કહેવતોમાં ટ્યુબલાઈટ !

અમુક જુના જમાનાની કહેવતોનો વિચાર કરતાં ક્યારેક સવાલો થાય છે… ત્યારે એમાંથી અમુક ટ્યુબલાઈટ પણ થઈ જાય છે ! જુઓ નમૂના…

***

કહેવત

‘સાત ગળણે ગાળીને પાણી પીવું…’ એટલે  શું ?

ટ્યુબલાઈટ

સેવન લેયર માસ્ક મોં ઉપર હોય છતાં ડાયરેક્ટ મિનરલ વોટરનો બાટલો મોંઢે માંડવો !

***

કહેવત

‘આંગળી ચીંધ્યાનું પૂણ્ય મેળવવું…’ એટલે શું ?

ટ્યુબલાઈટ

નાકમાં આંગળી ખોસીને, ગુંગા કાઢીને, ખાઈ જવા !

***

કહેવત

‘બળનું કામ કળથી કઢાવવું…’ એટલે શું ?

ટ્યુબલાઈટ

બેન્કમાં લૂંટ કરવાને બદલે બેન્કમાંથી લોન લેવી !

***

કહેવત

‘ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા…’  એટલે શું ?

ટ્યુબલાઈટ

ઓસ્કાર એવોર્ડના સમારંભમાં પેલી ફોરેનની એકટ્રેસો લાંબા લાંબા ગાઉન પહેરે છે છતાં ખભા સાવ ઉઘાડા રાખે છે તે !

***

કહેવત

‘જંગલ મેં મોર નાચા, કિસી ને ના દેખા…’ એટલે શું ?

ટ્યુબલાઈટ

નવો મોંઘો ડ્રેસ પહેરીને ફેસબુકમાં દસ ફોટા મુકવા છતાં એકપણ લાઈક ન મળવી, તે !

***

કહેવત

‘રજનું ગજ થઈ જવું…’ એટલે શું ?

ટ્યુબલાઈટ

ટ્વીટથી તબાહી થઈ જવી. (કંગના રાણાવતને પૂછો !)

***

- મન્નુ શેખચલ્લી

Comments