અમેરિકાના સંસદ ભવન ઉપર ધસી જઈને હજારો લોકોએ જે તોડફોડ કરી તે જોઈને દુનિયા હબક પણ ખાઈ ગઈ છે અને હસી પણ રહી છે !
આવો, એ હાસ્યોમાં થોડા ઉમેરા કરીએ…
***
હું મારા ટીવીમાં કોઈ ‘ઝોમ્બી-હોરર’ મુવી જોવા માગતો હતો. ભૂલથી ન્યુઝ ચાલુ થઈ ગઈ !.... પછી તો રહેવા જ દીધી !
***
યોગી આદિત્યનાથે તાબડતોબ જો-બિડનને ફોન કરીને સલાહ આપી :
‘તમામ હુમલાખોરોના ફોટા તો આવી જ ગયા હશે ને ? હવે એમનાં મોટાં મોટાં હેડિંગો લગાવો ! બધા પાસેથી દંડ વસૂલો ! જરા યુપી પાસેથી કંઈ શીખો…’
***
પંજાબના ખેડૂતોએ પણ આંદોલનકારીઓને મદદની ઓફર આપી હતી :
‘બોલો, બસ્સો-ત્રણસો ટ્રેક્ટરો મોકલી આપીએ ? સૌને જમવા માટે લંગર ચાલુ કરી દઈએ ? યાર, ચાર કલાકમાં સમેટાઈ ગયા ? કમ સે કમ ચાર દિવસ તો ચલાવવું હતું ?’
***
નોર્થ કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ ટીવીમાં બધું જોતાં ખુશ થઈ રહ્યો છે :
‘હંમ્મ્… અમેરિકા ઉપર મિસાઈલ વડે હુમલો કરવાને બદલે આ સહેલી અને સસ્તી મેથડ મળી ગઈ !’
***
અમેરિકાના નવા પ્રમુખ જો-બિડન હજી ધ્રુજી રહ્યા છે. તે પોતાના સિક્યોરીટી સ્ટાફને પૂછી રહ્યા છે :
‘એક્સક્યુઝ મિ ! તમે મને જરા વ્હાઈટ હાઉસની સુરક્ષા વ્યવસ્થા ફરીથી બતાડી શકો ?’
***
અમેરિકામાં અગાઉ રમખાણો કરી ચૂકેલા તોફાનીઓ ટીવીમાં આ તમાશો જોતાં માથું ખંજવાળી રહ્યા છે :
‘અલ્યા, ત્યાં અંદર કોઈ મોલ નથી, શો-રૂમ નથી, ફર્નિચરની દુકાનો નથી, લૂંટવા જેવી ખાસ કોઈ ચીજો નથી… છતાં આ લોકો શા માટે અંદર ઘૂસવા માગે છે ?’
***
છેલ્લે એક ફોટો-મિમ…
અમેરિકન આંદોલન : લોકો હજારોની સંખ્યામાં સંસદ ભવનમાં તોડફોડ કરી રહ્યા છે.
ભારતીય આંદોલન : ખેડૂતો શાંતિથી ચા-નાસ્તા-ભોજનની મહેફિલ માણી રહ્યા છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment