સાંસદો છંછેડાયા છે...

ગઈકાલથી સંસદનું સત્ર શરૂ થઈ ગયું. શરૂ થતાંની સાથે જ ત્યાં એક હલચલ મચી છે…

***

સંસદ ભવનની લોબીમાં ચાર પાંચ સાંસદો ઊભા ઊભા ઉગ્ર ચર્ચા કરી રહ્યા હતા.

‘આ તો હદ કહેવાય, નહીં ?’

‘હાસ્તો વળી, 30 રૂપિયાની વસ્તુના સીધા 100 રૂપિયા ?’

‘અને પાંચ રૂપિયાના વધારીને સીધા વીસ રૂપિયા ?’

‘આ ના ચાલે…’

ત્યાંથી પસાર થતા એક અજાણ્યા માણસે સાસંદોને પૂછ્યું ‘ઓહો ! તમે ખેડૂત આંદોલનની વાત કરો છો ને ? પાંચ રૂપિયાના બટાટા વીસ રૂપિયામાં વેચાય છે એ જ ને !’

સાંસદો અકળાયા. ‘ભઈ, જા ને ! તું તારું કામ કરને ?’

પેલો માણસ આગળ ગયો. અહીં બીજા છ-સાત સાંસદો ઉશ્કેરાઈને વાતો કરી રહ્યા હતા.

‘આ તો હદ થઈ ગઈ કહેવાય !’

‘આપણે કંઈક કરવું પડશે !’

‘પણ શું કરી લેવાના ? 150 રૂપિયાને બદલે સીધા 700નો ભાવ લગાડે છે છતાં આપણે તો આપવા જ પડશે ને ?’

પેલા ભાઈએ અહીં પણ માથું માર્યું. ‘અચ્છા, તમે સલમાન ખાનની પિકચરની ટિકીટોના ભાવની વાત કરો છો ને ?’

સાંસદો છંછેડાયા. ‘અલ્યા, તું આઘો રહે ને ? આમાં તને કંઈ સમજ ના પડે છતાં શા માટે લપ્પન છપ્પન કરે છે ?’

બિચારો આ આગંતુક આગળ ચાલ્યો. ત્યાં વળી લોબીમાં ત્રીજું જુથ ખરેખર આક્રમક મિજાજમાં દેખાયું.

‘આમ રાતોરાત ભાવ વધારી દે તે તો કેમ ચાલે ?’

‘આપણને પૂછવું તો જોઈએ ?’

‘સંમતિ લેવી જોઈએ, સંમતિ !’

‘સરાસર, અન્યાય છે !’

‘આમ કૂદકે ને ભૂસકે વધતા ભાવ ક્યાં જઈને અટકશે ?’

પેલા ભાઈએ હવે તો લગભગ પકડી પાડ્યું. ચપટી વગાડતાં પૂછ્યું ‘તમે પેટ્રોલના ભાવની વાત કરો છો ને ?’

સાંસદો ખરેખર બગડ્યા. એમાંથી એક અકળાઈને બોલી ઊઠ્યો:

‘અલ્યા, સંસદ ભવનની કેન્ટિનમાં જે ભાવો પાંચ-પાંચ અને સાત-સાત ગણા વધી ગયા છે તેની વાત છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments