ઓનલાઇન પોલીસતંત્રના ફાયદા !

કોરોનાકાળમાં જે રીતે ઘણું બધું ઓનલાઇન થઈ ગયું છે એ રીતે આખું પોલીસતંત્ર પણ ઓનલાઇન થઈ જશે ત્યારે કેવું કેવું સરસ થશે ! એક કલ્પના…


***

રાત્રે હાથમાં ડંડા લઈને અધરાત – મધરાતે રસ્તાઓ ઉપર રોન મારવાની જરૂર નહીં રહે, કેમ કે બધે કેમેરા લાગેલા હશે ! ચોકીમાં બેઠાં બેઠાં ઓનલાઈન જ રોન મારી લેવાની !

***

ઇન્સ્પેક્ટર સાહેબ પણ લાલ લાઈટવાળી જીપ લઈને ટોંટોં… ટોંટોં… વાળી સાયરન વગાડતા નહીં નીકળી પડે ! એ શાંતિથી હવાલદારે કહેશે ‘જીપ ઉપર કેમેરા ગોઠવીને રાઉન્ડ મારી આવો… હું અહીં બેઠો બેઠો જોઈ લઉં છું !’

***

છેલ્લા આઠ મહિનામાં તો નાઈટ ડ્યૂટીની પોલીસને ચા પીવાના ફાંફાં થઈ ગયાં હતાં ! પણ હવે એવું નહીં થાય.

પોલીસચોકીમાં બેઠાં બેઠાં જોઈ શકાશે કે કઈ ગલીમાં હજી ચા બની રહી છે અને કઈ દુકાને ભજીયાંનો નવો ઘાણ ઉતર્યો છે !

સીધો ફોન જ કરવાનો કે ‘ચોકીમાં દસ મસાલા ચા અને ચાર કિલો મિક્સ ભજીયાં મોકલજો !’

***

અરે, ગુનેગારોને શોધવા માટે પણ ગામેગામ ભટકવું નહીં પડે, બધું ‘ઓનલાઇન સર્ચ’ ઓપરેશન જ ચાલતું હશે !

***

એ તો ઠીક, જ્યાં રેડ પાડવા માટે જવાનું હશે એની ઇન્ફરમેશન પણ ઓનલાઇન જ ‘લીક’ થઈ જશે !

***

કહેવાની જરૂર નથી કે હપ્તા પણ ઓનલાઈન આવી જતા હશે !

***

બસ, તકલીફ ત્યારે જ થશે જ્યારે મોદી સાહેબ અમસ્તા પસાર પણ થવાના હશે તેના પંદર દિવસ પહેલાંથી ‘જાતે’ દોડધામ કરવી પડશે.

- અને સાહેબ પસાર થાય ત્યારે એમની ‘ઓફ-લાઈન નજર’ પડે એ રીતે ખડેપગે ઊભા રહેવું પડશે ! જયહિંદ.

***

- મન્નુ શેખચલ્લી

Comments