મિક્સ-માતૃભાષાના બે હોરીબલ નમૂના !

‘આ સન્ડેના ટ્વેન્ટી ફર્સ્ટ ફેબ્રુઆરીએ ‘ઇન્ટરનેશનલ મધર્સ લેન્ગવેજ ડે’ આવે છે. ધેટ વે, આપડા ગુજુ પિપલ્સને વન વેમાં રિમાઇન્ડ કરાવવાનું ટ્રાય છે કે તમે બી તમારી મધર્સ લેન્ગવેજનું રિસ્પેક્ટ ઇન્ક્રીઝ કરો.

બટ યુ નો, એમાં પ્રોબ્લેમ સુ છે કે ‘મધર્સ ડે’ના દિવસે ‘મધર્સ-ડે’ના કાર્ડઝ એટસેટરા ગિફ્ટ શોપમાં અવેલેબલ હોય છે પણ મધર્સ લેન્ગવેજના કાર્ડઝ આઉટ જ નથી થતા. તો, વોટ ટુ ડુ ? એન્ડ, એ કાર્ડઝ આઉટ હોય તો બી બાય કરીને ગિફ્ટ કોને કરવાનુ ? ધેટ ઇઝ ઓલ્સો બવ કન્ફ્યુઝિંગ છે.

એક્ચ્યુઅલીમાં તો, લાઇક, જે રીતે ‘સેવ વોટર’ ‘સેવ બર્ડ્ઝ’ એટસેટરાનું કેમ્પેન રન થાય છે એ રીતે ‘સેવ મધર લેન્ગવેજ’નું કોઈ કેમ્પેન જ નથી ! એટલે હાઉ ટુ સેવ એ પણ એક બિગ ક્વેશ્ચન છે. બાકી, આઈ લાઇક ગુજરાતી લેન્ગવેજ. આપડી ભાસા ઇઝ વેરી રીચ એન્ડ, સુ કહેવાય, હાઈલી સંસ્કૃતિવાલુ છે, ધેટ તો આઈ શ્યોરલી એગ્રી, હોં !’


બસ, આ છે નમૂનો આપણા શહેરી ઇંગ્લીશ મિડિયમમાં અધકચરું અંગ્રેજી ભણીને એજ્યુકેટેડ બની ગયેલા સ્માર્ટ ‘ડૂડ્ઝ’ની ગુજરાતીનો !

હજી તો ઓન્લી ફોર યર્સ પહેલાં આપડે ગુજરાતી સબ્જેક્ટને ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી કમ્પલ્સરી કરવાનું બિગીન કર્યું છે એટલે સ્લોલી સ્લોલી આખી નવી પેઢી (સોરી, ‘પેઢી’ એટલે તો ઓલ્ડ ફેશન્ડ બિઝનેસ ફર્મ કહેવાય), ન્યુ જનરેશન આપણી ગુજ્જુ લેન્ગવેજ પ્રોપરલી રીડ, રાઈટ એન્ડ સ્પીક કરતી થઈ જશે, હોપ સો !

એક બાજુ ઇંગ્લીશ મિડિયમ સ્કુલોએ દાટ વાળ્યો છે તો બીજી તરફ એમની આ વર્ણસંકર ‘બોલી’ને હાઈ-સોસાયટીની ‘ભાષા’ સમજીને નાનાં શહેરનાં છોકરાંઓ પણ દોઢ-ગુજલિશ બોલતાં થઈ ગયાં છે. એમાંથી અમુક અંગ્રેજી અક્ષરોમાં (રોમન લિપીમાં) ગુજરાતી લખીને ‘ભણેલા’ હોવાનું ‘પ્રાઉડ ફીલ’ કરે છે ! બાકીના અમુક સારા વાચકો છે, જે ગુજરાતી છાપામાંથી ગુજરાતીમાં લખાયેલા લેખો, વાર્તાઓ અને નવલકથાઓ ગુજરાતીમાં વાંચીને અંગ્રેજીમાં ઇ-મેઇલ કરે છે : ‘યોર રાઇટિંગ ઇઝ ફેન્ટાસ્ટિક, આઇ રીડ એવરી રેગ્યુલરલી !’

આ સિવાય ત્રીજી બાજુથી ગુજરાતીની વાટ લગાડી છે હિન્દી સિરિયલોએ ! આ સિરિયલો જોઈ જોઈને અમુક છોકરીઓનું ગુજરાતી કેવું ‘અજીબ’ થઈ ગયું છે એનો એક નમૂનો સાંભળો. (બહેન કોઈ સિરિયલની વાર્તા સમજાવી રહ્યાં છે.)

‘એ સિરિયલની સ્ટોરીમાં સુ હોય છે કે એક માસૂમ છોકરીનાં માટે એક શરીફ ખાનદાનના ઘરેથી રીશ્તો આવે છે ને, તો એનાથી એની બૂઆને જલન થાય છે એટલે એ એની ફૂફીની નનદના કાનમાં ઝહર ઘોલીને બે ખાનદાનની વચ્ચે ગલતફહેમી પૈદા કરાઈને રીશ્તામાં દરાર ગિરાવે છે…’

મગર દરઅસલમાં હકીકત એવું હોય છે કે એમના બુઝુર્ગોની હવેલીમાં એક મોટુ રાઝ છિપાયેલું છે. કેમ કે ખાનદાનનું ઉસૂલ હોય છે કે ઘરની દહેલીજ ઉપર જે નઈ નવેલી બહુના કદમ પડે એણે પુખ્તોથી ચાલી આવતી એક રસમ અદા કરવાની હોય છે. આ છોકરી તો એ રસમ માટે રાજી હોય છે મગર એની બૂઆ, ફૂફી અને નનદની ચિકની ચૂપડી બાતોમાં આઈને એમની ચાલમાં ફસાઈ જાય છે.

પેલી તીનોં એને ઉકસાવે છે એટલે આ ઇજાજત લીધા બગૈર ડાયરેક્ટ પુરાની હવેલીની દહેલીજ ઉપર કદમ રાખવાની જુર્રત કરી નાંખે છે. ખાનદાનમાં તહલકો મચી જાય છે કે હવેલીની પુરાની મર્યાદાનું ભંગ થઈ ગયું છે. એટલે ખાનદાનના બુઝુર્ગ લોગ છોકરીના મૈકાના ખાનદાનને બરબાદ કરવાની કસમ ખાઈ લે છે.

હકીકતમાં સ્ટોરીનું મેઇન રાઝ એ છે કે ખાનદાનની મિલકતના તમામ કાગઝાત બાબુજીના પાસે છે અને બાબુજી છોકરીના માટે ભીતરથી ખુબ હમદર્દી જતાવે છે એટલે મામુ અને ફૂફી એક ચાલ ચાલે છે. એ લોકો એક પિછડા ઇલાકાના ગાંવમાંથી એક એવી લડકીને ઢૂંઢીને લાવે છે કે જેની સૂરત બિલકુલ આને મિલતી જુલતી આવે છે. પછી પેલી છોકરીને ગુન્ડાઓને સુપારી દિલાઈને કિડનેપ કરાઈને ઉઠવાઈ લે છે અને આ નકલી છોકરીને ખાનદાનમાં ઘૂસાઈ દે છે.

દરઅસલમાં એનું કામ બાબુજીને પટાઈ ફોસલાઈને મિલકતના કાગઝાત ઉપર દસ્તખત કરાઈ લેવાનું છે મગર છોકરાનો ચચેરો ભાઈ એની હુસ્નની જાલમાં ફસાઈ જાય છે. એ સીન જોઈને છોકરીના હસબન્ડની આંખમાં તો યકીન જ નથી આવતું…’

- બોલો, હવે તમને તો યકીન છે ને કે માતૃભાષાના દિવસ ઉજવવાથી આપડી ગુજરાતી જબાન ઉપર ખતરો ટલી જસે ?

***

-મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. Ha... Aavu bole chhe English medium na nana chhokarao gujarati, hindi, English mix karine ek navi j language bole chhe.

    ReplyDelete
  2. એકદમ સાચું કીધું મનુભાઈ 😀

    ReplyDelete
  3. Thank you so much Jagdish bhai and Manoj bhai !

    ReplyDelete

Post a Comment