મારી કલમને ખરજવું થયું છે !

મારા પડછાયામાં તીરાડ પડી છે. મારા અરીસામાં સળ પડી છે. મનનાં પ્રતિબિંબો ઉપર ઇસ્ત્રી ફેરવી શકાતી નથી. પડછાયાને સાંધી શકાતો નથી. અંધારું માત્ર પડછાયાને ગાયબ કરે છે, અરીસો ન હોય એટલે કંઈ ચહેરો ખોવાઈ જતો નથી. પોતાની ઓળખ ગુમાવી બેસનારે ક્યાં જઈને એફઆઈઆર કરવાની ? લાગણીઓનાં સેલ નથી હોતાં, મનનાં ડિસ્કાઉન્ટ નથી હોતાં, બિલ ચૂકવવાથી કંઇ વિચારો ખરીદી શકાતા નથી છતાં આજે મારે એક વિચાર વેચવા માટે મુકવો છે…


તમને થતું હશે કે આજે મન્નુભાઈનું કાં તો ચસકી ગયું છે અથવા તો ભાઈસાહેબ આજે જ કોઈ મેન્ટલ હોસ્પિટલમાંથી સારવાર લીધા વિના બહાર આવી ગયા છે ! નહિતર આવા લવારા લખે નહીં….

પણ દોસ્તો, ગેરસમજ તમારી છે, મારી નહીં. ‘દિવ્ય ભાસ્કર’ના આ પાને અહીં ‘હવામાં ગોળીબાર’ ખાતે જે લખાય એ જ ફની હોય એવું કોણે કહ્યું ? ઘણા સિરિયસ લોકો આવું બધું ફની-ફની લખતા હોય છે ! એટલું જ નહીં, અનેક સિરિયસ વાચકો આવું ફની લખાણ સિરિયસલી વાંચતા પણ હોય છે.

જુઓ આ નમૂનો…

મારા પડછાયામાં તડ પડી છે. મારા અરીસામાં સળ પડી છે… સોરી સોરી, આ તો પાછું પેલું જ આવી ગયું. આપણે ‘શ્ર્વાસ’ વિશે કંઈક લખવાનું છે ને ? તો જુઓ, એમાં શ્ર્વાસનું નામ જ નહીં લેવાનું ! આ રીતે…

આજે મારી ફેફસાંની નસોનાં ટેરવામાં કુંપળો ફૂટી છે. આજે મારા ઘૂંટણમાં કાંટા ફૂટ્યા છે. મારી કોણીએ રોજ એક નાળિયેરીનો છોડ ઊગીને સૂકાઈ જાય છે. શું તમે કદી નાળિયેરનું બાળપણ જોયું છે ? બાળપણમાં નાળિયેરીનું થડ રૂક્ષ નથી હોતું, પાંદડાં તીક્ષ્ણ નથી હોતાં. વાઘનું બચ્ચું નાનું હોય ત્યારે સૌને વહાલુ લાગે છે કારણ કે તેના કુમળા નહોર વડે રાક્ષસને પણ ગલગલીયાં થઈ શકે છે.

ફેફસામાં આકાશ ભરીને જીવવું આજે અશક્ય થઈ ગયું છે કારણ કે સૌએ પોતપોતાની સગવડ પ્રમાણે NH1નાં માસ્ક મોં ઉપર લગાવી લીધાં છે. મારે મારા ઘરનાં આંગણે ઓક્સિજનનું મેઘધનૂષ રોપવું છે પણ જો તે મારા પગની ટચલી આંગળીને અડશે તો મારે ડોક્ટરને બતાવવું પડશે કેમ કે મને એ જ આંગળી નીચે કણી થઈ છે. શ્ર્વાસમાં ખૂંચતી કણીનો કોઈ ઉપાય નથી હોતો. હોસ્પિટલોમાં ભટકતો શ્ર્વાસ ક્યારેક સ્મશાનોમાં લટાર મારીને પાછો આવતો હોય છે. ડૉક્ટરો સ્વચ્છ હવાનાં પ્રિસ્ક્રિપ્શનો લખી આપશે એ દિવસ ક્યારે આવશે ? આજે 3 ફેબ્રુઆરી છે. શું 14 ફેબ્રુઆરી સુધીમાં એ દિવસ આવશે ખરો ? વેલેન્ટાઈન ડે ગુલાબી શ્ર્વાસોનો દિવસ છે એ વખતે હું પીળા શ્ર્વાસનું માસ્ક પહેરવાનો છું..

- જોયું ? કેટલું સહેલું છે !

ફોર્મ્યુલા સાવ સહેલી છે. સૌથી પહેલાં થોડા પોચા-પોચા રૂપાળા શબ્દો શોધી રાખવાના. જેમ કે શ્ર્વાસ, મેઘધનૂષ, હિંચકો, કુંપળ, ટેરવાં, ઝરણું, ઝાકળ, ઝણઝણાટી… વગેરે. પછી એના લાકડે માંકડાં ગોઠવવાનાં ! જેમકે ‘આજે મારા શ્ર્વાસની ઝણઝણાટીમાંથી એક મેઘધનૂષી ઝરણું ફૂટ્યું છે…’

આમાં બહુ લોજિક નહીં વિચારવાનું કે અલ્યા શ્ર્વાસમાં ‘ઝણઝણાટી’ થતી હોય તો ક્યાંક કોરોનાની અસર તો નથી ને ? ભાઈ સાહેબ, આવું વિચારવા રહેશો તો તમે લખી રહ્યા !

અચ્છા, બીજી પણ એક ફોર્મ્યુલા છે. આમાં શું કરવાનું, કે વચ્ચે વચ્ચે હાઈ-ટેક અંગ્રેજી શબ્દો ભભરાવ્યા કરવાના ! જુઓ….

અરીસાઓના કેટ-સ્કેન રિપોર્ટનું ડાયાગ્નોસિસ કોણ કરશે ? મેઘધનુષમાં હેમોગ્લોબિન ખૂટી જશે તો તેનાં સિમ્પટમ્સ કોને દેખાશે ? દરિયાની માછલીને ડિ-હાઈડ્રેશન થાય અને ડોલ્ફીનને ડિપ્રેશન આવે ત્યારે કઈ ન્યુઝ-ચેનલમાં બ્રેકિંગ ન્યુઝ જોવા મળશે ? પ્રસિધ્ધ ફ્રેન્ચ ફિલોસોફર ‘ઝ્યાં-પોલ-ત્યાં-બખોલ’ લખી ગયા છે કે હથેળીની રેખાઓને હાયપર-ટેન્શન થશે તે દિવસે જગતના ઇતિહાસને ‘ફ્યુચર-શોક’નો અહેસાસ થશે !

ચાલો, હવે પુરું કરીએ, કેમ કે મારી હથેળીમાં એક નવી સગડી ઊગી રહી છે…

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

 

Comments