રવિવારે વેલેન્ટાઈન-ડે ગયો. જુવાનિયાઓએ તો જલ્સા કર્યા પણ વડીલો, તમે શું કર્યું ?
જરા આ ચેક-લિસ્ટ જોઈ લો…
***
છાપામાં વસંતપંચમી અને વેલેન્ટાઈન-ડેના લેખો વાંચ્યા ?
***
‘પ્રેમ શું છે ?’ એવાં સુવાક્યો પાછળ જાણે મોટો કોયડો છૂપાયો હોય તેમ એને શોધવા માટેના ચિંતન લેખો ચાવી ગયા ?
***
અરે ભાઈબંધો, ઓળખીતાઓ, ઢગાઓ- ડોસા-ડોસીઓ… જે અડફેટે ચડ્યા તેને ‘હેપ્પી વેલન્ટાઈન-ડે’ના મેસેજો ઠપકારી માર્યા ?
***
એક જમાનામાં જેની જોડે ‘મનમાં પૈણું અને મનમાં રાંડુ’ જેવા વન-વે ટ્રાફિક ટાઈપના પ્રેમસંબંધ હતા એને માટે ‘એ બિચારી ક્યાં હશે ?’ એવા વિચારો કર્યા કે નહીં ?
***
કે પછી એને ફેસબુકમાં શોધી-શોધીને… છેવટે મળી ત્યારે ‘હેપ્પી વેલેન્ટાઈન ડે… મને ઓળખ્યો કે નહીં ?’ એવા મેસેજો કર્યા ?
***
અરે, ઘરના ઓટલે બેસીને કમ સે કમ જુનાં લફરાં તો યાદ કર્યાં કે નહીં ?
***
કે પછી મંદિરના ઓટલે બેસીને ‘અરેરે… આજકાલનાં આ છોકરાં…’ એમ કહીને બળાપા જ કાઢ્યા ?
***
ચાલો, એ પણ ના કર્યું હોય તો પેલા વેલેન્ટાઈન નામના જે ‘સંત’ હતા તેની ‘કથા’ સાંભળી કે નહીં ?
***
વડીલ, કમ સે કમ આ વખતે નક્કી કર્યું કે નહીં, કે તમે પ્રેમીપંખીડાને ડંડા મારીને ભગાડતી ટોળકીની ફેવરમાં છો કે વિરુધ્ધમાં ?
***
ચાલો, એ બધું જ છોડો… પણ પેલા ફૂલવાળા, કાર્ડ અને ગિફ્ટ-શોપવાળા, ચોકલેટની દુકાનવાળા, ફૂટપાથ ઉપર ટેડી-બેર વેચવાવાળા અને યંગ-કપલ્સ માટે ખાસ ડીનર આપનારી રેસ્ટોરન્ટવાળા જેટલું કમાયા
....એમાંથી દસમાં ભાગનું ય તમે કંઈ કમાયા ખરા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment