સોશિયલ મિડિયામાં ‘વાંધાજનક’ પોસ્ટ સામે સરકારે જાતજાતનાં પગલાં લેવા માટે પોલીસી નક્કી તો કરી છે પણ અમને એમાં થોડાં સૂચનો કરવાનું મન થાય છે !
***
વાંધાજનક પોસ્ટ ‘સૌથી પહેલાં’ કોણે મુકી તે 24 કલાકમાં શોધી આપવાનું રહેશે, એ તો બરોબર, પણ એ પોસ્ટ માટે ‘સૌથી પહેલાં વાંધો કોને પડ્યો’ એ પણ જણાવો તો સારું !
***
એ જ રીતે લાગણી દુભાવનારી પોસ્ટનું પણ કરો. આ
ભૈશાબ, સૌથી પહેલી લાગણી કોની દુભાઈ ? પછી ‘જુઓ આનાથી લાગણી દુભાય છે’ એવી દુભાતી લાગણીઓનો ‘ફેલાવો’ કોણે કોણે કર્યો ?
આ બધું પણ જણાવો. નેશન વોન્ટ્સ ટુ નો !
***
‘સોશિયલ મિડિયા ઉપરથી ફલાણી ફલાણી ટ્વીટ દૂર કરવામાં આવી હતી. એ ટ્વીટમાં ફલાણાભાઈએ લખ્યું હતું કે…’
એમ કરીને દૂર કરાયેલી ટ્વીટને છેક દૂર બેઠેલા કરોડો લોકો સુધી પહોંચાડવાની જે હાલની સિસ્ટમ છે તે તો ચાલુ જ રાખજો !
કારણકે, નેશન વોન્ટ્સ ટુ નો !
***
આપણે હવે કયા કયા અપશબ્દો (ગાળો) નથી વાપરવાના એનું સંપૂર્ણ લિસ્ટ જાહેર કરો. કેમ કે દેશના કરોડો યુવાનોને માંડ 25-30 ગાળો જ આવડે છે ! બાકીની ‘વાંધાજનક’ ગાળો કઈ છે ?
નેશન વોન્ટ્સ ટુ નો !
***
અચ્છા, 24 કલાક પછી કઈ પોસ્ટ દૂર કરવાના છો એ તો કમ સે કમ 24 કલાક પહેલાં જણાવો ?
નેશન વોન્ટ્સ ટુ નો… ભઈ ?
***
એક મહેરબાની ફિલ્મસ્ટારો ઉપર પણ કરો. બિચારાઓની જે કંઈ સીધીસાદી ચેટ હોય તે પણ 24 કલાકમાં ઓટો-ડિલીટ થઈ જાય એવું ગોઠવો.
***
અને હા, સૌથી વધુ ફોરવર્ડ થતી હોય એવી જોક્સ સૌથી પહેલાં કોણ પોસ્ટ કરે છે એ તો જણાવો ? આખરે ખબર તો પડે કે આટલી મસ્ત ‘પપ્પુ જોક્સ’ બનાવે છે કોણ !
- શું કહો છો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment