છ નગરપાલિકાઓમાં સજ્જડ હાર થયા પછી હવે કોંગ્રેસીઓ શું કરશે ? થોડી ગંભીર આગાહીઓ…
***
જેણે ટિકીટો મેળવવા માટે જબરદસ્ત ઝગડા કર્યા હતા તેઓ ટિકીટો આપનારને ત્યાં જઈને જબરદસ્ત ઝગડા કરશે !
***
કોંગ્રેસ શા માટે હારે છે તેનાં કારણોની તપાસ કરવા માટે… ‘પીએચડી’ કરી શકાય કે નહીં તેની તપાસ કરશે !
***
જે પોસ્ટરો, બેનરો, પેમ્ફલેટો વગેરે વધ્યાં છે તે પસ્તીમાં વેચવાથી કેટલી ‘ખોટ’ સરભર થઈ શકે તેનો હિસાબ કરશે !
***
100 ગ્રામ નમકીનના પેકેટમાં કેટલા દાળિયા, કેટલી શીંગ, કેટલા પૌંવા, કેટલી ઝીણી સેવ, કેટલી જાડી સેવ તથા કેટલી પાપડી હોય છે તેની ગણતરી કરશે… કેમ કે સાલી, ફરીથી ‘ઊંઘ ઊડી ગઈ’ છે !
***
જ્યોતિષીને પોતાની કુંડળી બતાડીને સલાહ માગશે કે ‘હવે ભાજપમાં જોડાવાની ઓફર મળવાના કોઈ ચાન્સ છે કે નહીં ?’
***
જે લોકો સમયસર તક જોઈને ભાજપમાં જોડાઈ ગયા હતા તેવા કોંગ્રેસીઓની કુંડળીઓનો અભ્યાસ કરશે !
***
એ બધું તો ઠીક, પણ હવે મોટા મોટા કોંગ્રેસી નેતાઓ ‘નવી રણનિતી’ ઘડશે….
એમના હિસાબે હવે કોંગ્રેસની હરિફાઈ ભાજપ સાથે છે જ નહીં ! હવે તો ‘આપ’ અને ઓવૈસીને શી રીતે હરાવવા તે વિચારવાનું છે !
***
અમુક કોંગ્રેસીઓએ તો ઓલરેડી મોબાઈલના ડીપીમાંથી સોનિયાજીની તસવીર ડિલીટ કરીને ત્યાં કેજરીવાલની તસવીર મુકી દીધી છે…
***
અને અમુક કોંગ્રેસીઓ ડીપીમાં ઓવૈસીની તસવીર મુકતાં પહેલાં ‘ધર્મપરિવર્તન’ કરી લેવું કે નહીં તેના વિચારમાં મુંઝાઈ રહ્યા છે !
***
જોકે મોટા ભાગના કોંગ્રેસીઓને હજી એ નથી સમજાતું કે રાહુલજી ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યા જ નહોતા… છતાં આપણે કયા કારણે હારી ગયા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment