ચૂંટણીની અફર આગાહીઓ !

આ રવિવારે ગુજરાતની પાંચ મહાનગરપાલિકાની ચૂંટણી છે.

એક બાજુ ઉમેદવારો માટે સ્કુલમાં આવતી ‘સરપ્રાઇઝ ટેસ્ટ’ જેવું છે તો બીજી બાજુ અમુક લોકોને રવિવારે સરપ્રાઇઝ લાગશે કે હેં ? અલ્યા, આજે વળી કઈ ચૂંટણી ?

એ તો ઠીક, અમુક મતદારોને તો રીઝલ્ટ આવશે ત્યારે સરપ્રાઇઝ થશે કે હેં ? અલ્યા, ક્યારે થઈ ગઈ ચૂંટણી ?

એક બાજુ સટોડિયાઓ ભાવ પાડી રહ્યા છે કે કોને કેટલી સીટો મળશે, તો બીજી તરફ અમે અમુક ચોક્કસ અને અફર આગાહીઓ કરવાના મૂડમાં છીએ…

***

આગાહી (1)

આ વખતે (દર વખતની જેમ) મોટા ભાગના ઉમેદવારોનાં નામ લોકોને ખબર જ નહીં હોય !

***

આગાહી (2)

આ વખતે (દર વખતની જેમ) કોંગ્રેસ તથા ભાજપ બંનેને બળવાખોરોની સમસ્યા સતાવી રહી હશે !

***

આગાહી (3)

આ વખતે (દર વખતની જેમ) ચૂંટણી પહેલાં જ ફૂટી ગયેલા કોંગ્રેસીઓને લીધે ભાજપ અમુક બેઠકો બિનહરીફ રીતે જીતી જશે !

***

આગાહી (4)

આ વખતે (શિયાળો હોવાથી) અમુક ગરીબ મતદારો એ ભ્રમમાં હશે કે એમને મફત ધાબળા મળી જશે !

***

આગાહી (5)

આ વખતે (દર વખતની જેમ) ઝુંપડપટ્ટીના અનેક મતદારો દારૂ પીધા પછી ભૂલી જશે કે સાલું, કોને વોટ આપવાનો હતો ?

***

આગાહી (6)

...અને આ વખતે (દર વખતની જેમ) હારેલી કોંગ્રેસ ફરિયાદ કરશે કે EVM મશીનમાં ગડબડો થઈ છે અને મતદાર યાદીમાં નામો ગુમ થયા છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments