા હોય છે. અહીં પેલા આંદોલનજીવીઓ ભીડ ભેગી કરી આપવાના ‘કોન્ટ્રાક્ટર’ બની જાય છે.
***
આંદોલનકારીઓ ભલે ને મહિનાઓ, વરસો લગી શાંત આંદોલન કર્યા કરે ત્યાં સુધી એમને ‘પવિત્ર’ માનવામાં આવે છે ! પણ જેવા એ લોકો તોફાને ચડે અને ટીવીમાં ‘જીવંત’ પ્રસારણ બની જાય ત્યારે એમને આંદોલન ‘જીવી’ કહેવામાં આવે છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment