અમને બજેટમાં કશી સમજ પડતી નથી. અર્થતંત્રની બાબતે પણ અમે સાવ બાઘા છીએ. એટલે જ અમને અમુક બાઘા જેવા સવાલો થાય છે…
***
સવાલ (1)
જો છેલ્લાં 70 વરસથી ખેડૂતોની હાલત સુધારવા માટે આટલા બધા રૂપિયા ફાળવવામાં આવે છે તો યાર, ખેડૂતોની હાલત સુધરતી કેમ નથી ?
***
સવાલ (2)
સરકાર મગફળીની ખરીદીમાં ટેકાના ભાવ આપે છે તો યાર, મારા તમારા જેવા મામૂલી ગ્રાહકોને સીંગતેલના ડબ્બાની ખરીદીમાં કેમ કોઈ ‘ટેકો’ કરતી નથી ?
***
સવાલ (3)
ડુંગળીના ભાવ ગમે ત્યારે રાતોરાત આસમાને પહોંચી જાય છે. અમારો બાઘા જેવો સવાલ એ છે કે જો સરકાર અબજો ખર્વો રૂપિયામાં લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીનો વગેરે ખરીદી શકે છે તો સાહેબ, દર વરસે 500-700 કરોડની ડુંગળી શા માટે નથી ખરીદી લેતી ?
***
સવાલ (4)
શું ફક્ત ખેડૂતોનાં જ દેવાં માફ કરી શકાય છે ? અમારા જેવા લોકોએ સ્કુટર, બાઈક, રીક્ષા કે ટેમ્પો માટે લીધેલી લોનો કેમ કદી માફ થતી નથી ?
***
સવાલ (5)
આખા વરસમાં માત્ર એકાદ ફિલ્મને જ ‘ટેક્સ-ફ્રી’ કરી શકાય છે ? બીજી કોઈ ચીજો કેમ ટેક્સ-ફ્રી નથી કરતા ?
દાખલા તરીકે વૃધ્ધોનાં દાંતનાં ચોકઠાં, બાળકોનાં રમકડાં, સૌનાં કપડાં ધોવાનો વોશિંગ પાવડર… અચ્છા, મોબાઈલનાં કવર તો ટેક્સ-ફ્રી કરો ?
***
સવાલ (6)
લઘુ-ઉદ્યોગો, ગરીબો વગેરે માટે પ્રોત્સાહન યોજનાઓ હોય છે તો ભાઈ, જે લોકો નિયમિત ટેક્સ ભરે છે એમને પણ કંઈ પ્રોત્સાહન આપો ને ?
દાખલા તરીકે છેલ્લા ત્રણ વરસનાં IT રિટર્ન બતાડો અને પેટ્રોલ-ડિઝલમાં 10 રૂપિયા ઓછા ચૂકવો !
***
સવાલ (7)
અરે, પાણીપુરીવાળા ભૈયાજી પણ છેલ્લે છેલ્લે બે પાણીપુરી ‘ફ્રી’માં આપે છે… નિર્મલાજી, તમે કંઈક તો ‘ફ્રી’ આપો ?
***
- મન્નુ શેખચલ્લી
Jordaar.
ReplyDeleteThanks 😊
ReplyDelete