ગાયનોની ઉઠાંતરી... પાકિસ્તાન ટુ ઈન્ડિયા !

અગાઉ ‘વન સોન્ગ વન્ડર ગાયકો’નો લેખ કર્યો હતો. ત્યારે એક સંગીત રસિયા લેખક મિત્રએ યાદ કરાવ્યું કે સંગીતકાર નદીમનું (નદીમ-શ્રવણ) એક આલ્બમ સોંગ પણ આવું જ એકલું અટુલું હતું : ‘જબ કોઈ પ્યાર સે બુલાયેગા…’ અમે એ ગાયન કદી સાંભળ્યું નહોતું એટલે યુ-ટ્યુબનો પટારો ખોલ્યો.

ચાલો, એ ગીત તો મળી ગયું પણ પટારામાં એની નીચે શું હતું ? પાકિસ્તાનના મશહુર ગાયક મહેંદી હસને ગાયેલું એ જ ગીત ! એ જ ધૂન ! લગભગ એ જ શબ્દો ! અરે, ઇન્ટરલ્યુડ મ્યુઝિકની ધૂન પણ સેઇમ !


અમને થયું યાર, કોઈ સંગીતકાર ‘પોતાનું’ આલ્બમ બનાવતો હોય એમાંય બીજાનું ગીત ઉઠાવે ? પછી થયું, હશે, પેલા આલ્બમના પ્રોડ્યુસરે કંઈ સારા પૈસા નહીં આપ્યા હોય એટલે નદીમે નવી મહેનત નહીં કરી હોય. પરંતુ એ પછી તો રાઝ ઉપર રાઝ ખુલવા લાગ્યા !

વધુ એક પાકિસ્તાની ગાયન જોવા / સાંભળવા મળ્યું ‘મુઝે તુમ નઝર સે ગિરા તો રહે હો, મુઝે તુમ કભી ભી ભૂલા ના સકોગી’ કોઈ અજાણ્યો (અમારા માટે અજાણ્યો ) પાકિસ્તાની કલાકાર પિયાનો ઉપર એ ગાયન ગાઈ રહ્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટ ગાયન જોતાં જ અમારા કાન અધ્ધર થઈ ગયા ! ફરી યુ-ટ્યુબનો પટારો ખંખોળ્યો, તો લો… આપણી હિન્દી ફિલ્મી ‘દીવાનગી’માં એ ગીત એ જ ધૂન અને એ જ શબ્દો સાથે નીકળી પડ્યું !

મોબાઈલનાં તમામ એપ્સમાં એવી ગોઠવણ હોય છે કે તમે એક વાર લીંબુનાં અથાણાની રેસિપી શોધો એટલે લીંબુનું શરબત, લીંબુનો મુરબ્બો, લીંબુની ખેતી… બધું બતાડવા માંડે ! અહીં અમારે પણ એવું જ થયું. પાકિસ્તાની ગાયનોની લિજ્જત માણવા બેઠા ત્યાં એક બહુ સાંભળેલં હોય તેવું ગીત ઠેબે ચડ્યું ‘હમ સે બદલ ગયા હૈ, વો નિગાહેં તો ક્યા હુઆ, જિન્દા હૈ કિતને લોગ મહોબ્બત કિયે બગૈર..’

આ ગાયન તો મહેંદી હસન ઉપરાંત નૂરજહાંએ પણ ગાયું છે. અમને થયું, ભાઈ આ તો અમારા કુમાર શાનુનું ગાયેલું છે. તમે શેનું ચોરી લીધું ? પછી પટારો ફેંદતાં ખબર પડી કે ભાઈ, કુમાર શાનુ પાસે એ ગાયન અનુ મલિકે ગવડાવ્યું હતું ફિલ્મ ‘સર’ માટે ! હા, ધૂનમાં મામૂલી ફેરફાર કરવાની તસ્દી અનુભાઈએ લીધી છે ખરી !

આવું જ એક નદીમ શ્રવણનું ગાયન અમને ખુબ જ પસંદ હતું (હજી પણ છે). ફિલ્મ ‘આશિકી’નું ‘તુ મેરી જિંદગી હૈ, તૂ મેરી હર ખુશી હૈ, તૂ હી પ્યાર તૂ હી ચાહત, તૂ હી આશિકી હૈ…’ એકાદ મહિના પહેલાં કંઈ પાકિસ્તાની ટીવીમાં લાઈવ ગવાયેલા એ જ ગાયનની બ્લેક એન્ડ વ્હાઈટ ક્લિપ જોવા મળી ! હવે બીજાં ગાયનોનાં મૂળ શોધવા બેઠા હતા તો આ પણ શોધ્યું ! ત્યારે ખબર પડી કે પાકિસ્તાનની ગાયિકા તસવ્વર ખાનમ આ ગીત તો વરસોથી ગાય છે. (એ ત્યાંની કોઈ ફિલ્મનું ગીત છે કે નહીં એ નથી ખબર.)

આવી જ એક તરજ ઉપર અમે ફિદા હતા. ‘તુમ્હેં અપના બનાને કી કસમ ખાઈ હૈ… ખાઈ હૈ…’ (ફિલ્મ : સડક) સાલું, એ પણ નકલ નીકળી ? જી હા, પાકિસ્તાની ગાયિકા નુસર્રત નઝીરે આ ગાયન છેક 1982માં ગાયું હતું. નુસર્રત નઝીરના એ ગીતના શબ્દો છે ‘ચલે તો કટ હી જાયેગા સફર, આહિસ્તા… આહિસ્તા…’

‘સાજન’ ફિલ્મનું આવું જ એક ગાયન હતું જેને અમે ‘બહોત પ્યાર’ કરતા હતા. ગાયનના શબ્દો પણ એ જ હતા. ‘બહોત પ્યાર કરતે હૈં તુમ કો સનમ…’ અમે નદીમ શ્રવણના ખાસ ફેન નથી પરંતુ આવાં બે ચાર ગાયન માટે અમે કાન પકડતા હતા કે ભાઈ, અમુક ધૂનો તો બે-મિસાલ હતી. છેક હમણાં ખબર પડી કે આ ગાયન તો મહેંદી હસને ગાયેલા ‘બહોત ખુબસુરત હૈ મેરા સનમ…’ની કલર ઝેરોક્સ છે !

‘અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેંગે હમ…’ બોલો, ‘ઝહર’ ફિલ્મના આ ગાયન માટે તો અમે ચેલેન્જ મારવા તૈયાર હતા કે ‘અગર કોપી મિલ જાયે, સુનના છોડ દેંગે હમ’ પણ યાર, એનું ઓરિજિનલ પાકિસ્તાની ગાયન પણ મળ્યું ! એ જ શબ્દો, એ જ ધૂન… પાકિસ્તાની ફિલ્મ ‘ઇમાનદાર’. (હદ થાય છે નહીં ? ઇમાનદાર સાથે જ બેઈમાની?)

‘સંભાલા હૈ મેંને બહોત અપને દિલ કો, જુબાં પર તેરા હી નામ આ રહા હૈ…’ દોસ્તો, આ ગાયન પણ કોપી નીકળ્યું ! ત્યારે થયું યાર, જુબાં ઉપર વારંવાર નદીમ શ્રવણનું જ નામ કેમ આવ્યા કરે છે ?

છેલ્લે નદીમ શ્રવણના જ વધુ એક ગાયનને યાદ કરીને પાકિસ્તાની કનેક્શન સમેટી લઈએ. ‘મૈંને પ્યાર તુમ્હીં સે કિયા હૈ….’ ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’. એનું ઓરિજિનલ પાકિસ્તાની ગાયનને ચોરવામાં પણ હિંમત જોઈએ કેમકે પાકિસ્તાની ફિલ્મનું નામ હતું ‘હિંમતવાલા’ ! શબ્દો હતા ‘મુઝે દેખ કે બીન બજાયે….’

જોકે વાંક માત્ર નદીમ શ્રવણનો નથી. ફિલ્મ ‘દબંગ’નું સુપરહિટ ગાયન ‘મુન્ની બદનામ હુઈ...’ જરાય બદનામીના ડર વિના ‘મિસ્ટર ચાર્લી’ નામની જુની પાકિસ્તાની ફિલ્મની કવ્વાલીની નકલ છે. ‘લડકા બદનામ હુઆ, હસીના તેરે લિયે !’

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. સંગીત ક્ષેત્રે આટલી મોટી ચોરીઓ થતી હોય એની જાણ કદાચ આમ જનતા ને ખબર ના હોય પણ ફિલ્મ મિડીયા માં તો જાણતાં જ હશે છતાં.......
    તેરી બી ચુપ, મેરી ભી ચૂપ !!!!

    ReplyDelete
  2. બિલકુલ સાચી વાત છે. અગાઉ ક્યારેક આવા કિસ્સા બનતા હતા પણ એનું પ્રમાણ બહુ જૂજ હતું. નદીમ શ્રવણ, અનુ મલિક અને પ્રીતમ પછી કોઈ છોછ રહ્યો નથી.

    ReplyDelete
  3. સંગીતના ક્ષેત્રે આને ચોરી નહીં પ્રેરણા કહેવાય. ઈવન, રાજકપૂરનું વર્લ્ડ ફેમસ ગીત આવારા હૂં પણ એક વિદેશી(લગભગ ચેકોસ્લાવાકિયા) ગીતની ભારતીય આ વૃત્તિ છે. એ વખતે સોશ્યલ મિડિયા કે અન્ય મિડિયા આટલું પાવરફુલ નહોતું, એટલે જલદી ખબર નહોતી પડતી. આર.ડી.ના આઇ પણ ઘણા કોપી કે ગીત બનાવ્યા છે. જો કે એણે સેમ ટૂ સેમ ઉઠાંતરી ઓછી કરી છે. મૂળ ગીતમાંથી મ્યુઝીકના એક બે પીસ લયીને બાકી ગીત નવું બનાવ્યું છે. હસન જહાંગીરનું હવા હવા ગીત કે જેની એક જમાનામાં ઓરીજનલ ટ્યુશન તરીકે બહુ પ્રશંસા થયો હતી. એ પણ ઈરાની ગીત હવર હવરની કોપી છે.

    ReplyDelete
  4. આપની વાત બિલકુલ સાચી છે. આવતા સોમવારે હું એ જ મુદ્દા ઉપર લેખ લખવાનો છું કે નકલ કેટલી હદે કરી હોય તો નકલ કહેવાય અને પ્રેરણા તથા નકલ વચ્ચેનો ફરક કોને કહેવાય.
    ટોપિક છેડવા બદલ આભાર !

    ReplyDelete
  5. Once Purushottam Upadhyay told RDB "Hey, you copied my music". RD said "It was too good not to use it.. Ek kaam karna, Aap meri do teen dhun le lena."

    Lo huyi baat..

    RD has given great music, no doubt. That does not mean he should make money on someone else's creativity. Credit and money deserved by Purushottam Upadhyay was stolen from him.

    ReplyDelete
  6. પુરુષોત્તમ ઉપાધ્યાયની કઈ ધૂન આર ડી બર્મને ચોરી હતી તે જણાવશો ? મને આ કિસ્સા વિશે કંઈ ખબર નથી.

    ReplyDelete

Post a Comment