બકા-બકુડીનું વેલેન્ટાઇન !

આજે ‘વેલેન્ટાઈન ડે’ના દિવસે અમુક બકા બહાદુરો છેક છેલ્લી ઘડીએ છોકરી શોધવા નીકળે છે. આ નફ્ફટ બકાઓને જોકે કોઈ ખાસ ફરક પડતો નથી ! જુઓ…


બકો : વિલ યુ બિ માય વેલેન્ટાઈન ?
બકુડી (1) : આ સેન્ડલ જોયું છે ?
બકો : જોયું ને ! પાય લાગું માતાજી !

બકો : વિલ યુ બિ માય વેલેન્ટાઈન ?
બકુડી (2) : પપ્પા પોલીસમાં છે.
બકો : ટ્રાફિક નિયમોનું પાલન કરો… માસ્ક પહેરો… સોશિયલ ડિસન્ટન્સ જાળવો…

બકો : વિલ યુ બિ માય વેલેન્ટાઇન ?
બકુડી (3) : વેલણ ? તૈણ ?
બકો : રહેવા દે. પહેલાં ઇંગ્લીશમાં પાસ થા !

બકો : વિલ યુ બિ માય વેલેન્ટાઈન ?
બકુડી (4) : યસ, પ્રોવાઈડેડ યુ ગિફ્ટ મિ અ ડાયમન્ડ સેટ, ટેક ટુ મિ ટુ અ ગ્રાઉન્ડ હોલિડે રિસોર્ટ એન્ડ ટ્રિટ મિ વિથ ધ મોસ્ટ કેરિંગ અફેકશનેટ એન્ડ એક્સક્લુઝિવ એટેન્શન ફોર ધ રેસ્ટ ઓફ માય લાઇફ !
બકો : રહેવા દે. હમણાં ઇંગ્લીશ સ્પીકિંગનો કોર્સ કરવાના પૈસા નથી.

બકો : વિલ યુ બિ માય વેલેન્ટાઈન ?
બકુડી (5) : હેં ?
બકો : વિલ યુ બિ માય વેલેન્ટાઈન ?
બકુડી (5) : ક્યા ?
બકો : અરે, મેરી વેલેન્ટાઈન બનોગી ?
બકુડી (5) : જોર સે બોલો…
બકો : જય માતા દી !

બકો : વિલ યુ બિ માય વેલેન્ટાઈન ?
બકુડી (6) : જો જા ! પહેલાં મોં ધોઈને આય !
બકો : મને ખબર જ હતી ! એટલે મું ખિચામાં પોંણીના પાઉચ લઈને જ આયો છું !

બકો : વિલ યુ બિ માય વેલેન્ટાઈન ?
બકુડી (7) : પહેલાં મને એક ઓડી કાર, બે ગોલ્ડ ચેઇન અને ચાર ડાયમન્ડ નેકલેસ આપ !
બકો : એક મિનિટ અહીં જ ઊભી રહેજે. હું મુકેશ અંબાણીના બાબાને મોકલાવું છું.

***
- મન્નુ શેખચલ્લી

Comments