બોલો, ‘ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ’ નામની પણ એક સંસ્થા છે !
એનું 108મું અધિવેશન 3 થી 7 જાન્યુઆરીએ થવાનું હતું પણ હાલમાં મોકુફ રહ્યું છે. જોકે કોંગ્રેસ પાર્ટી સાથે તેને કોઈ લેવાદેવા નથી છતાં જોવાની વાત એ છે કે ‘કોંગ્રેસ’નું પણ એક અલગ ‘સાયન્સ’ છે !
એના નિયમો પણ અનોખા છે…
***
નિયમ (1)
આંખ આડા કાન કરવાથી પાર્ટીના પ્રશ્નો એની મેળે ગાયબ થઈ જાય છે.
***
નિયમ (2)
પ્રશ્નો લોકોના હોય કે પાર્ટીના હોય, એ બાબતે ‘કશું ન કરવું’ એ જ ‘શ્રેષ્ઠ કાર્ય’ ગણાય છે.
***
નિયમ (3)
કોંગ્રેસ પાર્ટી એક એવું મોટું તળાવ છે જેમાં મોં ખોલનારા ડૂબી જાય છે અને મોં બંધ રાખનારા ઉપર આવતા જાય છે.
***
નિયમ (4)
કોંગ્રેસમાં જે કંઈ સારું છે તે ગાંધી પરિવારને કારણે છે અને જે કંઈ ખરાબ છે તેની ગાંધી પરિવારને ખબર જ નથી.
***
નિયમ (5)
જે વિજ્ઞાનના નિયમ મુજબ ભારતમાં ડ્રાઈવર વિનાની ટ્રેન ચાલુ થઈ છે એ નિયમની શોધ કોંગ્રેસે વરસો પહેલાં કરીને પ્રમુખ વિના આખી કોંગ્રેસ ચલાવી છે.
***
નિયમ (6)
માત્ર ચૂંટણીના સમયે જ લોકો તથા મિડિયા સામે હાજર રહેવું. ત્યાર પહેલાં અને ત્યાર પછી છુપાયેલા રહેવાથી જ સલામત રહી શકાય છે.
***
નિયમ (7)
અહીં ગાંધી પરિવાર સિવાય બીજા પરિવારોને પણ છૂટ છે. જેમ કે ‘ગડા પરિવાર’ ‘મલ્હોત્રા પરિવાર’ ‘સ્ટાર પરિવાર’… વગેરે.
***
નિયમ (8)
કોંગ્રેસને દસ જ વસ્તુઓ એકજુટ રાખી શકે છે.
1 થી 9… ગાંધી પરિવાર
અને 10, જનપથ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment