લગ્નમાં નવા રીવાજો !

એક બાજુ આપણા રૂપાણી સાહેબને કોરોના લાગુ પડ્યો છે તો બીજી બાજુ મેરેજ-સિઝન હોવા છતાં ડરી ડરીને માત્ર ૨૦૦ મહેમાનો સાથે માસ્ક વત્તા સોશિયલ ડિસ્ટન્સ સાથે લગ્નો લેવાં પડે છે.


આવા સંજોગોમાં થોડા નવા રીવાજો ચાલુ કરવાની જરૂર છે…

***

સૌથી પહેલાં તો ગોર-મહારાજની હાજરી જ ઓન-લાઇન કરી નાંખો !

આમાં ફાયદો ગોર મહારાજોને છે, કેમ કે એ લોકો એક સાથે છ-છ મેરેજોની વિધિ ઓનલાઇન કરાવી શકશે.

***

બીજો રીવાજ એ રાખો કે વરરાજા જાન લઈને આવે ત્યારે તેની સાસુજી મંડપને દરવાજે આવીને, વરરાજાનું માસ્ક ઊંચું કરીને પાકી ખાતરી કરી લેશે કે ભઈ, ‘એ જ છે ને !’

***

ત્રીજો ગમ્મતભર્યો રીવાજ એવો શરૂ કરો કે પુરા એક મીટરનું અંતર રાખીને વર-કન્યાને દૂર દૂર ઊભા રાખો અને ત્યાંથી જ છૂટ્ટે હાથે વરમાળા ફેંકીને એકબીજાને પહેરાવે !

***

અને હા, કન્યાના પિતા કન્યાનો હાથ વરરાજાના હાથમાં સોંપે ત્યારે ત્રણે જણાના હાથમાં ગ્લોવ્ઝ પહેરેલાં હોવાં જોઈશે !

(ગ્લોવ્ઝની નવી ડિઝાઈનો અગાઉથી બનાવડાવી લેવાની રહેશે. નહિંતર વિડીયોમાં મઝા નહીં આવે.)

***

એક સાવ નવી વિધી ઉમેરો… દૂરથી પોલીસની વાન સાયરનના અવાજ સાથે ડીજેના ગાયનો વગાડતી આવશે !

આ સાંભળીને સૌ ફટાફટ માસ્ક પહેરી લેશે અને ઝડપથી એકબીજાથી દૂર જતાં રહેશે !

પોલીસ આવીને ચેકીંગ કરશે… અને જે માસ્ક વિના પકડાશે તેની પાસેથી ‘ચાંલ્લો’ વસૂલ કરશે !

(અથવા કશું ચેક નહીં કરે અને ‘યથાશક્તિ દક્ષિણા’ લઈને, આશીર્વાદ આપીને પાછી જતી રહેશે.)

- વર-કન્યા, વેવાઈ-વેવાણ, કેટરિંગ-ડીજે… સાવધાન !!

***

- મન્નુ શેખચલ્લી

Comments