મુજરા, નૌટંકી, બંદિશો... ઉઠાંતરીની કાચી સામગ્રી !

ફિલ્મ ‘પાકીઝા’નો સુપરહિટ મુજરો ‘ઇન્હીં લોગોં ને લે લિના, દુપટ્ટા મેરા…’ આટલાં વરસો પછી પણ સાંભળવો ગમે તેવો છે, ને !

હવે ફિલ્મી ગાયનોના જાણભેદુઓને તો ખબર જ છે કે છેક 1941માં ‘હિંમત’ ફિલ્મમાં આ જ મુજરો શમશાદ બેગમના અવાજમાં આવી ગયો હતો. એટલું જ નહીં 1943માં આવેલી ‘આબરુ’માં આ જ રચનાની આબરુ લઈ નાંખતા હોય એ રીતે કોઈ કોમેડિયન પુરુષ કલાકારે પરદા ઉપર રજુ કર્યું હતું !


સવાલ એ છે કે શું 1941માં પણ તે ‘ઓરીજીનલ’ હતું ? ના ભઇ ના ! હકીકતમાં એ પહેલાં પણ તવાયફોનાં કોઠાઓમાં આ રચના ગવાતી રહી હતી !

જનાબે આલી, જ્યારે ખાવાલાયક વાનગીઓ એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે તો એને જરીક ક્રેડિટ તો મળે જ છે.  જેમ કે ‘કચ્છની દાબેલી’ ‘ભાવનગરના ગાંઠીયા’ ‘મથુરાના પેંડા’ ‘નવતાડના સમોસા’ અથવા ‘વડોદરાનો લીલો ચેવડો’ વગેરે. પણ ફિલ્મોમાં એવી પ્રથા જ નહોતી કે જનાબ, આ ગૌહરબાનુનો મુજરો અથવા આ છજ્જનબાઈની ગઝલ !

હિન્દી ફિલ્મોમાં ગાયનો (સાઉન્ડ) તો છેક 1931માં આવ્યાં. એ પહેલાં શું સમાજમાં ગાયનો જ નહોતાં ? આ ‘પાકિઝા’માં આવી એ ટાઇપની કંઈ કેટલીયે રચનાઓ અગાઉના જમાનાની તવાયફો મુજરામાં ગાતી હતી.

એમાંની અમુક તવાયફો તો ‘ઇન્ડિયા ફેમસ’ હતી, જેમ કે ઉમરાવ જાન ‘અદા’. એ બહેન પોતે કવયત્રિ પણ હતાં. પોતે એકદમ એલિટ-ક્લાસનાં હાઈ-ફાઈ ટાઈપનાં ફાઈવ-સ્ટાર તવાયફ હતાં એટલે કવયત્રિજીના નામની ક્રેડિટ હજી સુધી ટકી રહી. બાકી અનેક તવાયફી મુજરા એવા હતા જેના શાયરો ગુમનામ હતા. આમાંથી કંઈ કેટલીયે રચનાઓ મુજરા તરીકે નહીં પણ ગાયનો તરીકે ફિલ્મોમાં પહોંચી છે. આ બધાને શું કહેવાય ? ચોરી કે પ્રેરણા ?

એક તો ’30થી લગભગ ’50ના દાયકા સુધી ગાયકો ગુંગણા અવાજે ગાતા અને ઢોલક તબલાં પણ પાણીમાં બોળીને કાઢ્યાં હોય તેમ બોદાં બોદાં વાગતાં ! આમાં ને આમાં જે લોકોએ કદી મુજરા જોયા કે સાંભળ્યા જ નહોતા એવા સજ્જન-સન્નારીઓ માટે આ ‘નવાં’ ગાયનો જ હતાં ! સમય જતાં બિચારી તવાયફોના કોઠા બંધ થઈ ગયા, ત્યાર બાદ તવાયફો માત્ર ફિલ્મોમાં રહી, છેવટે એનું સ્થાન ‘આઇટમ’ સોંગે લઈ લીધું અને ‘મુજરા કરવા’ એ તો નેતાઓના દરબારમાં ચમચાગિરી કરવી એ અર્થમાં બોલાતું થઈ ગયું.

આવું જ કંઈક મુંબઈ કોલકત્તા જેવા મોટાં શહેરોમાં જે ‘ભાંગવાડી’ ટાઈપનાં નાટકો ચાલતાં હતાં તેનાં ગીતોનું થયું. એ જમાનાનાં શહેરી નાટકોમાં આજની માફક ‘બહાર આવ તારી બૈરી બતાડું’ ટાઈપની કોમેડીઓ નહોતી. આપણા જ ગુજરાતી કલાકાર શ્રી જયશંકર સુંદરીનાં ‘સૌભાગ્ય સુંદરી’ કે ‘નૂરજહાં’ જેવા નાટકો ગીતોથી ભરપૂર રહેતાં. (ગુજરાતી નાટકોમાં છગન રોમિયો નામના કલાકાર કોમિક ગીતો રજુ કરતા) આવાં પણ કંઈ કેટલાંય હિન્દી બંગાળી ગાયનો રંગભૂમિ ઉપરથી રૂપેરી પરદે પહોંચી ગયાં.

બીજી તરફ ભારતમાં ફિલ્મો આવી એ પહેલાં ગીત-સંગીતથી ભરપૂર નાટકમંડળીઓ ગામેગામ ફરતી. ઉત્તર ભારતમાં એને નૌટંકી કહેતા, મહારાષ્ટ્રમાં તમાશા તો બંગાળમાં જાત્રા. (યાદ હોય તો પૃથ્વીરાજકપૂરનું પણ આવું જ મ્યુઝિકલ નાટકોનું પૃથ્વી થિયેટર હતું, જેમાં સંગીતની જવાબદારી ફિલ્મ-સંગીતકાર રામ ગાંગૂલીની હતી.) આવા નાટકોની પણ જાણી-અજાણી ધૂનો ફિલ્મી પરદે પહોંચી છે. ફિલ્મ ‘તીસરી કસમ’માં ‘પાન ખાયે સૈંયા હમારો’ એ નૌટંકીનું ‘સૌજન્ય’ છે, જ્યારે ‘હાયે ગજબ કહીં તારા તૂટા’ એ ‘પ્રેરણા’ હોઈ શકે છે.

સવાલ એ થાય કે જ્યાં આ રીતે બેફામ રીતે ગીતો ‘ઉદ્યૃત’ કરવામાં આવતાં હતાં. (ઉઠાંતરી માટેનો સુધરેલો શબ્દ છે) ત્યાં અંદરોઅંદર સંગીતકારો વચ્ચે કોઈ સમજુતી હતી ખરી ? ના ભઈ ના !

આ તો સાંજના સમયે ગાયો પાછી ફરતી હોય ત્યારે તે પોદળાઓ કરતી જાય અને પાછળ આવનારીઓ તેમાં સાંઠીકડાં ખોસીને ‘આ પોદળો મારો’ એમ કોપીરાઈટ બુક કરાવતી જાય એવો જ સીન હતો !

સોરી, સરસ મઝાની વાનગીઓને બદલે ‘પોદળા’ જેવી સરખામણી થઈ ગઈ ! પણ શું થાય, જે સંગીતકારો ઘરડા થયા પછી ‘હમારે જમાને મેં તો…’ કહેતાં કહેતાં નકલખોરીની ફરિયાદો કરતા હતા એમની જાંઘો કદી ઉઘાડી નથી પડી એટલે જ બચી ગયા છે.

જેમ લોકગીતો, ભજનો, મુજરા, જુની રંગભૂમિ અને નૌટંકીમાંથી બંદિશો આવી છે એ જ રીતે વરસો જુની શાસ્ત્રીય સંગીતની બંદિશો પણ વિના સૌજન્યે ઉપાડી લેવાઈ છે.

સંગીતકાર શંકરે તો નૌશાદનું નામ લઇને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એમણે જુની બંદિશોને માત્ર સજાવીને ફરી રજુ કરી છે જ્યારે શાસ્ત્રીય રાગો ઉપરથી અમે સાવ નવી રચનાઓ કરી છે.’

બોલો, હવે કંઈ કહેવું છે ?

***

-મન્નુ શેખચલ્લી

Comments

  1. Mast information chhe... 👍

    ReplyDelete
  2. કલાના નામે ઉઠાંતરી જ થાય છે. ઉઠાંતરીને પ્રેરણા કહેવાય છે

    ReplyDelete
  3. મા પીરસે કે માસી,આપણને શું ફરક પડવાનો? હેં ભૈ !! ખાવા સાથે કામ,ટપટપ ગણીને હવે કયા કાંદા કાઢવાના?

    ReplyDelete
  4. સાવ એવું પણ નથી. જો ઉઠાંતરી કરનાર સંગીતકારો બની શકતા હોત તો શંકર જયકિશન કે મદનમોહન જેવા ધુરંધર સંગીતકારોની જરુર જ ના હોત ને !
    હવે પછી ના લેખમાં આ જ વાત છે.

    ReplyDelete

Post a Comment