ગયા સોમવારે ટોપિક છંછેડ્યો હતો કે ગાયનોમાં ‘ચોરી’ કોને કહેવાય ? ‘પ્રેરણા’ કોને કહેવાય ? તો પહેલાં પ્રેરણાનો એક ઉમદા કિસ્સો સાંભળો.
બન્યું એવું કે ‘ચોરી ચોરી’ (1956) ફિલ્મ માટે શંકર જયકિશન એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એક ગીત રેકોર્ડ કરી રહ્યા હતા. ગીત હતું ‘રસિક બલમા, દિલ ક્યું લગાયા તૂને…’ રિહર્સલો ચાલી રહ્યા હતા એ દરમ્યાન કોઈ કામસર એસ ડી બર્મન ત્યાં જઈ પહોંચ્યા. ગીતની ધૂન સાંભળીને તે એટલા ખુશ થઈ ગયા કે તેમે શંકર જયકીશનને ચોખ્ખું કીધું : ‘તમારી ધૂનના સૂર મને એટલા બધા ગમી ગયા છે કે હું તેના ઉપરથી બીજું એક ગીત બનાવીશ ! તમને વાંધો તો નથી ને?’
શંકર જયકીશનને શો વાંધો હોય ? સચિન દા એમના સિનિયર તો ખરા જ. ઉપરથી ગુરુ સમાન હતા. ત્યારબાદ સચિન દાએ કયું ગીત બનાવ્યું, ખબર છે ? ‘ચાંદ ફિર નિકલા, મગર તુમ ન આયે…’ (ફિલ્મ : પેંઇગ ગેસ્ટ, 1957) જરા બન્ને ગીતનાં મુખડાં ગણગણી જુઓ તો ખ્યાલ આવશે ! એટલું જ નહીં, એક ગીતનો અંતર પુરો કર્યા પછી આસાનીથી બીજા ગીતના મુખડા ઉપર સરકી જવાશે !
આ તો એવું થયું કે પાડોશીને ત્યાં બનતા ઉંધિયાની સુગંધ એટલી સરસ લાગી કે આપણે ઘરે ય ઉંધિયું બનાવી દઈએ ! ક્યારેક એવું બને કે હાઈવે ઉપર જતાં વલસાડ અમલસાડ બાજુ જે માટલાં ઊંધા કરીને ઉંબાડીયું બનાવે છે તેનો સ્વાદ એટલો યાદ રહી ગયો હોય કે છેક અમદાવાદમાં ઉંબાડીયું શોધતા ફરીએ. (પણ મળે કંઈ જુદું જ ! અને એ પણ સ્વાદિષ્ટ હોય.)
આવું જ કંઈક સલીલ ચૌધરી સાથે થયું છે. છેક કિશોરવયથી મોઝાર્ત નામના વિદેશી સંગીતકારની એક સિમ્ફની એમને એટલી પસંદ હતી કે એકવાર જ્યારે તક મળી ત્યારે ફિલ્મ ‘છાયા’ (1961) માટે એનો આધાર લઈને આગળ અંતરા તથા ઇન્ટલ્યુડની ધૂનો પણ બનાવી દીધી ! ગાયન હતું ‘ઇતના ના મુજ સે તૂ પ્યાર બઢા…’ જાણે સલીલ દા મોઝાર્તને કહેતા હોય કે ‘ઇતની ના પ્યારી ધૂન બના…’ જોકે, અહીં પણ યાદ રાખવા જેવું છે કે ‘વિશ્ર્વ’ના મહાન ગણાતા મોઝાર્તની પોતાની (તથા એમના નામે ચડેલી) સિમ્ફનીઓનો આંકડો 41થી વધારે નથી. જ્યારે સલીલ ચૌધરીની 13 ભાષામાં (75 હિન્દી ફિલ્મો સહિત) કુલ 145 ફિલ્મો થાય છે. બસ, ફરક એટલો જ કે મોઝાર્તને આખા વિશ્વમાં ‘મહાન’ ગણાવવામાં અંગ્રેજોએ કશું બાકી નહોતું રાખ્યું જ્યારે આપણે તો હજી ગુલામી-માનસ લઇને જ ફરીએ છીએ ને ?
સલીમ ચૌધરીની ‘મધુમતી’ ફિલ્મનું ગીત ‘બિછુઆ…’ માટે એવું કહેવાય છે કે એ કોઈ બંગાળી કે આસામી લોકગીતની ‘નકલ’ છે. આવો આક્ષેપ લગભગ તમામ ગુણવાન સંગીતકારો ઉપર થઈ ચૂક્યો છે. અહીં પણ મુદ્દો એ જ છે. ‘પ્રેરણા’ કે ‘ચોરી’ ? હકીકતમાં જ્યાં ફિલ્મની સ્ટોરીની જરૂરિયાત હોય કે અહીં કોઈ લોકગીત જ જોઈએ છે તો સંગીતકાર શું કરે ? તે પ્રદેશનાં થોડાં લોકગીતો સાંભળે ને ? પછી એ જ સામગ્રી (લીલું નાળિયેર, કાચી કેરી અથવા જંગલી સંતરાં વગેરે)માં મુંબઈનાં મરી-મસાલા ભભરાવીને વિશાલા જેવી ‘ગ્રામીણ ડીશ’ બનાવે કે નહીં ?
આવાં તો કંઈ કેટલાંય પંજાબી, રાજસ્થાની, બંગાળી, આસામી, ભોજપુરી અને મરાઠી ગીતો છે જેને સંગીતકારોએ રેકોર્ડિંગ રૂમમાં જ પંગત પાડીને પીરસી દીધાં છે ! આનંદની વાત એ છે કે એના કારણે જ ભલભલી પંજાબી ધૂનો ગુજરાતમાં ગવાતી થઈ ગઈ હોય ! (હદ તો ત્યાં થાય જ્યારે ગરબા પછી આપણે પંજાબી ધૂનમાં ‘યે દેશ હે વીર જવાનો કા’ ઉપર નાચવાનો રીવાજ બનાવી દઈએ.)
આપણે ગુજરાતીઓ તો ભલભલા ઇટાલિયન પિત્ઝાને પણ ગળ્યા બનાવીને ‘ગુજરાતી’ બનાવી શકીએ છીએ તો વળી પંજાબી મરાઠી કે બંગાળી ધૂનોની આભડછેટ ક્યાંથી હોય ? અફસોસ જરા એટલો જ થાય કે આપણા ગુજરાતી ગરબા, ભજનો, દૂહા અને છંદ વગેરે કલ્યાણજી આનંદજી કે જયકીશને હિન્દી ફિલ્મોમાં ખાસ ના પહોંચાડ્યા. (હિમેશ રેશમિયા અને સચિન જીગર, સાંભળો છો ને ?)
લોચો ત્યારે થાય, જ્યારે એ આર રહેમાન યુપીના કોઈ મૌલિક રોટલા જેવું લોકગીત ઉઠાવીને તેની ઉપર જબરદસ્તીથી વેસ્ટર્ન રિધમનું ક્રીમ પાથરીને ડેકોરેશન કરી નાંખે (સાસ ગારી દેવે, નનદ ચૂટકી લેવે, સસુરાલ ગેંદા ફૂલ) ત્યારે ચોરી છાપરે ચડી જાય !
ટુંકમાં, ‘રસોડે મેં કૌન થા?’નો સાર એટલો જ કે દેશભરના લોકગીતો બહુ સહજપણે ફિલ્મોમાં આવ્યાં છે. એને ચોરી ન કહેવાય. પણ થોભો, આમ અધૂરા ભાણે હાથ ખંખરીને ઊભા ના થઈ જવાય ! મલ્ટી-કોર્સ ડિનરમાં હજી તો વરસો જુની પરંપરાગત શાસ્ત્રીય બંદીશો, મુજરાનાં ગાયનો અને જુની નાટકમંડળીની ધૂનોનો એક રાઉન્ડ બાકી છે.
***
-મન્નુ શેખચલ્લી
email: mannu41955@gmail.com
SD Burman was graceful enough to seek permission, instead of stealing.
ReplyDeleteI am sure you would be aware of "Mohe Panghat pe Nandlal chhed gayo re" by Raskavi Raghunath Brahmbhatt and fight of that poor guy. Decided in court. Or "Maru man mor bani Thangaat kare"
Kalidas has confessed that he is "Alp Yash Prarthee". Every artist is motivated by, seeks, prays for and deserves little Yash. When something is taken and used with out permission, it is theft.
હા જી, ભારતમાં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને લગતા કાનૂન બહુ મોડા મોડા આવ્યા છે. એમાં પણ હજી ઘણી છટકબારીઓ છે. કલાકારને ઊંચા દામ કરતાં સાચી રીતે યશ મળે તેની જ વધારે કિંમત હોય છે પરંતુ કમનસીબે માત્ર ફિલ્મો જ નહીં, દરેક ક્ષેત્રમાં બીજાના કામનો યશ વધુ શક્તિશાળી વ્યક્તિ દ્વારા પોતે ખાટી લેવાની સિસ્ટમો ગોઠવાયેલી છે.
Deleteહું ૧૯૭૬-૭૭માં સ્પેશ્યિલ અંગ્રેજી સાથે બી. એ. નાં છેલ્લાં વર્ષમાં હતો ત્યારે, પ્રસિદ્ધ અંગ્રેજી વિવેચક ટી.એસ. ઇલિયટ નું એક પુસ્તક અમારા કોર્સમાં હતું : Tradition and the Individual Talent. તમે આ સહજ પાસાં પર ઘણી મહેનત કરતાં આખી લેખમાળામાં સરસ રીતે પ્રકાશ પાડ્યો છે, લલિતભાઈ ! આગામી મણકાની ઉત્સુકતા હોય જ. હાર્દિક અભિનંદન !
ReplyDeleteખુબ ખુબ આભાર રસેશ ભાઈ ! આગામી લેખમાં આ જ વાત જરા વધુ ઉદાહરણો સાથે આવશે. ભારતીય સંગીતની પરંપરાગત ધૂનો ફિલ્મોમાં ક્યાં ક્યાંથી આવી છે અને હજી આવી રહી છે.
Delete