'મરીઝ'ની પેટ્રોલ-શાયરીઓ !

ગઈકાલે ‘સૈફ’ પાલનપુરીની ક્ષમા સાથે એમની મશહુર શાયરીઓ વડે થોડી ‘પેટ્રોલ-પેરોડી’ કરી હતી. તો આજે એ જ ખયાલી મુશાયરામાં ‘મરીઝ’ સાહેબનો આત્મા પધાર્યો છે !

સાંભળો ‘મરીઝ’નું દર્દ શું છે… (દવા તો કોઈ પાસે નથી.)

***

જિંદગીની કારના ડ્રાઈવીંગમાં

જલ્દી ના કરો ‘મરીઝ’

એક તો ઓછું પેટ્રોલ છે

ઉપરથી વધતા ભાવ છે !

***

ખુશ્બુ છે હજી બાકી

જો સુંઘી શકો તો…

હું કોઈ બોતલ નથી

સ્કુટરની ખાલી ટાંકી છું !

***

ના માગ ખુદા પાસે

ગજાથી મોટો વૈભવ…

એક કાર એવી દેશે

તું ચલાવી નહીં શકે !

***

કહેવાને કાજે આમ

અમે ‘ઓડી’ તો લીધી

પછી એમાં બેસીને

ચા અડધી જ પીધી !

***

મહેનત વગર ‘મરીઝ’

દેવાદાર થઈ ગયા

ગાડી અમારી બેન્કે

પાછી જો લઈ લીધી !

***

છે એક પેટ્રોલની વ્યથા

બીજો ‘વેટ’નો માર છે

કાર હો કે બાઈક

બન્ને ‘દર્દ’ના પ્રકાર છે !

***

હતાં કંઈ ‘લુના’ પણ એવાં

પેટ્રોલ-પંપેથી જો નીકળ્યાં

કોઈ જુએ તો, જલે કે

ચાલ્યાં ટાંકી ‘ફૂલ’ કરીને !

***

પેટ્રોલ અને ઝહેરમાં

સંતાપ એ જ છે…

એક પણ હવે ‘મરીઝ’

માપસર નથી મળતું !

***

હરો ફરો ગમે ત્યાં

લાંબી સફર કરો

સગવડ જો સાચી પૂછો

હવે સાઈકલમાં જ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments