હેં? ના હોય ! લો, બોલો.. એવું છે !

આપણી ગુજરાતીમાં અમુક વાક્યો એવાં છે જેનો દુનિયાભરની ભાષાઓમાં જોટો જડે એમ નથી. અંગ્રેજીમાં જ્યાં કહેવું પડે કે ‘એકસ્ક્યુઝ મિ, કુડ યુ પ્લીઝ રિપિટ વોટ યુ જસ્ટ સેઈડ?’ એનું ગુજરાતીમાં માત્ર એક જ અક્ષરનું વાક્ય થાય : ‘હેં ?’


જોકે આ જ્ઞાન તો તમને સો.મિ.યુ. (સોશિયલ મિડીયા યુનિવર્સિટી)માંથી મળી જ ગયું હશે પણ આ ‘હેં?’ની ચાવી તો ક્યાં ક્યાં કામમાં આવે છે…

‘ભઈ, તમારું લાયસન્સ પીયુસી બતાડો’ ‘હેં ?’ ‘તમારા ખાતામાં બેલેન્સ નથી.’ ‘હેં ?’ ‘તમારી ચેઈન ખુલ્લી છે.’ ‘હેં ?’ ‘દોસ્ત, જરા બસ્સો રૂપિયા ઉછીના આપને ?’ ‘હેં ?’

ટુંકમાં, જ્યારે સાંભળ્યું હોય છતાં ના સાંભળ્યાનો દેખાવ કરવાનો આવે ત્યાં આ એકાક્ષરી વાક્ય ખુબ જ હાથવગું છે.

પુરુષને એનો પગાર પૂછશો તો ‘હેં?’ કરશે.
સ્ત્રીને એની ઉંમર પૂછશો તો ‘હેં?’ કરશે.
સ્કુલના છોકરાંને ‘લેસન શું આપ્યું છે ?’
એવું પૂછશો તો ‘હેં?’ કહેશે.

બેન્કની બહાર ઊભેલા ગઠીયાઓ ‘તમારા પૈસા પડી ગયા.’ કહીને ‘હેં?’ બોલાવડાવે છે અને પછી સ્કુટરની ડેકીમાંથી 20-25 હજારની કેશ ઉપાડી જાય છે.

ઓફિસમાં મહિલા કર્મચારી તેના બોસને ‘આજે બહુ હેન્ડસમ લાગો છો હોં ?’ કીધા પછી લાળથી ટપકતું ‘હેં?’ બોલાવડાવીને અડધા દિવસની રજા વગર અરજીએ પાસ કરાવી લે છે.

એવી જ રીતે બીજું ચમત્કારીક ગુજરાતી વાક્ય છે : ‘ના હોય !’

આમાં જે ‘હોય છે’ તેને ‘હોય છે’ એમ માની લેવા છતાં ઇન્કાર કરવાનો દેખાવ કરતાં ‘ના હોય !’ કહેવાનો જે ભાવ છે તેના વિશે હજી ગુજરાતીમાં ગઝલો કે સંશોધન-નિબંધો લખાયા જ નથી. (આના જવાબમાં પણ તમે કહી શકો : ‘ના હોય !’)

‘ના હોય !’ની સિચ્યુએશનો હંમેશાં જોરદાર હોય છે. ‘આબુમાં બરફ પડ્યો.’ ‘ના હોય !’
‘મારી બાઈકમાં પંચર પડ્યું છે.’ ‘ના હોય !’
‘ફલાણાભાઈને કોરોના થયો.’ ‘ના હોય !’
એ તો સમજ્યા, પણ ‘ઢીકણાભાઈને કોરોના મટી ગયો.’ એના જવાબમાં પણ ‘ના હોય !’ કહેનારા મળી આવશે.

આવું ‘ના હોય !’ તો તમે ગમે ત્યાં ચિપકાવી શકો છો.
‘કાલે તો ગુરુવાર છે.’ ‘ના હોય !’
‘મોદીજીની દાઢી કેટલી વધી ગઈ છે ?’ ‘ના હોય !’
‘કુકરમાં ત્રણ સીટી વાગી ગઈ.’ ‘ના હોય !’
‘કોરોનાના કેસ ઘટતા જાય છે હોં.’ ‘ના હોય !’
આવાં દરેક ‘ના હોય !’ સામે તમે ચીડાઈને પ્રતિપ્રશ્ર્ન પણ કરી શકો છો : ‘એમાં શું ના હોય !’

આનાથી યે સહેલું, સરળ અને દૂધમાં પાણીની માફક ભળી જાય એવું વાક્ય છે : ‘લો બોલો.’

દાખલા તરીકે ‘અનુષ્કા શર્માને બેબી આવી’ એના જવાબમાં ‘હેં ?’ કહેશો તો લોકો તમને બહેરા સમજશે. ‘ના હોય !’ કહેશો તો કદાચ ‘શંકાની નજરે’ જોશે, પણ સિમ્પલી, ચહેરાના હાવભાવ બદલ્યા વિના તમે કહી શકો છો : ‘લો બોલો.’

આમાં સામેવાળો આગળ કંઈ બોલવાનો જ નથી ! છતાં જો બોલે કે ‘વિરાટ કોહલી ત્યાં જ હાજર હતો.’ તો પણ કહી શકાય કે ‘લો બોલો.’ જો કહે કે ‘સોશિયલ મિડીયા ઉપર તો હજારો મેસેજો ફરી રહ્યા છે.’ તોય કહી શકાય ‘લો બોલો.’ આ ત્રણ અક્ષરનું ગુજરાતી વાક્ય ગીતામાં ચાર ડઝન જેટલા શ્ર્લોક વડે વર્ણવેલી સ્થિતપ્રજ્ઞતાનો ટોટલ ટુંકસાર છે. જુઓ…

‘આબુમાં બરફ પડ્યો.’ ‘લો બોલો.’
‘મારી બાઈકમાં પંચર પડ્યું છે.’ ‘લો બોલો.’
‘કુકરમાં ત્રણ સીટી વાગી ગઈ.’ ‘લો બોલો.’
‘તમારા ખાતામાં બેલેન્સ નથી.’ ‘લો બોલો.’
‘તમારી ચેઈન ખુલ્લી છે.’ ‘લો બોલો.’ ..!

જોયું ? કોઈપણ વિપરિત કષ્ટદાયક સ્થિતિનો કેટલી સરળતાથી સ્વીકાર થઈ જાય છે ? મઝાની વાત એ પણ છે કે તમે ‘લો બોલો.’ કહો પછી સામેવાળાને કંઈ બોલવા જેવું રહેતું જ નથી.

જોકે, ‘હેં ?’ ‘ના હોય !’ અને ‘લો બોલો.’ કરતાં ય શ્રેષ્ઠ ત્રણ અક્ષરનું વાક્ય હોય તો એ છે : ‘… એવું છે…’ 

આમાં જુદાં જુદાં વર્ઝન છે : ‘અચ્છા, એવું છે.’ ‘ઓહો, એવું છે.’ ‘એમ ? એવું છે ?’ પરંતુ શ્રેષ્ઠ વર્ઝન તો કોઈ જાતના હાવભાવ વિના, સ્હેજ થંભીને, નાનકડો હળવો શ્ર્વાસ છોડતાં… ‘… એવું છે…’ કહેવામાં સંપૂર્ણપણે જળકમળવત્‌ રહી શકાય છે.

જરા કલ્પના કરો, ગીતા ભાષ્ય વખતે કૃષ્ણ ભગવાન પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે…. ત્યારે અર્જુન ‘હેં ?’  ‘ના હોય !’ કે ‘લો બોલો.’ કહેવાને બદલે માત્ર ‘… એવું છે…’ કહી દે, તો કૃષ્ણ ભગવાને શું કરવાનું ? આગળ જ ચલાવવું પડે ને !

… એવું છે.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. સાલું ઇ જ સમજાતું નથી કે તમે આવાં *અઘરાં* લોકોની કેફિયતો વચ્ચે પણ કેટલી સહજતાથી આટલું જબરું સતત લખી શકો છો ! કોટિ કોટિ સલામો છે, તમને, લલિતભાઈ !

    ReplyDelete
  2. આપના જેવા વાચકોની મહેરબાની છે. બાકી, જે અઘરા લોકો છે એ જ મસાલો પુરો પાડે છે !

    ReplyDelete
  3. એવું છે..... Lalitbhai......

    ReplyDelete
  4. હેં? એવું છે ?
    ના હોય.. લો, બોલો !
    🙏🙏 થેન્ક યુ .

    ReplyDelete

Post a Comment