સાચું સુખ કોને કહેવાય ? .. જગતમાં સાચું જ્ઞાન ક્યાંથી મળે ?.... સાચું સત્ય ક્યાં છુપાયેલું હોય છે ?....
આવા બધા સવાલો સાંભળીને ભોળો શ્રોતા મુંઝાઈ જાય છે ! અલ્યા ભઈ, ‘સત્ય’ એ જ છે, જે ‘સાચું’ છે ! એમાં વળી ‘સાચું સત્ય’ ક્યાંથી શોધવાનું હોય ?
છતાં આવી અગડમ બગડમ વાતોમાં પેલા મહાન તત્વચિંતક વક્તાઓ આપણને ભેરવી મારે છે. આપણે ય, ડફોળોની જેમ વિચારતા થઈ જઈએ છીએ કે સાલું, સાચું સુખ કોને કહેવાય ?
ઘરે કાર છે, બેડરૂમમાં એસી છે, ફ્રીજ કદી ખાલી નથી હોતું, બેન્કમાં પુરતું બેલેન્સ છે, છોકરાં ભણી રહ્યાં છે, કામ ધંધો બરોબર ચાલી રહ્યો છે… બધું ખરું, પણ સાલું, ‘સાચું’ સુખ ક્યાં છે ? શું સાલું, બધે ચાઈનીઝ સુખ જ મળે છે ? અસ્સલ ઓરીજીનલ જર્મન મેઇડ સુખ હવે બજારમાં ક્યાંય મળતું જ નથી ?
પેલા જ્ઞાની વક્તાઓ જ્યારે આવો સ્ટુપિડ સવાલ કરીને એમની અગડમ બગડમ 'વાણી-વા-છૂટ' ચાલુ કરે છે ત્યારે મારા-તમારા જેવા લાખો લોકો એ ‘વાયુ પ્રસારણ’ના પ્રવાહમાં ભરમાઈને પોતે જ સ્ટુપિડ બની જતા હોઈએ છીએ.
જોકે જગતમાં ‘અસલી-નકલી’નો પ્રોબ્લેમ તો વરસોથી ચાલ્યો જ આવે છે. સાધુબાવાથી લઈને ડોક્ટરો, દવાઓ, ઇન્જેક્શનો અને આખેઆખી યુનિવર્સિટીઓ નકલી નીકળતી હોય ત્યાં ‘સુખ’ની શી વિસાત ? આમાં ને આમાં આપણે અટવાતા રહીએ છીએ કે સાલું, જે સુખ મળ્યું છે તે સાચું કે ખોટું ?
જોકે હજી સારું છે કે આ ચિંતનકારો આપણને એવા સવાલો નથી પૂછતા કે ‘સાચો મસાલો-ઢોંસો કોને કહેવાય ?’ ‘શું તમે જે શાક ખાઓ છો તેમાં સાચું રીંગણું અને સાચું બટાકું છે ખરું ?’ ‘જીવનમાં આપણે કેટ-કેટલાં ખોટાં ટીંડોળાં ખાધાં છે ?’ ‘શું કદી તમે વિચાર્યું છે ખરું કે હવે તો મારે શોધવું જ રહ્યું કે આ દુનિયામાં સાચું કેળું ક્યાં હશે ?... અને તે મને ક્યારે મળશે ?’
જો કોઈ આયુર્વેદના જાણકાર વૈદ્ય આપણને પૂછે કે ‘આપણે રીંગણું, બટાકું, લસણ કે કેળું સાચું છે કે નહીં તેની પરવા નહીં કરવામાં કેટકેટલી ખોટી ખાદ્યસામગ્રી આપણા પેટમાં પધારાવી દીધી છે ?’ તો આપણે ટેન્શનમાં આવી જઈએ કે નહીં ?
આપણામાંથી કમ સે કમ પચાસ પચાસ ટકા લોકો તો વૈદ્યરાજને પૂછવાના જ કે કાકા, એ બધું બરોબર પણ કેળું સાચું છે કે ખોટું તે જાણવું શી રીતે ? દાખલા તરીકે મોબાઈલમાં હવે વિડિયો આવતા થઈ ગયા છે કે ‘...દેખિયે, નકલી દૂધ કો કૈસે પહચાન સકતે હૈં ?’
એક સમયે વૈદ્યરાજો આપણને કહી પણ શકશે કે સાચું કેળું અથવા સાચું રીંગણું પારખવું શી રીતે ? પરંતુ પેલા મહાન જ્ઞાની લોકો તમને કદી ફોડ પાડીને નહીં સમજાવે કે ‘સાચું સુખ’ નામની પ્રોડક્ટ ઉપર કેવાં માર્કાની છાપ મારેલી હોય છે ! એમની આખી સિસ્ટમ બહુ સિમ્પલ છે : ‘જે કરવામાં માનવીને મઝા પડે છે એ બધું જ ખોટું છે અને જે કરવામાં ભયંકર ત્રાસ થાય છે એ જ બધું સાચું છે !’
આ તો સારું છે કે આ સિસ્ટમ શાક મારકેટ અને ખાઉગલીમાં નથી ચાલતી. નહિતર એ લોકો આપણને ‘સાચું રીંગણું’ના નામે સડેલું રીંગણ અને ‘સાચા મસાલા ઢોંસા’ને બદલે ચૂંઈગ-ગમના પાપડ જ પધરાવી દેતા હોત !
વળી એ પણ સારું છે કે પેલા મહાન ચિંતકો, જ્ઞાનીઓ અને ઉપદેશકો બજારમાં જઈને એમ નથી કહેતા કે ‘ભાઈ, મને તો એક સાચી કાર જોઈએ છે !’
આ જ્ઞાનીઓ કદી ‘સાચું એસી’ ‘સાચું ફ્રીજ’ કે ‘સાચી ફોરેન ટુર’નો આગ્રહ પણ નથી રાખતા. જોવાની વાત એ પણ છે કે આ જ જ્ઞાની-ગુરુઓ કદી ‘સાચા શ્રોતા’ ‘સાચા અનુયાયી’ કે ‘સાચા ચેલાઓ’ની ડિમાન્ડ પણ નથી કરતા. અહીં તો એમને ડફોળો, ઇડિયટો અને મુરખાઓ જ જોઈએ છે !
એમ જોવા જાવ તો આ સોશિયલ મિડીયાના જમાનામાં લેખકો પણ ક્યાં ‘સાચા વાચકો’નો આગ્રહ રાખે છે ? હા, અમને ક્યારેક ક્યારેક વિચાર આવી જાય છે કે અમારી પાસે જે બોલપેનો છે એમાંથી ‘સાચી બોલપેન’ કઈ ?
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Amazing... Bhukka kadhi naakhya...
ReplyDeleteThanks 😊🙏 🙏
ReplyDeleteZakkaaassss.
ReplyDelete